Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

રાજકોટમાં પોલીસમેનની હત્યામાં જામીન મુકત થયેલા રૂષીરાજસિંહ સરવૈયાની ભડાકે દઇ હત્યાઃ બુકાનીધારી શખ્સ વાંસામાં ગોળી ધરબી ફરાર

મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં સવારે ઘટનાઃ પોલીસ તપાસનો ધમધમાટ : માર્ચ-૨૦૧૬માં ઋષીરાજસિંહ, શકિત ઉર્ફ પેંડો, કાળીયો, રાજો સહિતનાએ ભરતદાન ગઢવીની લોથ ઢાળી હતી

રાજકોટઃ શહેરમાં વધુ એક લોથ ઢળી છે. હુડકો ચોકડી પાસે રહેતાં અને માર્ચ-૨૦૧૬માં બી-ડિવીઝનના પોલીસમેન ભરતદાન ગઢવીની હત્યામાં સંડોવાઇ ચુકેલા તેમજ ચારેક મહિના પહેલા જ જામીન પર છૂટેલા તેમજ જે તે વખતે શકિત ઉર્ફ પેંડાના સાગ્રીત રહી ચુકેલા ઋષીરાજસિંહ અશોકસિંહ સરવૈયા (ઉ.૨૧) નામના દરબાર યુવાનની સવારે સાડા અગિયારેક આસપાસ મોરબી રોડ પરની જય જવાન જય કિસાન સોસાયટીમાં ગણેશ મેડિકલ સ્ટોર નજીક વાંસામાં ગોળી ધરબી દઇ હત્યા કરવામાં આવી છે. હત્યારો બુકાનીધારી શખ્સ ફાયરીંગ કરી બાઇક પર ભાગી ગયો હતો. બી-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચના અધિકારીઓનો કાફલો હોસ્પિટલ અને બનાવ સ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ હુડકો ચોકડી પાસે રહેણાંક ધરાવતાં ઋષીરાજસિંહ સરવૈયાની વર્ષ ૨૦૧૬માં માર્ચ મહિનામાં બી-ડિવીઝનના પોલીસમેન ભરતદાન ગઢવીની હત્યા સબબ ધરપકડ થઇ હતી. તેની સાથે એ ગુનામાં રાજપાલસિંહ ઉર્ફ રાજો , શકિત ઉર્ફ પેન્ડો, પરેશ ઉર્ફ પરીયો, મોન્ટુ કોળી, કમલેશ નાયક પણ ઋષીરાજસિંહ સાથે સામેલ હતાં. હત્યાના આ ગુનામાં ચારેક મહિના પહેલા જ ઋષીરાજસિંહ સરવૈયા જામીન પર મુકત થયો હતો.

ત્યારબાદથી તે મોરબી રોડ પર મિત્ર પ્રતાપભાઇ હમીરભાઇ રાજપૂત સાથે રહી તેના કારખાનામાં કામે વળગી ગયો હતો. હુડકો વિસ્તારમાં તેને ઘણા સાથે માથાકુટ ચાલતી હોઇ જેથી તે પોતાના ઘરે કામ સિવાય જતો જ નહિ. મોરબી રોડ પર જ રહેતો હોઇ આજે સવારે તે કારખાનેથી શેમ્પુ અને સાબુ લેવા જવા નીકળ્યો હતો. મેડિકલ સ્ટોરમાંથી સાબુ-શેમ્પુ ખરીદીને નીકળ્યો ત્યાં જ જય જવાન જય કિસાન સોસાયટીના ખુણા પાસે એક બાઇક પર બુકાનીધારી શખ્સ આવ્યો હતો અને ફાયરીંગ કરી ભાગી ગયો હતો. ધડાકો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. મિત્ર પ્રતાપભાઇ સહિતના પણ દોડી આવ્યા હતાં. ઋષીરાજસિંહને વાંસામાં ગોળી લાગી હોઇ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.

ઘટનાની જાણ થતાં એસીપી બી. બી. પરમાર, પી.આઇ. આર. એસ. ઠાકર, ક્રાઇમ બ્રાંચના એ.એસ. સોનારા, સમીરભાઇ શેખ, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, નિશાંતભાઇ, હંસરાજભાઇ, દેવેન્દ્રસિંહ સહિતનો કાફલો હોસ્પિટલ અને બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

ઋષિરાજસિંહની હત્યા કોણે અને શા માટે કરી? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.

(12:25 pm IST)