Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

નિર્દોષ એએસઆઇ સુભાષભાઇ દાંતીની હત્‍યામાં આરોપી ખોખર પિતા-પુત્રોના રિમાન્‍ડ મંગાયા

પાંચ દિવસના રિમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજઃ ભડાકો ફાયરમેન અરશીલે આર્મીમેન ભાઇ અજીલની રાઇફલથી કર્યાનો એફઆઇઆરમાં ઉલ્લેખઃ ખરેખર કોણે ફાયરીંગ કર્યુ? તે અંગે વિસ્‍તૃત તપાસ

રાજકોટ તા. ૨૦: જામનગર રોડ રેલનગર અન્‍ડર બ્રિજ નજીક બુધવારે રાત્રીના હત્‍યાની ઘટનામાં નિર્દોષ એવા રેલનગરમાં રહેતાં સેન્‍ટ્રલ જીએસટી વિભાગના એએસઆઇ ડ્રાઇવર સુભાષભાઇ દેવકરણભાઇ દાંતી (ગઢવી) (ઉ.વ.૫૫)ની ગોળી મારી હત્‍યા કરવામાં આવતાં સનસનાટી મચી ગઇ હતી. પોલીસે આ બનાવમાં ત્રણ આરોપીઓ આર્મીમેન, તેના ફાયરમેન ભાઇ અને બંનેના સિક્‍યુરીટીમેન પિતા મળી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આજે આ ત્રણેયને પાંચ દિવસના રિમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ફાયરીંગ ફાયરમેને કર્યુ કે આર્મીમેને? તે અંગે હજુ સ્‍પષ્‍ટતા થઇ ન હોઇ વિશેષ તપાસ યથાવત રખાઇ છે.
પોલીસે ત્રણ આરોપી એરપોર્ટ રોડ પર કલ્‍યાણ સોસાયટીમાં રહેતાં આર્મીમેન અજીલ આરીફભાઇ ખોખર (ઉ.૩૧), તેના ભાઇ ફાયરમેન ભોમેશ્વરવાડી-૧માં રહેતાં અરશીલ આરીફભાઇ ખોખર (ઉ.૨૭) અને પિતા ભોમેશ્વરવાડીમાં રહેતાં આરીફ હુશેનભાઇ ખોખર (ઉ.૬૦)ની ધરપકડ કરી હત્‍યામાં વપરાયેલી રાઇફલ કબ્‍જે કરી છે. અરશીલ ખોખરની પત્‍નિ સાનીયા થોડા દિવસ પહેલા પોતાના મામા-મામી, માતા-પિતા સહિતની સાથે અજમેર શરીફ ગઇ હતી. આ બાબતે પતિ અરશીલે ઝઘડો કરી સાનીયાને કાઢી મુકતાં તે જંકશનની દરગાહે જતી રહી હતી. સમાધાનની વાત કરવા સાનીયાના મામા-મામી સહિતના નીકળ્‍યા ત્‍યારે રેલનગર અન્‍ડરબ્રીજ પાસે સાનીયાના પતિ, જેઠ, સસરાએ હુમલો કર્યો હતો. જેમાં સેન્‍ટ્રલ જીએસટીના એએસઆઇ સુભાષભાઇ ગઢવી વચ્‍ચે પડતાં આરીફભાઇ અને અજીલે ‘આ આપણા ઝઘડામાં વચ્‍ચે પડે છે, પુરો કરી નાંખ' તેમ કહેતાં અરશીલે પોતાના ભાઇ અજીલ પાસેથી રાઇફલ લઇ ભડાકા કરી હત્‍યા કરી હતી. આ પ્રકારની વિગતો એફઆઇઆરમાં નોંધવામાં આવી છે. જો કે ખરેખર ફાયરીંગ આર્મીમેન અજીલે કર્યુ કે તેના ફાયરમેન ભાઇ અરશીલે? તે હજુ પણ સ્‍પષ્‍ટ થયું ન હોઇ પોલીસે સત્‍ય હકિકતો જાણવા અને બીજી તપાસ કરવા માટે ત્રણેય આરોપીઓને રિમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી કરી છે.
પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જે. જી. રાણા, કે. ડી. પટેલ, એએસઆઇ હીરાભાઇ રબારી, હેડકોન્‍સ. ખોડુભા જાડેજા, જયદિપસિંહ, પ્રદિપસિંહ, ધર્મરાજસિંહ, સલિમભાઇ મકરાણી, ભરતભાઇ, શબ્‍બીરભાઇ, શકિતસિંહ, ગોપાલ પાટીલ, અર્જુનભાઇ, ગોપાલ બોળીયા, ભુમીબેન સોલંકીએ કાર્યવાહી કરી હતી.

 

(3:23 pm IST)