Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, સૂચન, અભિપ્રાય, સહયોગ હેઠળ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રીરામ કથામાં પ્રાચીનતા આધુનિકતાનો અભૂતપૂર્વ સંગમઃ ઉત્‍સાહના ઘોડાપૂર

કોર્પોરેટ ટચ સાથે યોજાનાર શ્રી રામકથાનો રજવાડી ડોમ તૈયાર : દરરોજ રાત્રે અલગ-અલગ કાર્યક્રમોની વણઝાર : આવતીકાલે સાંજે ૪.૩૦ વાગ્‍યે શ્રી પંચનાથ મહાદેવ મંદિરેથી જાજરમાન પોથીયાત્રા નિકળશે : સમગ્ર રાજકોટ શહેર રામમય બની ગયું છે : પ્રસાદ ઘર, ડોમ વ્‍યવસ્‍થા, બેઠક વ્‍યવસ્‍થા, પાર્કિંગ, મંડપ અને ઇલેકટ્રીક વ્‍યવસ્‍થા સહિતની તમામ બાબતોની તમામ તૈયારીઓ પૂર્ણ : કોરોનાકાળ દરમિયાન ચૌધરી હાઇસ્‍કુલના મેદાનમાં સેંકડો લોકોના અકાળે દુઃખદ અવસાન થયા તેમાંથી કોઇ આત્‍માએ કદાચ શ્રી રામકથા યોજવાની પ્રેરણા આપી હશે : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂરાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથાના ઐતિહાસિક આયોજન સંદર્ભે પત્રકાર પરિષદમાં વિગતો આપતા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠક્કર, ઇન્‍ટરનલ ઓડિટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર, શ્‍યામલભાઇ સોનપાલ, તુષારભાઇ ગોકાણી, મનીષભાઇ ખખ્‍ખર, રીટાબેન કુંડલિયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, વિધીબેન જટાણીયા તથા રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ અને પીઢ લોહાણા અગ્રણી શ્રી નવીનભાઇ ઠક્કર નજરે પડે છે. શ્રી રામકથા માટે તૈયાર કરવામાં આવેલ રજવાડી ડોમ, અલાયદી બેઠક વ્‍યવસ્‍થા તથા પ્રસાદ માટેનો સામાન અને પ્રસાદ માટેની તૈયારી કરતા સ્‍વયંસેવકો નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ,તા. ૨૦ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન અને અંદાજે અઢી લાખ રઘુવંશીઓની માતૃસંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ૨૧ મે શનિવાર થી તા. ૨૯ મે રવિવાર, ૨૦૨૨ દરમ્‍યાન શ્રી રામનગરી ચૌધરી હાઇસ્‍કુલ મેદાન, રાજકોટ શ્રી રામકથાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં સાંજે ૪:૩૦ થી ૮:૩૦ દરમ્‍યાન મુખ્‍ય વકતા તરીકે આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા વ્‍યાસાસને બિરાજશે અને કથાનું રસપાન કરાવશે.
રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાનાર શ્રી રામકથામાં પ્રાચીનતા અને આધુનિકતાનો અભૂતપૂર્વ સંગમ જોવા મળી રહ્યો છે. અલૌકીક અને પવિત્ર વાતાવરણમાં ભાવિકોને ગરમી ન લાગે તે માટે પંખા તથા સ્‍પ્રીંકલર સતત ચાલુ રહેશે કે જે ડોમના તાપમાનને ઘણે ખરે અંશે નિયંત્રિત કરશે. સાથે-સાથે કથા મંડપમાં રહેલ દરેક ભાવિકને ૫૦૦ એમ.