Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

સિવિલ હોસ્પિટલમાં કોરોના સંબંધીત દવાઓ અને તબિબી સાધનોનો પુરતો સ્ટોકઃ ઓકિસજનની વધારાની ટેન્ક મુકાશેઃ ડો. નથવાણી

સ્ટોર અને ઓકિસજન વિભાગના ઇન્ચાર્જ ડો. જે. કે. નથવાણી સતત એલર્ટઃ ઓકિસજનની ૨૦ હજાર લિટરની વધુ ટેન્ક ઇન્સ્ટોલ થશે

રાજકોટ તા. ૧૯ : પંડિત દીનદયાળ ઉપાધ્યાય(સિવિલ) હોસ્પિટલ ખાતે કોરોના સામેના યુધ્ધમાં લડવા માટે જરૂરી તમામ દવાઓ અને તબીબી સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું ડો. જે.કે.નથવાણીએ જણાવ્યું છે.

આ અંગેની વિગતો આપતાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલના સ્ટોર અને ઓકસીજન વિભાગના ઇન ચાર્જ મેડિકલ ઓફિસર ડો. જે.કે.નથવાણીએ જણાવ્યું હતું કે,રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને કોરોના સંબંધી સારવાર માટે જે-જે દવાઓ જરૂરી છે,અને કોરોનાગ્રસ્ત નાગરિકોની સારવાર કરતા ડોકટર્સ અને અન્ય પેરામેડિકલ સ્ટાફ માટે જે કંઇ પણ સાધનોની આવશ્યકતા છે,તે તમામ વસ્તુઓ પૂરતી માત્રામાં હોસ્પિટલ ખાતે પ્રાપ્ય છે જ. અન્ય જિલ્લાઓમાંથી સારવાર માટે આવતા કોરોનાના દર્દીઓ માટે પણ પર્યાપ્ત પ્રમાણમાં આ જથ્થો રાખવામાં આવે જ છે.

એન-૯૫ માસ્ક,પર્સનલ પ્રોટેકશન ઇકવીપમેન્ટ (પી.પી.ઇ.) કીટ,ટ્રીપલ લેયર માસ્ક,સેનિટાઇઝર,રબ્બર ગ્લોવ્ઝ વગેરે જેવી વસ્તુઓ,રેન્ડમ બ્લડ શુગર સ્લીપ,ટોસિલીઝુમેબના ઇન્જેકશન્સ,રેમ્ડેસીવીર-એઝિથ્રોમાઇસીન-હાઇડ્રકસીકલોરોકવીન વગેરે જેવી દવાઓનો જરૂરી જથ્થો હોસ્પિટલ ખાતે છે જ,જેથી કોઇ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે હોસ્પિલ તમામ રીતે સુસજ્જ છે,તેમ તેમણે ઉમેર્યું હતું.

કોરોના વાયરસના સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવા સંબંધી તકલીફો જોવા મળી રહી છે ત્યારે આ સ્થિતિમાં કૃત્રિમ રીતે એટલે સીધુ ઓકસીજન કે વેન્ટીલેટર પર રાખવાની જરૂરિયાત ઉભી થતી હોય છે. આ માટે રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે ૧૧ હજાર લીટરની લીકવીડ ઓકસીજનની ટેંક અને ૯૫૦ લીટરની ૪ ટેન્ક ઉપલબ્ધ છે. ઉપરાંત નજીકના ભવિષ્યમાં ૨૦ હજાર લીટરની વધુ એક ટેંક ઈન્સ્ટોલ કરવામાં આવશે. આમ, આ વિકટ પરિસ્થિતમાં દર્દીઓના જીવ બચાવવા માટે પુરતો પ્રાણવાયુ ઉપલબ્ધ છે.

ઓકસીજન સપ્લાય બાબતના ઇન્ચાર્જ નોડલ ઓફિસર શ્રી જે.કે. નથવાણી કહે છે કે, કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઓકસીજન એક મહત્વનું  ઘટક છે. આ ઓકસીજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતા પ્રમાણ જથ્થો છે. ઓકસીજનની સપ્લાય બે પ્રકારે કરવામાં આવતી હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે. લીકવીડ ઓકસીજનને સીધુ ઉપયોગમાં લઈ શકાતુ નથી પણ તેને વેપોરાઈઝર મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા બાદ કોવિડ હોસ્પિટલના દરેક વોર્ડમાં પાઈપલાઈન મારફતે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સપ્લાય કરવામાં આવે છે. ઉપરાંત ઓકસીજનની સપ્લાય માટે ડી-ટાઈપના ૬૦ સિલિન્ડર ઉપલબ્ધ છે. જેનો પણ જરૂરિયાત અનુસાર ઉપયોગ કરી શકાય છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ઓકસીજનને જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતો જથ્થો છે. ઉપરાંત ઓકસીજનની ઉણપથી કોઈ દર્દીનો જીવ જોખમમાં ન મુકાય તે માટે ૨૦ હજાર લીટરની વધુ એક ઓકસીજન ટેંકનુ ઈન્ટોસ્ટોલેશનનુ કામ નજીકના ભવિષ્યમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આમ, પૂરતા પ્રમાણમાં ઓકસીજન ઉપલબ્ધ છે અને ઉભી થનારી જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી પણ કરી લેવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

(3:36 pm IST)