Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

નેશનલ ઇન્સ્યુરન્સ કંપનીની તરફેણમાં ગ્રાહક તકરાર ફોરમનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ર૧: બેરીયાટીક સર્જરીના કીસ્સામાં વિમા કંપની મેડીકલ એકસપેન્સીસ અને ઓપરેશન ચાર્જીસ વિગેરે ચુકવવા જવાબદાર નથી તેમ ઠરાવીને ગ્રાહક તકરાર ફોરમે વિમા કંપનીની તરફેણમાં મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, રાજકોટના વતની શ્રીમતિ પારૂલબેન વિજયભાઇ બદાણી, એ ગ્રાહક તકરાર કમિશન સમક્ષ કુલ રૂ. ૪,૪પ,૬૪૪/-, પ્લસ વ્યાજ અને ખર્ચ મેળવવા ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલી કે ફરીયાદીને પગમાં દુઃખાવો તથા હાફ ચડતો હોઇ તા. ૪/૪/૧૭ના રોજ ઓર્થો. સર્જન કેતન ઠકકરની સારવાર લીધેલી. પરંતુ સફળતા ન મળતાં તેઓએ બરોડાના ડોકટર આશુતોષ સાહની સારવાર લીધેલી. ત્યારબાદ તેઓએ રેડીયન્સ હોસ્પીટલ, અમદાવાદમાં ઇન્ડોર પેસન્ટ તરીકે દાખલ થઇ, ''મોરબીડ ઓબેસીટી'' (મેદસ્વીતા) માટે, ટુંકમાં વજન ઘટાડવાની માટેની સર્જરી કરાવેલી, અને કુલ રૂ. ૪,૪પ,૬૪૪/- તેઓને ખર્ચ થયેલ હતો. જે વિમા કંપનીએ મંજુર ન કરતા હાલની ફરીયાદ તેઓએ દાખલ કરેલી.

ગ્રાહક ફોરમે નેશનલ ઇન્સ્યુ. કાું. લી.ની તરફેણમાં ચુકાદો આપતા ઠરાવેલ છે કે, ચાલુ વર્ષમાં હાલની સર્જરી કવર થઇ જાય છે પરંતુ ર૦૧૭-ર૦૧૮ માં વિમા પોલીસીની ટમ્સ મુજબ સદરહું પ્રકારની વજન ઘટાડવાની સર્જરી એટલે કે મોરબીડ ઓબેસીટી કવર થતી નથી. મેડીકલ પેપર્સ અને ડીસ્ચાર્જ સમરી જોતા, રેડીયન્સ હોસ્પીટલ અમદાવાદના ડોકટરશ્રીએ આ પ્રકારની જ સર્જરી કરેલ હોવાનું દર્શાવેલ છે. પંજાબ સ્ટેટ કમિશ્નરનો ચુકાદો જે આ કામમાં રજુ કરવામાં આવેલ છે તે આ કેઇસમાં લાગુ પડે છે. અને વિમા પોલીસીની અપવાદ શરતો સમજાવવામાં આવેલ નથી તેવો બચાવ હાલના તબકકે ચાલી શકે નહીં તેમ ઠરાવી રાજકોટ જીલ્લા તકરાર નિવારણ કમિશને ઉપરોકત ફરીયાદ રદ કરેલ છે.

આ કામમાં નામદાર જીલ્લા ગ્રાહક તકરાર કમિશ્નર સમક્ષ નેશનલ ઇન્સ્યુરન્સ કાું. લી. તરફે સીનીયર એડવોકેટ શ્રી પી. આર. દેસાઇ અને સુનિલ વાઢેર એડવોકેટ તથા સંજય નાયક, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:14 pm IST)