Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

કવિ ભુદરજી જોશીની અણમોલ રચનાઓથી રસતરબોળ ગ્રંથ 'ભૂદર ભણંત'નું સોમવારે પોરબંદરમાં વિમોચન

'સરવાણી સાચી હોય તો દુકાળે ડુકે નહિ, પણ જેના પેટાળ પાપી હોય એની ભુખ ન ભાંગે ભુદરા': રાષ્ટ્રભકત અને ક્રાંતિકારી કવિની અદ્દભુત ચયન કરેલ રચનાઓનો સમાવેશ : પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે થશે લોકાર્પણઃ ભીખુદાનભાઇ ગઢવી, વિષ્ણુપ્રસાદ દવે, વિમલ મહેતા, જયમંત દવે સહીતના કલાકારો સ્વર આપી રચનાઓને જીવંત બનાવશે

રાજકોટ તા. ૨૦ : અનેક દુહા અને છંદના અંતમાં ભુદરા શબ્દ સૌના કાને પડયો હશે. પરંતુ આ ભુદર એટલે કોણ? એવો સવાલ ઉઠાવીને આઝાદી પહેલાના અણમોલ કવિશ્રી ભુદરજી જોશીની રચનાઓનો ખજાનો શોધી કાઢવાનું મહામુલુ કાર્ય જાણીતા હસ્ય કલાકાર અને સાહિત્ય જીવ સાંઇરામ દવે, તેજસભાઇ પટેલ, રામભાઇ બારોટ અને ડો. અવની વ્યાસ સહિતનાઓની બનેલ ટીમે આરંભ્યુ અને તેના નીચોડરૂપે સુંદર ગ્રંથ 'ભૂદર ભણંત' સાહિત્યરસીકોને આપવા સરસ પ્રયાસ કર્યો છે.

આ અંગેની વિગતો 'અકિલા'ના આંગણે વર્ણવતા તેઓએ જણાવેલ કે ભુદરાના ઉપનામથી અનેક દુહાઓ ડાયરામાં ગુંજે છે. ઉદાહરણ જોઇએ તો 'પ્રેમના પ્રાગવડ હેંઠ, કૈક પ્રિતાળુ પોઢી ગયા, રાંકા રોતા રિયા ભુંડા મોઢે ભુધરા' ખુબ જાણીતો દુહો છે. પરંતું આના રચયીતાથી સૌ અજાણ હોય છે. આ દુહાના છેલ્લા શબ્દોમાં જે ભુદરા શબ્દ આવે છે એ ભુદરજી એટલે આપણા આઝાદી પહેલાના મહાન કવિ શ્રી ભુદરજી જોશી!

આ ભુદરજી લાલજી જોશી (ગામ રાણા કંડોરણા જિ. પોરબંદર) ઇ.સ.૧૮૮૪ થી ૧૯૬૬ સુધી સાહિત્યનું અપાર ખેડાણ કરતા આવ્યા. ભુદરજીએ માત્ર ગાંધીજીના જીવન અને કવન ઉપર લગભગ ૧૧૦૦ જેટલા દુહાઓ અને ૪૫૦ જેટલા ગીતો રચ્યા છે. આઝાદી પહેલાની એક એક ઘટનાઓને દુર્ઘટનાઓને શબ્દ દેહ આપવા તેમણે અદ્દભુત પ્રયાસ કર્યો છે. અનેક લોકગીતો, ભજનો, શ્રુતગીતો, દુહા છંદ તેમણે આપ્યા.

વર્ષો બાદ તેમના સાહિત્ય ખજાનાને ફંફોળવાનું શરૂ થયુ અને સ્વ. તખતદાદાન અલગારીએ આંગળી ચીંધી અને રમેશભાઇ ઓઝાના પ્રેમાગ્રહથી ભુદરજી જોશીની જર્જરીત હસ્તપ્રતો મેળવવા પ્રયાસો આદરવામાં આવ્યા. છએક માસની મહેનતના અંતે એક દળદાર ગ્રંથરૂપ પુસ્તક 'ભૂદર ભણંત' તૈયાર થયુ.

પ્રવિણ પ્રકાશન દ્વારા પ્રકાશિત આ ગ્રંથનો લોકાર્પણ સમારોહ આગામી તા. ૨૨ ના સોમવારે બપોરે ૩ વાગ્યાથી સાંદીપની સભાગૃહ, પોરબંદર ખાતે યોજાયો છે.પૂ. ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે આ ગ્રંથનું વિમોચન કરાશે. આ અવસરે ભુદરજી જોશીની કાવ્યધારા, દુહા, છંદ, ભજનો અને જીવન કવનને સ્વર આપી પ્રસિધ્ધ કલાકારો સર્વશ્રી ભીખુદાનભાઇ ગઢવી, સાંઇરામ દવે, વિષ્ણુપ્રસાદ દવે, વિમલ મહેતા, રામભાઇ બારોટ, તેજસ પટેલ, જયમંત દવે, અવની વ્યાસ જીવંત બનાવશે. કાર્યક્રમનું લાઇવ ટેલીકાસ્ટ સાંદીપની ટીવી પરથી થશે.

'સરવાણી સાચી હોય તો દુકાળે ડુકે નહિ, પણ જેના પેટાળ પાપી હોય એની ભુખ ન ભાંગે ભુદરા' જેવી રચનાઓ આપનાર આ રાષ્ટ્રભકત અને ક્રાંતિકારી દરજજાના કવિની રચનાઓના ગ્રંથ વિમોચન સમારોહમાં સર્વે શબ્દ પ્રેમી અને સાહિત્યરસીકોએ પધારવા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા સાંઇરામ દવે, ડો. અવની વ્યાસ, તેજસભાઇ પટેલ, રામભાઇ બારોટ નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૫)

(4:23 pm IST)