Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ચાર લાખની લાંચના કેસમાં પકડાયેલ જી.એસ.ટી. અધિકારીઓની જામીન અરજીને સેસન્સ કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૨૦ : રાજકોટના  સેશન્સ જજ શ્રી યુ.ટી. દેસાઈએ જીએસટીના મુખ્ય અધિકારી વિક્રમ દેવરથીભાઈ કનારા તથા જીએસટીના નિરીક્ષક શ્રી અજય મહેતાની રૂ.૪–લાખની લાંચની માંગણી અને સ્વીકૃતિ બદલ રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે. આ લાંચ પ્રકરણમાં અધિકારીઓને ફરીયાદી સાથે સોદાબાજી કરવામાં મદદગારી કરનાર નિવૃત જીએસટી અધિકારી મનસુખભાઈ બચુભાઈ હિરપરાની પણ રેગ્યુલર જામીન અરજી રદ કરવામાં આવેલ છે. 

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટમાં સ્ક્રેપનો ધંધો કરતા ફરીયાદીએ પોતાનો માલ જીએસટીના કાયદા હેઠળ ઈ–વે બીલ બનાવી વેચાણ અર્થે મોકલેલ હતો. બનાવના દિવસે સવારના ૭–૦૦ કલાકે જીએસટીના મુખ્ય અધિકારી તરીકે વિક્રમ દેવરથીભાઈ કનારાએ બે ટ્રકોમાં લઈ જવામાં આવી રહેલ આ માલને ચેક કરવા માટે ટ્રકોને ઉભા રાખી ઈ–વે બીલ માંગેલ. આ બંને ટ્રકોના ઈ–વે બીલ બનાવટી છે તેમ કહી બંને ટ્રકો જપ્ત કરવાની કાર્યવાહી કરી રૂ.૧પ–લાખ ની પેનલ્ટી લગાવવાની ધમકી આપેલ. આમ થતા ટ્રકોના ડ્રાઈવરોએ ફરીયાદીને ફોન કરી આ અંગે જણાવતા ફરીયાદીએ કોઈપણ ઈ–વે બીલ બનાવટી ન હોવાનુ જણાવેલ. પરંતુ શ્રી કનારાએ આ બીલો બનાવટી હોવાનુ જણાવી રૂ.૮–લાખની લાંચની માંગણી કરેલ આટલી મોટી રકમની લાંચ આપવા માટે ફરીયાદી તૈયાર ન થતા ફરીયાદીના ભાગીદારે પોતાના ફુવા તરીકે જીએસટીમાંથી નિવૃત થયેલ અધિકારી મનસુખભાઈ હિરપરાને મઘ્યસ્થી કરાવી રૂ.૪–લાખની લાંચ નકકી કરાવેલ.

બનાવના દિવસે જ પ્રથમ હપ્તાના રૂ.પ૦,૦૦૦ મનસુખભાઈ હિરપરા મારફત ચુકવી આપવામાં આવેલ અને બાકીની રૂ.૩,પ૦,૦૦૦ તા.૧૦/૦૯/ર૦ર૧ ના રોજ આપવાનુ નકકી થયેલ. લાંચનો પ્રથમ હપ્તો ચુકવ્યા બાદ ફરીયાદીએ એ.સી.બી. કચેરીમાં તા.૦૯/૦૯/ર૦ર૧ ના રોજ ફરીયાદ નોંધાવી લાંચનુ છટકુ ગોઠવેલ. આ છટકામાં જીએસટીના બંને અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ ગયેલ. 

ત્રણેય આરોપીઓની જામીન અરજીની સુનવણી વખતે શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, આરોપીઓ દ્વારા મેળવવામાં આવેલ રૂ.૩.પ લાખનીરકમ લાંચની હોવા ઉપરાંત બ્લેક મેઈલીંગ અને ખંડણીની રકમ છે. ફરીયાદી તરફે જયારે ઈ–વે બીલો બોગસ / બનાવટી ન હોવાનુ જણાવવામાં આવતુ હોય તેમ છતા ફરીયાદીને ઈ–વે બીલો બનાવટી હોવાનુ ખોટી રીતે જણાવવામાં આવે ત્યારે માંગવામાં આવેલ રકમ લાંચની હોવા કરતા બ્લેકમેઈલીંગ અને ખંડણીની હોવાનુ કાયદાકીય અનુમાન છે.

આ ઉપરાંત સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ કે, લાંચ રૂશ્વત વિરોધી કાયદાની કલમ – ૧૩ મુજબ રૂ. ૪–લાખની માંગણી 'કરપ્ટ પ્રેકટીસ' હોવા ઉપરાંત 'ગેરકાયદેસર સમૃઘ્ધિકરણ'ની પરીભાષાઓમાં સમાવિષ્ટ થાય છે જે અંગે ૧૦– વર્ષની કેદની સજાની જોગવાઈ છે. આરોપીઓનો કોઈ ગુનાહિત ભુતકાળ ન હોવાની રજુઆતનો જવાબ આપતા સરકાર તરફે જણાવવામાં આવેલ કે, જે અધિકારી રૂ.૪–લાખની લાંચની રકમની માંગણી કરી શકતા હોય તેનો ભુતકાળ ગુનાહિત ન હોવાનુ માની શકાય નહી. આવા અધિકારી પોતાની કારર્કિદી દરમ્યાન લાંચ લેતા પ્રથમ વખત ઝડપાયેલ છે તે સ્પષ્ટ હકિકત છે. આથી, આરોપીનો ભુતકાળ સ્પષ્ટપણે ગુનાહિત હોવાનો કાયદાકીય અનુમાન થાય છે. આ તમામ રજુઆતોના અંતે સેશન્સ જજ સાહેબે ત્રણેય આરોપીઓની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરેલ છે.    શ્રી સરકાર તરફે આ કેસમાં જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ છે.

(3:20 pm IST)