Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નીટની પરીક્ષામાં ડો.ચિરાગ અને ડો.આશા માત્રાવડીયાના પુત્ર માનિત ઓલ ઈન્ડિયા ટોપ રેન્કમાં ૧૦માં અને ગુજરાતભરમાં પ્રથમ

રાજકોટઃ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાયેલી દેશની સૌથી મોટી તેમજ એકમાત્ર મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટ-૨૦૨૦નું પરિણામ જાહેર થયેલ છે. જેમાં એલન કેરીયર ઈન્સ્ટીટયુટે સફળતાના નવા શિખરો સ્થાપિત કર્યા છે. ગુજરાતમાં નીટના પરિણામોના ઈતિહાસમાં પ્રથમવાર એલન રાજકોટના કલાસરૂમ વિદ્યાર્થી માનીત માત્રાવડિયાએ ૭૨૦ માંથી ૭૧૦ માર્કસ મેળવી ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાનું કિર્તીમાન સ્થાપીત કર્યુ છે.

એલન રાજકોટના સેન્ટર હેડ રજનીશ શ્રીવાસ્તવે જણાવ્યું કે નીટમાં એલન રાજકોટના વિદ્યાર્થીઓએ ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. સંસ્થાના વિદ્યાર્થીઓ માનીત માત્રાવડિયાએ ઓલ ઈન્ડિયા ૧૦મો રેન્ક તેમજ અનન્યા પંડિતે ઓલ ઈન્ડિયા ૬૩૬મો રેન્ક પ્રાપ્ત કરેલ છે. સંસ્થાના ૬ વિદ્યાર્થીઓએ ૬૦૦થી વધારે માર્કસ પ્રાપ્ત કરેલ છે.

એલન રાજકોટના જ અન્ય વિદ્યાર્થી મંત્ર ત્રાંબડિયાએ આ પહેલા જેઈઈ (એડવાન્સ)માં ૨૦૨૦માં ઓલ ઈન્ડિયા ૧૩૦મો રેન્ક પ્રાપ્ત કરેલ છે, જયારે યતીન્દ્ર ઈન્દોરિયાએ ઓલ ઈન્ડિયા ૪૨૯મો રેન્ક પ્રાપ્ત કરેલ છે. એ જ રીતે એલન રાજકોટના ત્રણ વિદ્યાર્થીઓએ ટોપ ૨૦૦૦માં રેન્ક પ્રાપ્ત કરેલ છે. જેમાં દક્ષ કોચરે ઓલ ઈન્ડિયા ૧૯૦૩મો રેન્ક પ્રાપ્ત કરેલ છે. જયારે ટોપ ૫૦૦૦માં એલન રાજકોટના કુલ ૭ વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન બનાવ્યું છે.

એલનના સ્થાપક રાજેશ માહેશ્વરીએ જણાવ્યું કે શોએબ આફતાબે ૭૨૦માંથી ૭૨૦ એટલે કે ૧૦૦ ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે. બે વર્ષથી કોટા (રાજસ્થાન) રહી અભ્યાસ કરનાર શોએબ પોતાની સફળતા માટે એટલો ઝનુની હતો કે તે ઓરિસ્સાના રાઉરકેલાથી કોટા આવ્યા બાદ અઢી વર્ષ સુધી ઘરે પરત ગયો જ ન હતો. શોએબના AIR (ઓલ ઈન્ડિયા રેન્ક) ૧ સાથે એલનના જ કલાસરૂમ વિદ્યાર્થી માનીત માત્રાવડિયાએ AIR 10 મેળવેલ છે. માનીતને તેમના પિતા- ડો.ચિરાગ માત્રાવડિયાએ અને માતા- ડો.આશા માત્રાવડિયાએ શુભેચ્છા પાઠવી હતી.

(2:51 pm IST)