Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પેટા ચૂંટણીના પડઘમ

વોર્ડ નં. ૪માં ૪૭ મતદાન મથકોઃ વીવીપેટનો ઉપયોગ નહી થાય?

મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી શાખાએ તમામ તૈયારી પૂરી કરીઃ જાહેરનામાની રાહઃ ૭૨ હજારની વસ્તી ધરાવતા આ વોર્ડમાં ૪૩ હજાર મતદારો

રાજકોટ તા. ૨૦ : શહેરનાં સામાકાંઠે આવેલ વોર્ડ નં. ૪માં કોંગ્રેસના કોર્પોરેટર પ્રભાતભાઇ ડાંગરનું ચાલુ ટર્મે અવસાન થતાં આ વોર્ડની એક બેઠક ખાલી પડી છે. આથી નિયમ મુજબ હવે પેટા ચુંટણી કરી અને નવા કોર્પોરેટરને ચુંટવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે જે અનુસંધાને મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી શાખાએ વોર્ડ નં. ૪ની પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે. જેમાં મતદાન મથકો દિઠ ૧ મતદાન મશીન અન્ય ચૂંટણી સાહિત્ય વગેરે બાબતો નક્કી થઇ ગઇ છે. જોકે આ પેટા ચૂંટણીમાં વીવીપેટ મશીનના ઉપયોગ અંગે હજુ પ્રશ્નાર્થ છે.

 

આ અંગે સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નં. ૪માં પેટાચૂંટણી માટે મતદાન મથકોની યાદી તૈયારી કરીને કલેકટર તંત્રને સુપ્રત કરી દેવાઇ છે. આ ચૂંટણી માટે આર.ઓ.ની નિમણૂંક પણ કરી દેવાઇ છે.

આ પેટા ચુંટણી માટે વોર્ડ નં. ૪માં કુલ ૪૭ જેટલા મથકો રાખવાનું નિશ્ચિત થયું છે. આ મતદાન મથકો દીઠ ૧ ઇ.વી.એમ. તથા તેની બેટરીઓ વગેરે વ્યવસ્થાઓ કરી લેવાઇ છે.

દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ આ પેટાચુંટણીમાં વિધાનસભાની ચુંટણીમાં જે પ્રકારે ઇવીએમ સાથે વીવીપેટ (મત કોને આપ્યો તે દર્શાવતુ મશીન) રાખવા અંગે હજુ સુધી કોઇ સુચનાઓ ચુંટણી તંત્રએ આપી નથી. આથી આ પેટાચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ થવાની સંભાવના નહિવત છે. જોકે છેલ્લી ઘડીએ આ બાબતે તંત્રએ નિર્ણય લેવો પડે તો નવાઇ નહી.

એ નોંધનિય છે કે, સામાકાંઠાના આ વોર્ડમાં મોટા ભાગે પછાત વિસ્તારો આવેલા છે. વોર્ડની કુલ ૭૨ હજારની વસ્તીમાંથી ૪૩ હજાર મતદારો છે.

આમ, હવે વોર્ડ નં. ૪માં પેટાચુંટણીના પડઘમ વાગી ગયા છે. તંત્રએ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવે ફકત ચુંટણીના જાહેરનામાની રાહ જોવાઇ રહી છે. સંભવત્ આગામી ૪ થી ૫ દિવસમાં પેટાચુંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થાય તેવી શકયતાઓ દર્શાવાઇ રહી છે.(૨૧.૨૨)

વોર્ડ નં. ૪ના વિસ્તારો

શહેરના વોર્ડ નં. ૪માં મહાત્મા ગાંધી સોસાયટી, ખોડિયારપરા મેઇન રોડ, ભગવતીપરા, બોરીચા સોસાયટી, શકિત સોસાયટી, જયપ્રકાશનગર, હરીસાગર, સુખસાગર, નંદનવન, મોરબી રોડ, ખોડિયાર પાર્ક, વેલનાથપરા, સોહમનગર, જય જવાન જય કિશાન, સદ્ગુરૂ, ન્યુ શકિત, રંગીલા પાર્ક, લાલપરી નદી, જમના પાર્ક, જયગુરૂદેવ, કુવાડવા રોડ, રોહિદાસપરા, રણછોડદાસ આશ્રમ, સદ્ગુરૂનગર, લાતી પ્લોટ, ગાંધી વસાહત, બેડીપરા, સગર શેરી, ગંગેશ્વર રોડ, ભાવનગર રોડ, બેડીપરા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

કઇ જ્ઞાતિના કેટલા મતદારો?

રાજકોટ : વોર્ડ નં. ૪માં કુલ ૪૩ હજાર મતદારો છે. જેમાં જ્ઞાતિ વાઇઝ આંકડામાં એક નજર કરીએ તો લેઉઆ પટેલ ૬૮૦૫, કોળી ૪૫૫૨, મુસ્લિમ ૪૬૪૬, આહિર ૨૪૩૧, દલિત ૫૫૧૨, ક્ષત્રિય-૬૪૪, રજપૂત-૮૦૨, ભરવાડ-૧૫૧૪ તથા બ્રાહ્મણ પ્રજાપતિ, જૈન, લોહાણા, અન્ય ૮ હજાર મતદારો છે.

(4:28 pm IST)