Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

શ્રી પંચનાથ હોસ્પિટલમાં એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપી માટેના ઉપકરણો વસાવવામાં આવ્યા

સ્વ.શાદરાબેન જયંતિલાલ શાહના સ્મરણાર્થે ૪૦ લાખના મશીનનું અનુદાન : રાજકોટ- સૌરાષ્ટ્રના દર્દીઓ માટે ૫૦% જેટલી રાહત દરે એન્ડોસ્કોપી કોલોનોસ્કોપી અને સીગ્માડોસ્કોપી કરાશેઃ નિષ્ણાંત તબીબો ડો.મુકુંદ વિરપરીયા અને ડો.ગજેન્દ્ર ઓડેદરા સેવા આપશે

હોસ્પિટલને સ્વ. શ્રી શારદાબેન જયંતીલાલ શાહના સ્મરણાર્થે એન્ડોસ્કોપી મશીન અર્પણ કરતા શ્રી મહેંદ્રભાઈ તથા જયેશભાઈ શાહ પરિવાર, શ્રી રાજીવભાઈ શાહ તેમજ આ પ્રસંગે શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડ, માનદ મંત્રીશ્રી મયુરભાઈ શાહ, ટ્રસ્ટીશ્રીઓ વસંતભાઈ જસાણી, નિતિનભાઈ મણિયાર, મનુભાઈ ગોહેલ, જૈમિનભાઈ જોષી, સંદિપભાઈ ડોડિયા વગેરે હાજર રહ્યા હતા.

રાજકોટઃ જેના પાયામાં માત્ર ને માત્ર દરિદ્રનારાયણની સેવા કરવાના બીજ રોપાયા છે તે શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને તમામ રોગોનુ  સચોટ નિદાન અને તેની સારવાર એક જ સ્થળેથી મળી શકે તે ઉદ્દેશથી જરૂરી એવા તમામ પ્રકારના નવા આધુનિક ઉપકરણો  વસાવવા માટે ઉદારદીલ દાતાશ્રીઓ નો સતત સહયોગ મળતો રહે છે.

તાજેતરમાં જ હોસ્પિટલના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ અને વોલીબોલ રમતના પ્રેમી તેમના સન્ડે સ્ટારના મિત્રો દર રવિવારે સવારે કાલાવડ રોડ પર આવેલ કણસાગરા કોલેજના રમતના મેદાનમાં વોલીબોલ રમવા માટે અચૂક એકઠા થતા જ હોય છે અચાનક એક દિવસ રમત દરમ્યાન રાખવામા આવેલ ટી બ્રેક દરમ્યાન વાતમાં ને વાતમાં દેવાંગભાઇ માંકડે હોસ્પિટલ માટે એન્ડોસ્કોપી મશીનની અત્યંત જરૂરત હોવાની વાત કરી તે સમયે ઉપસ્થિત રહેલા રાજીવભાઇ શાહે આ જરૂરીયાત પૂરી કરી આપવાનું બીડુ ઝડપ્યું અને  સ્વ. શ્રી શારદાબેન જયંતીલાલ શાહના સ્મરણાર્થે તેમના પરિવારજનો તરફથી રૂ. ૪૦ લાખથી વધુના ખર્ચે અત્યાધુનિક એન્ડોસ્કોપી મશીન અને ઘણા સમય પહેલા આ જ પરિવાર તરફથી સોનોગ્રાફી મશીન હોસ્પિટલને વસાવી આપેલ છે. આ ઉમદા પ્રકારની સેવાકીય સદભાવના દાખવનાર શ્રી રાજીવભાઇ શાહ અસંખ્ય દર્દીઓ અને દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે.

