Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

બેંક ઓફ ઇન્ડિયામાં રેકી બાદ પાંચ લાખની ચોરી થયાની શંકાઃ ચારેય હિન્દીભાષી હતાં

આસી. જનરલ મેનેજર અજય પાત્રાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો : .બેંકમાં સિકયુરીટી પણ ન હોઇ ગઠીયાઓનું કામ ખુબ સરળ થઇ ગયું . જામનગરમાં પણ આવી જ ઘટના બની હતી : ચારમાંથી બે જણા કેશીયર દર્શન રાઠોડની કેબીન બહાર આવેલી બીજી કેબીનના ઓફિસર સાથે વાત કરવા ઉભા રહ્યાઃ ત્રીજાએ દર્શન રાઠોડની કેબીનના પટ્ટાવાળાને બોલાવી વાતોએ વળગાડ્યો અને ચોથો કેબીનમાંથી બંડલ ચોરી થેલીમાં નાંખી આરામથી નીકળી ગયો

રાજકોટ તા. ૨૦: કાલાવડ રોડ પર કેકેવી હોલ પાસે આવેલી બેંક ઓફ ઇન્ડિયામાંથી પરમ દિવસે રૂ. ૫ લાખ ગાયબ થઇ ગયાની ઘટનામાં ચાર ચોર આ રકમ છેક કેશિયરની કેબીનમાંથી ચોરી ગયાનું સીસીટીવી ફૂટેજને આધારે સ્પષ્ટ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચોરીમાં જાણભેદુ સામેલ છે કે પછી રીઢા ગુનેગારો રેકી કરીને કામ ઉતારી ગયા? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ચારેય ચોરટા હિન્દીભાષી હોવાનું પણ જાણવા મળ્યું છે. થોડા દિવસો પહેલા જામનગરમાં પણ આવી જ ઘટના બની હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

બનાવ અંગે પોલીસે રેસકોર્ષ રીંગ રોડ પર લાઇફ બિલ્ડીંગ પાસે બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ કવાટર્સમાં રહેતાં મુળ ઉડીશાના ભનેશ્વર જીલ્લાના બરબાર જાગમરાના વતની અને કાલાવડ રોડ બેંક ઓફ ઇન્ડિયામાં આસી. જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં અજયકુમાર રઘુનાથ પાત્રા (ઉ.૬૦)ની ફરિયાદ પરથી ચાર અજાણ્યા શખ્સો તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૮૦, ૧૧૪ મુજબ ચોરીનો ગુનો નોંધ્યો છે. 

અજયકુમારે એફઆઇઆરમાં જણાવ્યું છે કે ૧૮/૧ના બપોરે બારેક વાગ્યે અમારી બેંકના કેશિયર દર્શન શાંતિલાલ રાઠોડ આવ્યા હતાં અને મને પાંચ લાખની કેશ ઓછી છે તેમ મને જણાવ્યું હતું. આથી મેં તેની તથા તેની સાથેના સ્ટાફના અન્ય માણસો અને ડિપોઝીટ તથા સર્વિસીસના મેનેજર પંકજભાઇ નરોડીયાને બોલાવ્યા હતાં. દર્શનભાઇ પાસે માત્ર ગ્રાહકોના પૈસા જતાં હોઇ જેથી તેમની રિસિપ્ટો ચેક કરી હતી. તેની ગણતરી કરતાં તેમાં પણ પાંચ લાખની રોકડ ઓછી આવી હતી. બેંકના તમામ કર્મચારીઓની પુછતાછ કરી હતી.

બાદમાં બેંકના સીસીટીવી કેમેરા હોઇ તે ચેક કરતાં એવું જોવા મળ્યું હતું કે સવારે ૧૧:૦૫ કલાકે દર્શનભાઇ  પટાવાળા ધવલભાઇ લકુમ સાથે બહાર જાય છે ત્યારે તેમની કેબીનનો દરવાજો ખુલ્લો હોય છે તેની આગળ જીતેન્દ્ર સિહાંગ ઓફિસરનું ટેબલ છે ત્યાં એક અજાણ્યો શખ્સ આવે છે અને બાદમાં તેની પાછળ બીજો શખ્સ આવે છે. જે દર્શનભાઇની કેબીનના દરવાજા પાસે જતો જોવા મળશે છે. ત્યાં ત્રીજો શખ્સ આવી જીતેન્દ્ર સિહાંગના ટેબલ પાસે આવી ઉભો રહે છે. આમાંથી બે જીતેન્દ્ર સિહાંગના ટેબલ આગળ ઉભા રહે છે અને ચોથો આગળ ઉભેલો દેખાય છે. બાદમાં એક શખ્સ દર્શનભાઇની કેબીનના દરવાજા પાસે જેની નોકરી હતી તે લક્ષમણભાઇ આણંદભાઇ વાળાને બોલાવે છે. લક્ષમણભાઇ એ શખ્સ પાસે જાય છે ત્યાં અજાણ્યો શખ્સ કેશીયર દર્શનભાઇની કેબીન તરફ ગયો હતો તે થેલીમાં કંઇક સંતાડતો બહાર નીકળી જાય છે. ત્યાર પછી જીતેન્દ્ર સિહાંગના ટેબલ પાસે ઉભેલા બે શખ્સ અને લક્ષમણભાઇને બોલાવેલ એ શખ્સ પણ થેલીવાળા શખ્સની પાછળ નીકળી જાય છે.

ઉપરોકત દ્રશ્યો સીસીટીવી કેમેરામાં દેખાયા હોઇ ચાર શખ્સો ગાયબ થયેલા પાંચ લાખ ચોરી ગયાનું સ્પષ્ટ થયું હતું. ચોરી થઇ એ તમામ ૫૦૦ના દરની નોટો હતી. એસીપી હર્ષદ મહેતાની રાહબરીમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ બી. જે. કડછા, યોગેન્દ્રસિંહ જાડેજા, ભલભદ્રસિંહ, રવિરાજસિંહ જાડેજા, હરેશભાઇ, ગિરીરાજસિંહ, અમીનભાઇ, લક્ષમણભાઇ શૈલેષભાઇ સહિતની ટીમે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે. જો કે ફૂટેજમાં ચોરટાઓના ચહેરા ચોખ્ખા દેખાતા નથી. બેકઅપ વધુ દિવસો સુધી રહે તે માટે કેમેરાની સિસ્ટમમાં ફેરફાર કરાયો હોઇ જેથી ચહેરા બ્લર થયેલા દેખાય છે. ચોરીનું વ્યવસ્થિત પ્લાનીંગ કરીને ચારેય ગઠીયા હાથફેરો કરી ગયાનું જણાય છે. આ કેસમાં બેંકની પણ ઘોર બેદરકારી સામે આવી છે. છેક કેશીયરની કેબીનમાં ઘુસીને ચોર ચોરી કરી જાય એ બાબતે સોૈને ચોંકાવી દીધા છે.

(12:38 pm IST)