Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ફી ઘટાડોઃ એનએસયુઆઇના સોમવારે ધરણા

શાળાઓમાં ફી ઘટાડવા તૈયારી તો યુનિવર્સિટીમાં પરીક્ષા ફી વધારવાનોનિર્ણય કેટલા અંશે યોગ્ય : મહેશ રાજપૂતનો સણસણતો સવાલ

રાજકોટ, તા. ૧૯ : શાળાઓમાં ફી ઘટાડવા તૈયારી ચાલી રહી છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા ફી વધારવા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ લોકડાઉન અને બેરોજગારી જેવી સ્થિતિમાં કેમ ફી વધારો પોસાય તેવો આક્ષેપ કોંંગી અગ્રણી અને એનએસયુઆઇના આગેવાનોએ કર્યો હતો.આ ફી વધારો ઘટાડો કરવા એનએસયુઆઇએ માંગ કરી છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ અંગે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપૂત, ગુજરાત એનએસયુઆઇ ઉપપ્રમુખ સુરજ ડેર, રાજકોટ જીલ્લા એનએસયુઆઇ પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે કોંગ્રેસ પક્ષે અને વાલીઓ અને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજુઆતો કર્યા બાદ સરકારે ઝુંકવું પડયું છે તેમજ શાળામાં ફી ઘટાડવા મુદ્દે ગુજરાત સરકારે નામદાર હાઇકોર્ટમાં રીટ કરી હતી તેનો નિકાલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને રાજય સરકારને નિર્ણય લેવા જણાવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કોલેજની પરીક્ષા ફીમાં ૩ર% થી ૧૮પ% સુધી વધારો કર્યો છે.

વધુમાં શ્રી રાજપૂત  તથા  ડેર તથા રોહિતસિંહે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સીન્ડીકેટ બેઠકમાં ઠરાવ કર્યા વગર જ પરીક્ષા ફીમાં વધારો નાખ્યો છે જયારે વિદ્યાર્થીઓને ભણાવવા માટે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓ માથે યેનકેન પ્રકારે સતત ફીનું ભારણ વધારીને વિદ્યાર્થીઓ અને વાલીઓને હેરાન પરેશાન કર્યા છે.

આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો એનએસયુઆઇ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું મહેશભાઇ રાજપૂત, સુરજ ડેર અને રોહિતસિંહ રાજપૂત દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

(3:46 pm IST)