એલ. મિનરલ વોટરની બોટલ  પણ આપવામાં આવશે. દરરોજ રાત્રે કથાવિરામ બાદ અલગ અલગ મેનુ સાથે પ્રસંગોને અનુરૂપ પ્રસાદ આપવામાં આવનાર હોવાનું મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂએ જણાવ્‍યુ હતું. ચૌધરી હાઇસ્‍કુલના વિશાળ મેદાનમાં પાર્કીંગની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. શ્રધ્‍ધાળુ માટે રાજવાડી ડોમ તૈયાર કરવામાં આવ્‍યો છે અને દરરોજ રાત્રે વિવિધ ક્ષેત્રના નિષ્‍ણાતો-કલાકારો દ્વારા અલગ અલગ કાર્યક્રમોની વણઝાર યોજવામાં આવશે. જેમાં શ્રીનાથજીની ઝાંખી, શ્રી રામધૂન, સંગીત, દુહા-છંદ, મોટીવેશનલ સ્‍પીચ સમાજોપયોગી પ્રવચન વિગેરેનો સમાવેશ થાય છે.
આવતીકાલ સાંજે ૪:૩૦ વાગ્‍યે શ્રી પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ ખાતેથી જાજરમાન પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં હજ્‍જારો જ્ઞાતિજનો અને સેંકડો વાહનો રંગેચંગે જોડાશે. અને શ્રી રામનગરી ખાતે પહોંચશે.
શ્રી રામકથા આયોજનને આખરી ઓપ આપવાના હેતુ સાથે ગઇ કાલે રાજકોટ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના ૪૦૦ જેટલા જરૂરીયાતમંદ પરિવારોને અનાજકીટનું વિતરણ શ્રી રામનગરી ખાતે કરવામાં આવ્‍યુ હતું. અનાજ કીટમાં ખાંડ-ચા, તેલ, ઘી, બેસન સહિતની જીવન જરૂરીયાતની વસ્‍તુઓ આપવામાં આવી હતી. પ્રસાદ ઘર, ડોમ વ્‍યવસ્‍થા, બેઠક વ્‍યવસ્‍થા, પાર્કિંગ, મંડપ અને ઇલેકટ્રીક વ્‍યવસ્‍થા સહિતની તમામ બાબતોને આખરી ઓપ અપાઇ ચુક્‍યો છે અને સમગ્ર રાજકોટ શ્રી રામમય બની ચુક્‍યું છે. લોકોમાં ઉત્‍સાહના ઘોડાપુર વહી રહ્યા છે.
પત્રકાર પરિષદમાં આજે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્‍યું હતું કે, અત્‍યંત દુઃખદ એવા કોરોનાકાળ દરમિયાન ચૌધરી હાઇસ્‍કુલના મેદાનમાં સેંકડો લોકોના અકાળે દુઃખદ અવસાન થયા છે અને તેમાંથી કોઇ આત્‍માએ કદાચ શ્રી રામકથા યોજવાની પ્રેરણા આપી હશે. સર્વે જીવોના આત્‍માને શાંતિ - મોક્ષ મળે અને સર્વ સમાજોનું કલ્‍યાણ થાય તેવો શુભ આશય શ્રી રામકથા યોજવા પાછળનો હોવાનું મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યું હતું.
શ્રી રામ કથાના સુચારૂ અને સચોટ આયોજન સંદર્ભે તથા આખરીઓપ સમા આયોજનના નિરીક્ષણ અર્થે અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ શ્રી રામનગરીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને લોહાણા મહાજનના હોદ્દેદારો - અગ્રણીઓને જરૂરી માર્ગદર્શન, સુચનો અને અભિપ્રાય આપ્‍યો હતો.
આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠક્કર, ઇન્‍ટરનલ ઓડિટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર, શ્‍યામલભાઇ સોનપાલ, તુષારભાઇ ગોકાણી, મનિષભાઇ ખખ્‍ખર, ધવલભાઇ કારીયા, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, વિધીબેન જટાણીયા, લોહાણા અગ્રણીઓ છબીલભાઇ પોબારૂ, સિધ્‍ધાર્થ પોબારૂ, હિતેનભાઇ પારેખ, દક્ષિણિ, દિશીત પોબારૂ વિગેરે હાજર રહ્યા હતા. રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ અને પીઢ લોહાણા અગ્રણી નવીનભાઇ ઠક્કરે પણ હાજરી આપી હતી.

 

(2:55 pm IST)