Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

આવતા અઠવાડીયે ઝાકળવર્ષા - ઠંડીમાં વધ-ઘટ જોવા મળશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતમાં મંગળવારે વરસાદ પડશેઃ તા.૨૨-૨૩ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝાકળ પડશે : તા.૨૪-૨૫ તાપમાન નીચુ જશે : તા.૨૬-૨૭ ફરી ઝાકળની સંભાવના, વાદળો પણ છવાશે : દિવસનું તાપમાન પણ ઘટશે, ફરી ઠંડીનો અહેસાસ થશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૦ : હાલ ગરમીમાં ઘટાડો થયો છે. જયારે આગામી સપ્તાહમાં ઠંડીમાં વધારો - ઘટાડો તેમજ ઝાકળવર્ષા પણ થશે. જયારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતમાં વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે ગત સપ્તાહે આપેલી આગાહી મુજબ અઠવાડીયાના શરૂઆતના દિવસોમાં તાપમાન નોર્મલથી ઘણુ ઉંચુ જોવા મળ્યુ હતું. જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસમાં ન્યુનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળેલ. તાપમાન નોર્મલ કે તેનાથી નીચું નોંધાયેલ અને ફરી ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. આંકડાઓ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં આજે લઘુતમ તાપમાન ૧૧.૮ (નોર્મલ), રાજકોટ - ૧૩.૨ (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), જયારે વિવિધ ૧૧-૧૨ ડિગ્રીવાળા સેન્ટરોમાં ગાંધીનગર-૧૧, મહુવા-૧૨ અને ભુજ ૧૨.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયેલ.

અશોકભાઈએ તા.૨૦થી ૨૭ની આગાહી કરતાં જણાવ્યુ કે હાલ તાપમાન નોર્મલ નજીક રહેશે. તા.૨૨-૨૩ (સોમ-મંગળ) દરમિયાન પશ્ચિમી પવનોના લીધે પહેલા કચ્છ અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ઝાકળની શકયતા છે.

તા.૨૩મીના મંગળવારે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં વરસાદ પડશે. તા.૨૪-૨૫ (બુધ-ગુરૂ)ના સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં તાપમાન નોર્મલથી એકાદ-બે ડિગ્રી ફરી નીચુ જશે.

તા.૨૬-૨૭ (શુક્ર-શનિ)ના પશ્ચિમી પવનના લીધે ઝાકળની સંભાવના છે. તેમજ તા.૨૫ થી ૨૭ દરમિયાન વાદળો પણ છવાશે. આમ, આ અઠવાડીયા દરમિયાન તાપમાનમાં વધારો - ઘટાડો જોવા મળશે. દિવસના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળે. ઠંડીના ચમકારા અનુભવાશે.(૩૭.૧૬)

(4:15 pm IST)