Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સોની વેપારી રમેશભાઇ લોઢીયાનો આપઘાતઃ લાખોની લેતીદેતી મામલે ત્રાસ હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

કરણસિંહજી મેઇન રોડ પર યશ રેસિડેન્સી એપાર્ટમેન્ટનો બનાવ : અલગ રહેતાં પત્નિ ફોન કરતાં હોઇ રિસીવ ન થતાં તપાસ કરવા આવ્યાઃ દરવાજો તોડીને જોતાં ફુલાઇ ગયેલો મૃતદેહ મળ્યો : આશાપુરાનગરના શોભનાબા, તેના પતિ સહિતને પુછતાછ માટે એ-ડિવીઝન પોલીસે બોલાવ્યાઃ અગાઉ ત્રંબાના વેપારી સાથે ૮૫ાા લાખના સોનાની ઠગાઇમાં પણ શોભનાબા અને તેના પરિવારજનો વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૨૦: કરણસિંહજી મેઇન રોડ પર રહેતાં સોની વેપારીએ ઝેર પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. વેપારીની લાશ ત્રણ દિવસ સુધી ઘરમાં જ પડી રહી હોઇ ફુલાઇ ગઇ હતી. અલગ રહેતાં પત્નિ સતત ફોન કરતાં હોઇ ફોન રિસીવ ન થતાં તેઓ રૂબરૂ તપાસ કરવા આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો તોડીને જોતાં અંદરથી પતિની લાશ મળી હતી. લાખો રૂૈપિયાની લેતીદેતીમાં ધાકધમકી મળતાં વેપારીએ આપઘાત કર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી રહી હોઇ પોલીસે તપાસ શરૂ કરી છે. તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં આશાપુરા નગરના એક મહિલા તથા તેના પરિવારજનો વિરૂધ્ધ આક્ષેપો થયા હોઇ પોલીસે તેને પુછતાછ માટે બોલાવ્યા છે.

જાણવા મળ્યા મુજબ કરણસિંહજી રોડ પર યશ રેસિડેન્સી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૩માં રહેતાં સોની મહાજન રમેશભાઇ મોરારજીભાઇ લોઢીયા (ઉ.વ.૪૭)ને તેનાથી અલગ રહેતાં તેમના પત્નિ ૧૬મીથી ફોન કરતાં હતાં. પરંતુ પતિ ફોન રિસીવ કરતાં ન હોઇ કંઇક કામમાં હશે તેમ સમજી લીધું હતું. ગઇકાલે તેમણે ફરીથી ફોન જોડતાં આ વખતે પણ રમેશભાઇએ ફોન રિસીવ ન કરતાં કંઇક બન્યાની શંકા સાથે પત્નિ ઘરે આવ્યા હતાં. અહિ દરવાજો અંદરથી બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં જવાનો પહોંચ્યા હતાં.

દરવાજો તોડીને જોતાં અંદરથી રમેશભાઇની લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે પોલીસને જાણ થતાં પીએસઆઇ ટી. ડી. ચુડાસમા તથા રવિભાઇ વાઘેલા અને જયપાલસિંહ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. પોલીસે પંચનામુ કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. રમેશભાઇએ ઝેર પી આપઘાત કરી લીધાનું તપાસમાં ખુલ્યું હતું.

પોલીસની વધુ તપાસમાં બહાર આવ્યા મુજબ આપઘાત કરનાર રમેશભાઇ ધકાણને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્ર બાર વર્ષનો અને પુત્રી પાંચ વર્ષની છે. પત્નિ વૈરાગીબેન અને સંતાનો બે વર્ષથી અલગ રહે છે. રમેશભાઇને કોઠારીયા રોડ પર મારૂતિ જ્વલેર્સ નામે દૂકાન છે. પૈસાની લેતીદેતી મામલે રમેશભાઇને કેટલાક શખ્સો ધાકધમકી આપતાં હોઇ તે કારણે તેઓ આ પગલુ ભરવા મજબૂર થયાનું બહાર આવી રહ્યું હોઇ પોલીસે આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

આપઘાત કરનાર રમેશભાઇ ધકાણના મિત્ર મનોજભાઇએ જણાવ્યું હતું કે રમેશભાઇએ એક સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે ત્રાસને લીધે મરજી જવા મજબૂર થયાનો ઉલ્લેખ કર્યો છે. આશાપુરાનગરના શોભનાબા તથા તેના પરિવારજનોના નામ છે. મનોજભાઇએ વધુમાં કહ્યું હતું કે મારા મિત્ર રમેશભાઇના નામે શોભનાબા સહિતે લાખોના દાગીના બેંકમાં મુકી લોન લેવડાવી લીધી હતી. એ પછી આ દાગીના છોડાવી આપવા મારા મિત્રને દબાણ કરવામાં આવતું હતું. શોભનાબા અને તેના ઘરના સભ્યો વિરૂધ્ધ ૮૫ લાખની ઠગાઇની ફરિયાદ પણ ગત જુલાઇ મહિનામાં આજીડેમ પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે આક્ષેપો અને ચિઠ્ઠીને આધારે તપાસ હાથ ધરી છે.

(3:12 pm IST)