Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જંકશન પાસે રિક્ષાના મુસાફર પર હુમલો કરી લૂંટનો ગુનો ઉકેલાયોઃ ક્રાઇમ બ્રાંચે આરીફ શેખને દબોચ્‍યો

સિવિલ હોસ્‍પિટલના બગીચામાંથી પકડાયો : ભગવતીપરાનો શખ્‍સ અગાઉ રાજકોટ, જામનગર, ગાંધીનગરમાં છ વખત પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છેઃ રોકડ-લોખંડનો પાઇપ કબ્‍જેઃ પીએસઆઇ બી. વી. બોરીસાગરની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૦: મુળ કોડીનારના વતની અને હાલ મેટોડા રહી કોમ્‍પ્‍યુટરનું કામ કરતાં મનિષ નાથાભાઇ વાઢેર (ઉ.૨૫) નામના યુવાન પર પરમ દિવસે રાતે જંકશન રેલ્‍વે સ્‍ટેશન પાસે રિક્ષાચાલક સહિતે બે જણાએ હુમલો કરી રોકડ, કપડાના થેલા અને ફોનની લૂંટ ચલાવી હતી. આ બનાવનો ભેદ ડીસીબીની ટીમે ઉકેલી નાંખી ભગવતીપરા હુશેનીયા મસ્‍જીદ પાસે રહેતાં આરીફ ઉર્ફ મીનીબાપુ રજાકભાઇ શેખ (ઉ.૨૫)ને પકડી લઇ તેની પાસેથી રૂા. ૧૫૫૦ની રોકડ, લોખંડનો પાઇપ કબ્‍જે કર્યા છે.

પોલીસના કહેવા મુજબ આરીફ ઉર્ફ મીનીબાપુ અગાઉ પણ રાજકોટ રેલ્‍વે પોલીસ, પ્ર.નગર, એ-ડિવીઝન, જામનગર સીટી બી-ડિવીઝન, ગાંધીનગર ચીલોડા પોલીસમાં મારામારી, રાયોટ, ચોરી, દારૂના છ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. ડીસીબીના પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્‍સ. હરદેવસિંહ રાઠોડ, જયદેવસિંહ પરમારની બાતમી પરથી સિવિલ હોસ્‍પિટલના બગીચામાંથી આરીફને પકડી લેવાયો હતો.

બુધવારે રાતે હોસ્‍પિટલ ચોકમાંથી મનિષ વાઢેર આ શખ્‍સની રિક્ષામાં રૂા. ૨૦ના ભાડાથી જંકશન સ્‍ટેશને જવા બેઠો હતો. ત્‍યાં પહોંચ્‍યા બાદ રૂા. ૨૦૦ ભાડુ માંગ્‍યું હતું. મનિષે આટલુ બધુ ભાડુ આપવાની ના પાડતાં રિક્ષાચાલક અને સાથેના શખ્‍સે હુમલો કરી રૂા. ૮૩૦૦ તથા મોબાઇલ અને કપડાનો થેલો પડાવી લીધા હતાં. આ શખ્‍સ પરપ્રાંતિય મુસાફરોને રિક્ષામાં બેસાડી તેની પાસેથી કિમતી ચીજવસ્‍તુઓ પડાવી લૂંટ કરી નાસી જવાની ટેવ ધરાવે છે.

પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્‍સ. હરદેવસિંહ અને જયદેવસિંહે આ કામગીરી કરી હતી. વધુ એકની શોધખોળ થઇ રહી છે.

(4:14 pm IST)