Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

શિવરાજપુર બીચ નિર્માણથી સરહદી વિસ્તારના ૪૪ ટાપુઓની સંરક્ષણ શકિત વધશે : રાજુ ધ્રુવ

દ્વારકા વિસ્તારમાં સમૃદ્ઘિના દ્વાર ખોલવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન

રાજકોટ તા. ૨૧ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવા પ્રસંગને વધાવતા ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે રાજય પ્રવાસન નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સુવિધાઓ શિવરાજપુર બીચ ખાતે વિકસાવવામાં આવશે.

જેમાં અરાઇવલ પ્લાઝા, સાયકલ ટ્રેક, પ્રવાસી સુવિધા કેન્દ્ર, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોયલેટ બ્લોકજેવી સુવિધાઓ હશે. દ્વારકાથી ૧૧ કિલોમીટર અંતરે આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફલેગ બીચનો દરજ્જો અપાયો છે.

શિવરાજપુર બીચનો વિકાસ થતા સમગ્ર વિસ્તારમાં ન માત્ર રોજગારીનાં દ્વાર ખુલશે, પરંતુ આ સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં રોજગારી તકો સાથે રક્ષણ પણ મળી રહેશે. સૌરાષ્ટ્રના વિકાસની સાથોસાથ બેટ દ્વારકા ખાતે આવેલા દેશના પશ્ચિમી સરહદી દરિયાકાંઠાનાં ૪૪ ટાપુઓ સહિતના વિસ્તારના ટાપુઓનું સંરક્ષણ પણ થશે.

શિવરાજપુર બીચ આવનારા સમયમાં વિશ્વભરનાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. વર્ષો જૂની ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પુલની જરૂરિયાત હતી. ત્યારે આ કામ હાથ ધરવા આવતા વર્ષો જુના પ્રશ્નનું નિરાકરણ થયુ છે.

આ બીચ પર્યટન, પર્યાવરણ અને સલામતીનાં માપદંડોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ધોરણો અનુસાર વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ સ્થળ પ્રવાસન પ્રવૃત્તિથી ધમધમતુ થશે એટલું જ નહીં ટ્રાવેલ, ટેકસી, હોટલ અને ખાનપાન વ્યવસાયને પણ નવું બળ મળતા સ્થાનિક રોજગારીની વ્યાપક તકો ખુલશે. રાજયમાં સર્વગ્રાહી પ્રવાસન વિકાસથી ગુજરાત દેશ-વિદેશના ટૂરિસ્ટ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે એવું રાજુભાઈ ધ્રુવે જણાવી આ દુરંદેશી કાર્યો બદલ વિજયભાઇ રૂપાણીને અભિનંદન આપેલ છે.

(11:51 am IST)