Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

૯૮ વર્ષના દૂધીબેન રામાણીએ કોરોનાને કારમી હાર આપી

વીસ વર્ષથી અસ્થમાની બિમારી...મક્કમ મનોબળ કામ કરી ગયું

રાજકોટ : કોરોના મહામારીને નાથવા સમગ્ર રાજકોટ જિલ્લામાં અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જયાં ડોકટરથી લઈને પેરામેડીકલ સ્ટાફ દ્વારા ગંભીર રોગ ધરાવતા દર્દીઓને કોરોના મુકત બનાવવા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ૨૦ વર્ષથી અસ્થમાની બીમારી ધરાવતા રામાણી પરિવારના મોભી ૯૮ વર્ષીય દૂધીબેન રામાણી એ મક્કમ મનોબળે કોરોનાને મ્હાત આપી છે.

અસ્થમાના દર્દી માટે કોરોના વાયરસ ખૂબ જ જોખમી છે કારણકે કોરોના વાયરસ શ્વસન તંત્રને નુકસાન પહોંચાડે છે અને અસ્થમાનો રોગ શ્વસન તંત્ર સાથે જોડાયેલો છે. અસ્થમાના દર્દીઓએ કોરોના વાયરસના ચેપથી ખાસ બચવું જરૂરી છે. આવા જ ગંભીર રોગથી પીડાતા જસદણના વતની જૈફ વયના દૂધીબેનને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, પરિવારજનોને લાગ્યું કે આ અસ્થમાની બીમારીને કારણે થાય છે તેથી દૂધીબા તેમના પૌત્ર જીગ્નેશભાઈ સાથે ફેમેલી ડોકટર પાસે નિદાન અર્થે ગયા ત્યાં કોરોનાના લક્ષણો સામે આવતા ડોકટર દ્વારા ટેસ્ટ કરવાનું સૂચન આપવામાં આવ્યું, તેથી તેમના વિસ્તારમાં કાર્યરત ધન્વંતરિ રથમાં ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો,  તેઓ જસદણ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયા.

જસદણ કોવિડ કેર સેન્ટરની સારવારના અનુભવને વર્ણવતા દૂધીબેન જણાવે છે કે,'શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે. મને ખબર નથી કે મને કોરોના કઈ રીતે થયો પણ મેં મનથી નક્કી કરી લીધું હતું કે મારે કોરોનામુકત બનવું જ છે. ભલે મને અસ્થમા હોય.., હોસ્પિટલમાં મને ૭ દિવસ સુધી ઓકિસજન પર રાખવામાં આવી હતી.

એ વખતે ડોકટરો ખાસ મારી મોટી ઉંમર અને મારી અસ્થમાની બીમારી બન્નેને ધ્યાને લઈને મારી વિશેષ કાળજી રાખતા હતા. સારવારના આ દિવસો દરમિયાન હું હોસ્પિટલમાં બેઠા બેઠા ભજન કર્યા કરતી હતી. ડોકટરોની મહેનત અને સારવારથી જ હું કોરોનાને મ્હાત આપી સંપૂર્ણ સ્વસ્થ થઈ છું.'

(2:59 pm IST)