રૂ ૪૦ લાખથી પણ વધુ કિંમત ધરાવતુ આ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતુ એન્ડોસ્કોપી મશીન પેટના તમામ પ્રકારના રોગોના પરિક્ષણો અને સારવાર માટે સૌથી વધુ કાર્યક્ષમ છે તેવો કંપનીનો મજબૂત દાવો છે આ મશીન દ્વારા પેટ- આંતરડા ની તકલીફ જેવી કે આંતરડા માં દુખાવો , આંતરડા માં ગાંઠ , પેટ નો દુખાવો , પેટ  આંતરડાનું ટી.બી. , પેટ- આંતરડાનો સોજો , પેટ - આંતરડામાં ચાંદા વિગેરે ... જેવા રોગો નું નિદાન થઇ શકે છે. અતિ આધુનિક ૪-ઝ્ર કેમેરા સિસ્ટમ દ્વારા અને ણ્ઝ્ર ઇમેજ દ્વારા એન્ડોસ્કોપી અને કોલોની સ્કોપીની પ્રક્રિયા કરવામાં આવે છે.

ડો. મુકુંદ વિરપરીયા, એમ.ડી.ડી.એમ. (ગેસ્ટ્રો એન્ટ્રોલોજી) તથા ડો. ગજેન્દ્ર ઓડેદરા (એમ.ડી.મેડીસીન તથા ગેસ્ટ્રો એન્ટ્રોલોજી) જેવા નિષ્ણાંત તબીબો પેટ આંતરડા લીવર સ્વાદુપીંડ પિત્તાશય પિત્તનળી કેન્સર અન્નનળીની મોટીલીટી અસાધ્ય એસીડીટી કબજીયાત કમળો ઝેરી કમળો લોહીના ઝાડા ઉલટી લીવર સિરોસીશનુ જેવા રોગોનુ સચોટ નિદાન અને સારવાર તેમજ લીવર ટ્રાન્સપ્લાન્ટ અંગે માર્ગદર્શન આપવામાં નિપૂણતા પ્રાપ્ત કરેલ છે તદ્દઉપરાંત તેઓએ તેમની કારકિર્દી દરમિયાન અનેક એન્ડોસ્કોપી કરીને નિષ્ણાંત તબીબ તરીકે સારી એવી નામના પ્રાપ્ત કરેલ છે  હોસ્પિટલમાં ડો. મુકુંદ  વિરપરીયા બુધ અને શનિ તેમજ ડો ગજેન્દ્ર ઓડેદરા સોમ-મંગળ-ગુરૂ-શુક્ર વારે સાંજે ૪ થી ૫  નિયમિત રીતે મળી શકે છે.

વાસ્તવમાં તબીબી સારવાર ખૂબ જ ખર્ચાળ છે. પરંતુ પંચનાથ  હોસ્પિટલમાં થતા દરેક પરિક્ષણો તેના થકી થતા નિદાન અને સારવારનો ચાર્જ સરેરાશ રીતે ૫૦ટકા થી ૬૦ ટકા જેટલા ઓછા જોવા મળે છે. જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ  તેમજ સૌને પરવડે તેવા રાહતરૂપ ચાર્જ કહી શકાય. હોસ્પિટલનો ઉદય જ  સેવાકીય ભાવના સાથે થયેલ હોવાથી શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારના પરિક્ષણો નિદાન અને સારવારના ચાર્જ રાહતદરે રાખવામા આવેલ છે.

શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના યુવાન પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ, માનદ મંત્રીશ્રી મયૂરભાઇ શાહ, કોષાધ્યક્ષશ્રી ડી વી મહેતા, ટ્રસ્ટીશ્રીઓ ડો રવિરાજ ગુજરાતી, વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, અનિલભાઈ દેસાઈ, સંદીપભાઇ ડોડીયા, જૈમીનભાઇ જોષી, નિરજભાઇ પાઠક, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, તેમજ મનુભાઇ પટેલ જેવા સેવાભાવી આગેવાનો હોસ્પિટલને સંપૂર્ણપણે આત્મનિર્ભર કરવા સતત જહેમત ઉઠાવી રહ્યા છે.

હોસ્પિટલમાં થતી અન્ય સારવારની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી પંકજ ચગ મો.૯૮૭૯૫ ૭૦૮૭૮તેમજ એન્ડોસ્કોપી સારવારની વધુ વિગત જાણવા માટે શ્રીમતી ધૃતીબેન ધડુકનો હોસ્પિટલ પર અન્યથા લેન્ડ લાઇન નંબર ૦૨૮૧-૨૨૩૧૨૧૫/૨૨૨૩૨૪૯ પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદી મા જણાવેલ છે.

(3:18 pm IST)