Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

એટીએમમાં વૃધ્ધ અને વિકલાંગોને છેતરી કાર્ડ બદલી રોકડ ઉપાડી લેતો યુપીનો ગઠીયો દબોચાયોઃ ચાર ગુના કબુલ્યા

એ-ડિવીઝન પોલીસે વર્ણનને આધારે ગઠીયાને શોધી કાઢ્યોઃ આકરી પુછતાછઃ આ મશીનમાં પૈસા નથી, આમાં પ્રોસીઝર ધીમ છે...લાવો હું પૈસા કાઢી આપું...તેમ કહી વિશ્વાસમાં લઇ એટીએમ કાર્ડ અને પીન નંબર મેળવી નાણા ઉપાડી લેતો

રાજકોટ તા. ૨૦: એટીએમમાં મોટે ભાગે વૃધ્ધો, વિકલાંગ અને વૃધ્ધ મહિલાઓને પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને તેમની પાસેથી એટીએમ કાર્ડ અને પીન નંબર મેળવી નાણા ઉપાડી ગઠીયાગીરી કરતાં મુળ યુ.પી.ના અને હાલ મોરબી રોડ પર રહેતાં શખ્સને દબોચી લેવામાં એ-ડિવીઝન પોલીસને સફળતા મળી છે. હાલ રૂ. ૧,૫૧,૦૦૦ની ઠગાઇના ચાર ગુના દાખલ થયા છે. પુછતાછમાં વધુ ભેદ ખુલવાની શકયતા છે.

ગોંડલ રોડ સત્ય વિજય આઇસ્ક્રીમ પાસે એસબીઆઇના એટીએમમાં બે વખત તથા સિવિલ હોસ્પિટલ સામેના એસબીઆઇના એટીએમમાં તેમજ જવાહર રોડ પ્લેટિનીયમ હોટેલ પાસેના એસબીઆઇના એટીએમમાંથી છેલ્લા ચાર મહિનામાં એક ગઠીયાએ ઠગાઇથી નાણા ઉપાડી લીધાના બનાવ બન્યા હોઇ એ-ડિવીઝનના પી.આઇ. વી.એન. યાદવે ગઠીયાને શોધી કાઢવા સુચના આપતાં તેમની રાહબરીમાં પી.એસ.આઇ. જે. એમ. ભટ્ટ, એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, રામગરભાઇ ગોસાઇ, રણજીતસિંહ, ભરતસિંહ, સંજયસિંહ, કરણભાઇ, વિજયસિંહ, નરેશભાઇ, ઇન્દુભા, ભાવેશભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી પરથી ગઠીયો સકંજામાં આવી ગયો હતો. મુળ યુ.પી.ના અને હાલ રાજકોટ રહી લાદી ઘસવાનું કામ કરતાં આ શખ્સે ચાર ગુના કબુલતાં એફઆઇઆર નોંધાઇ છે.

પોલીસે ભકિતનગર સોસાયટી-૯માં મેઘાણી રંગભવન પાછળ રહેતાં પલ્લવીબેન ચંદુલાલક શુકલ (બ્રાહ્મણ) (ઉ.૬૩)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. પલ્લવીબેન ૭/૧૨ના રોજ ગોંડલ રોડ સત્યવિજય આઇસ્ક્રીમ પાસે એસબીઆઇના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે ત્રણ મશીન હોઇ વચ્ચેના મશીનમાં એટીએમ કાર્ડ પ્રોસેસ કરતાં જ એક શખ્સે આવી આ મશીનમાં પૈસા નથી ઉપડતાં લાવો બીજામાંથી કાઢી આપુ તેમ કહી કેટલા રૂપિયા ઉપાડવા છ? તેમે પુછતાં પલ્લવીબેને ૧૮ હજાર કહ્યું હતું. તેઓ બીજા એટીએમ તરફ વળ્યા ત્યારે ગઠીયાએ  વચ્ચેના એટીએમમાં કે જ્યાં પલ્લવીબેને પૈસા ઉપાડવા પ્રોસેસ કરી હતી પણ રકમ લખી નહોતી તેમાં રકમ લખી રૂ. ૧૮ હજાર ઉપાડી જતો રહ્યો હતો. બાદમાં પલ્લવીબેને ચાર હજાર ઉપાડતાં તેમને કુલ ૨૨ હજાર ઉપડ્યાનો મેસેજ આવતાં ઠગાઇની ખબર પડી હતી.

બીજી ફરિયાદ થોરાળા ન્યુ સર્વોદયમાં રહેતાં શેઠ હાઇસ્કૂલના નિવૃત હેડ કલાર્ક ૬૧ વર્ષના પ્રેમજીભાઇ પાંચાભાઇ ડાભીએ નોંધાવી છે. ૧/૮ના રોજ સત્ય વિજય આઈસ્ક્રીમ પાસેના એટીએમમાં જ તેને ગઠીયો ભેટ્યો હતો. પ્રેમજીભાઇએ પૈસા ઉપાડવાની પ્રોસેસ કરી ત્યારે અજાણ્યા શખ્સે આમાં પૈસા ખલાસ થઇ ગયા છે, નહિ નીકળે તેમ કહી બીજા મશીનમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ અને પીન નંબર મેળવી રૂ. ૨૩ હજાર ઉપાડી લીધા હતાં.

ત્રીજા બનાવમાં મનહર પ્લોટ-૨માં રહેતાં વિકલાંગ હીરાઘસુ દામજીભાઇ ઠાકરશીભાઇ શીંગાળા (ઉ.૪૮) ૬/૧૧ના રોજ જવાહર રોડ પ્લેટિનીયમ હોટેલ પાસેના એસબીઆઇના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે વિકલાંગ હોવાને કારણે એટીએમ સ્ક્રીન સુધી પહોંચી ન શકતાં ગઠીયાએ મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ મેળવી પીન નંબર મેળવી રૂ.૩૦ હજાર મઉપાડી લીધા હતાં. આ ઠગાઇમાં પોતે એટીએમમાં કાર્ડ નાંખતો હોય તેવો ડહોળ કર્યો હતો અને બાદમાં પૈસા ખાલી થઇ ગયા છે તેમ કહી એટીએમ પાછુ આપી દીધુ હતું.

ચોથા બનાવમાં કુવાડવા રોડ મારૂતિનગર વલ્લભનગર-૨માં રહેતાં જયસુખભાઇ જેરામભાઇ વાંજા (ઉ.૫૮)ને ૨૧/૧૧ના રોજ સિવિલ હોસ્પિટલ પાસેના એસબીઆઇમાં  ગયા ત્યારે લાઇન હોઇ ગઠીયો પાછળ જ ઉભો રહી ગયો હતો. જયસુખભાઇએ ત્રણેક વખત પ્રયાસ કરવા છતાં પૈસા ન નીકળતાં ગઠીયાએ લાવો હું શીખડાવું કહી કાર્ડ મેળવી પીન નંબર જાણી લઇ રૂ. ૪૦ હજાર ઉપાડી લીધા હતાં. અહિ તે જયસુખભાઇને બીજુ એટીએમ કાર્ડ આપી નીકળી ગયો હતો. મેસેજ આવતાં ચાલીસ હજાર ઉપડી ગયાની જયસુખભાઇને ખબર પડી હતી. આમ હાલ પોલીસે ૧ લાખ ૫૧ હજારની ઠગાઇના ચાર ગુના નોંધ્યો છે. વધુ ગુનાના ભેદ ખુલવાની શકયતા છે.

(11:31 am IST)