Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

'અકિલા સર્કલે' ઇન્દ્રનીલ સહિતના ૮ થી ૧૦ લોકોના ધરણાઃ અટકાયત

આવતીકાલના ખેડૂત આંદોલન અગાઉ જ કોંગી આગેવાનો-ખેડૂતોની અટકાયત કરી લેવાઇ : ખેડૂત બીલનો વિરોધ કરતા ખેડૂતોને ધમકાવી અને ગામેગામ ધરપકડ કરી લેવામાં આવે છેઃ સંમેલન માટે પોલીસ કમિશ્નર પાસે મંજુરી માંગેલી પણ તેઓ જવાબ આપતા જ નથીઃ કોઇપણ જગ્યાએ રાખશો ધરણા ચાલુ જ રહેશેઃ ઇન્દ્રનીલ હુંકાર

 ડાયાભાઇ ગજેરા,પાલ આંબલિયા, ગિરધર વાઘેલા, ઇન્દ્રનીલ રાજગુરુ વશરામ સાગઠિયા, હેમંત વિરડા, અને અભિષેક તાળા સહિતના કિસાન આગેવાનોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ તા.૨૧, આજે બપોરે રાજકોટના અકિલા ચોક રેસકોર્ષ મેદાન પાસે કોંગ્રેસ આગેવાનો ખેડૂતોના સમર્થનમાં ધરણા ઉપર બેઠા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી  પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. જયાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજયગુરૂએ કહ્યુ હતુ કે અમને જયાં પણ લઈ જવાશે ત્યાં અમે ધરણા કરીશુ. તેમણે જણાવેલ કે સૌરાષ્ટ્રમાં ગામેગામ ખેડૂત આગેવાનોને ધમકાવવામાં આવી રહ્યા છે અને તેમના ઉપર પોલીસો ગોઠવી દેવામાં આવી છે. પોલીસ અને સરકારના આ પગલાથી ભારે રોષ ફેલાયો છે.

ઇન્દ્રનીલ રાજયગુરૂએ જણાવેલ કે મારા સહિત પાલભાઇ આંબલીયા, વશરામભાઇ સાગઠીયા, ડાયાભાઇ ગજેેરા, ગીરધરભાઇ વાઘેલા સહિતના ૮ થી ૧૦ લોકો રેસકોર્ષ સ્થિત અકિલા સર્કલે ધરણા  કરતા પોલીસે અમારી અટકાયત કરી પ્રનગર પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં જ ધરણા ચાલુ રાખ્યા છે.

તેઓએ જણાવેલ કે ભાજપ સરકારે લોકશાહીને મારી નાંખી છે મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં મોટી-મોટી સંખ્યામાં આગેવાનો-કાર્યકરોને હાજર રાખવામાં આવે છે જયારે ખેડૂતબીલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ડરાવી ધમકાવી અને પકડી લેવામાં આવે છે. ૨૨મીના સંમેલન માટે પોલીસ કમિશ્નર પાસે મંજુરી માંગવામાં આવી હતી, તેઓએ ૨૦મીના બદલે ૨૨મીના સંમેલન યોજવા જણાવેલ. હવે તેઓ જવાબ પણ આપતા નથી.

દરમિયાન ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો ને આજરોજ જિલ્લા પંચાયત ચોક માંથી પોલીસે  ડિટેઇન કરેલ હોય તે સંદર્ભે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની યાદીમાં જણાવાયું છે કે ભારત દેશ જેવા સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં લોકોનો અવાજ દબાવવા અલોકશાહી કૃત્ય સમાન  ભાજપ સરકાર દ્વારા ખેડૂત આંદોલનને અટકાવવા યેનકેન પ્રકારે પોલીસનો દુરુપયોગ કરી ખેડૂતો ને રોકવામાં આવી રહ્યા છે તેમજ પોલીસ પાસે વગર કોઈ કાગળે ખેડૂત આગેવાનો ને અને ખેડૂતોને સભામાં ન જઇ શકે તે માટે પોલીસે ધમકાવવાનું અને સાથે પોલીસ રાખી દેવાનું કામ કર્યું છે તે પણ  ઓન ધી રેકોર્ડ નહિ બલ્કે ઓફ ધી રેકોર્ડ.આ ધરણા સ્થળે બેસે તે પહેલા પોલીસને દોડાવતી આ ભાજપની સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો સખ્ત વિરોધ હોવાનું જણાવાયું છે.

 ધરણા જ્યા બેસાડશે ત્યાં ચાલુ રહેશે અને કેસ કરવામાં આવશે તો  જામીન પણ નહીં લે ભલે ગમે તેટલી વાર ખેડૂતોની લાગણીઓ દબાવવા પ્રયાસો કરે પણ અમો  આ લોકશાહી નો અવાજ દબાવવા દેશું નહિ અમારા ધરણા ચાલુ જ રહેશે તેમજ મક્કમતાથી ખેડૂત આંદોલન કરીશું.   લોકશાહી ને મરવા દેશું નહિ અને ભારતીય લોકોનો હક્ક છે તે હક્ક અપાવીને જ રહેશું તે ભલે ભાજપ સામે હોય કે સરકાર સામે...?

જયાં સુધી ખેડૂત આંદોલનની  મંજુરી નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે

તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવશે તો ત્યાં પણ ધરણા ચાલુ રાખીશું અને મુકત કરી દેવામાં આવશે તો ફરી અકિલા સર્કલ ખાતે ફરીથી ધરણા શરૂ કરી દેવાશે. જયાં સુધી ખેડૂત આંદોલનની મંજુરી નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. તેમ ખેડૂત આગેવાનોએ જણાવેલ હતુ.

(3:48 pm IST)