Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સૌરાષ્ટ્રના ૧૫૦ સહિત દેશભરમાં ૩૫ હજાર સ્ટેશન માસ્તરોની ભૂખ હડતાલ : રાજકોટ DRM કચેરી સામે દેખાવો - સૂત્રોચ્ચાર

નાઇટ ડયુટી એલાઉન્સની સીલીંગ - લાઇન સ્ટાફનો વીમો - ખાનગીકરણ સહિતના મુદ્દા અંગે લડત

રાજકોટ તા. ૨૧ : રાજકોટ રેલવેના ૨૨ અને સૌરાષ્ટ્રના ૧૫૦ સહિત દેશભરમાં આજે ૩૫ હજારથી વધુ સ્ટેશન માસ્તરો ભૂખ હડતાલ કરી રહ્યા છે અને દરેક DRM કચેરી સામે હડતાલ - દેખાવો - ઉગ્ર સૂત્રોચ્ચાર યોજયા હતા.

રેલવે સ્ટેશન માસ્તરોએ ઓકટોબરથી આંદોલન શરૂ કર્યું છે, પરંતુ મેનેજમેન્ટે કોઇ નિર્ણય નહી લેતા હવે આંદોલન ઉગ્ર બનાવ્યું છે.

ઓલ ઇન્ડિયા રેલવે સ્ટેશન માસ્તરના આદેશ બાદ આજે સૌરાષ્ટ્ર - રાજકોટના ૧૫૦ જેટલા સ્ટેશન માસ્તરોએ DRM કચેરી કોઠી કમ્પાઉન્ડ ખાતે કોરોના ગાઇડ લાઇન જાળવી ૧ દિવસની ભૂખ હડતાલ સવારે ૧૦ વાગ્યાથી શરૂ કરી છે.

રેલવે મેનેજમેન્ટે ગત ૨૦૨૦માં નાઇટ ડયુટી એલાઉન્સની યોગ્યતા માટે પગારની સીલીંગ - ૪૩૬૦૦ નક્કી કરી ૨૦૧૩થી રીકવરી કાઢતા સ્ટેશન માસ્તરોમાં પ્રચંડ રોષ ફેલાયો છે, આ પછી રીકવરી અંગે ફેર વિચારણાની ખાત્રી અપાતા આંદોલન મુલત્વી રખાયું, પરંતુ આજ સુધી કોઇ પરિપત્ર બહાર નહી પડાતા ફરી આંદોલન શરૂ કરાયું છે. સ્ટેશન માસ્તરોએ લાઇન સ્ટાફને કોરોના વોરિયર્સ ગણી ૫૦ લાખનો જીવન વીમો આપવા અને રેલવેનું ખાનગીકરણ બંધ કરવાની પણ માંગણી કરી રહ્યા છે.

(11:52 am IST)