Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

બાર એસો.ની ચૂંટણીમાં સેક્રેટરી, જો.સેક્રેટરી અને ટ્રેઝરરની જગ્યાના ઉમેદવારો બિનહરીફ

પ્રમુખ-ઉપપ્રમુખ અને લાયબ્રેરી સેક્રેટરીની જગ્યા માટે સ્પર્ધાઃ પ્રમુખમાં અનિલ દેસાઇની જીત નિશ્ચિતઃ ઉપપ્રમુખ માટે અમીત ભગતે બકુલ રાજાણીના ટેકામાં ફોર્મ પાછુ ખેંચ્યુઃ હવે રાજાણી-પટેલ વચ્ચે જંગઃ સમરસ પેનલનો ચૂંટણીમાં દબદબો...

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ બાર એસો.ની આગામી તા. ર૬ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાયેલ છે. ત્યારે આજે વધુ એક મહત્વની સેક્રેટરીની જગ્યા ઉપર ઉમેદવારી નોંધાવનાર અરૂણભાઇ પાલે, દિલીપભાઇ જોષીના ટેકામાં ફોર્મ પાછુ ખેંચી લેતા દિલીપભાઇ જોષીની સેક્રેટરીની જગ્યા ઉપર બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી છે.

ગત શનિવારે ફોર્મ ભરવાની મુદત પુરી થતાં જોઇન્ટ સેક્રેટરીની જગ્યા ઉપર રૂપરાજસિંહ પરમાર અને ટ્રેઝરરની જગ્યા ઉપર અશ્વિન ગોંસાઇની સામે કોઇ પણ વકીલોના ઉમેદવારી પત્રો ભરાઇને નહિ આવતાં બંનેને શનીવારે જ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં. બાર એસો. ની ચૂંટણીમાં સમરસ પેનલનો દબદબો રહ્યો છે. ત્રણ મુખ્ય હોદેદારો બિનહરીફ જાહેર થયા છે.

બાર એસો. ની ચૂંટણીમાં હવે પ્રમુખપદ અને ઉપપ્રમુખપદ તેમજ લાયબ્રેરી સેક્રેટરીની જગ્યા તેમજ કારોબારીની જગ્યાઓ ઉપર ચૂંટણી યોજાશે. જેમાં પ્રમુખપદ માટે સમરસ પેનલના અનિલભાઇ દેસાઇ અને હરિસિંહ વાઘેલા વચ્ચે સ્પર્ધા છે. જેમાં અનિલભાઇ દેસાઇની જીત નિશ્ચિત મનાય છે.

ઉપપ્રમુખપદ માટે સમરસ પેનલના સી. એચ. પટેલ, બકુલભાઇ રાજાણી તથા અમિતભાઇ ભગત વચ્ચે ત્રિકોણીયો જંગ મંડાયો છે. લાયબ્રેરી સેક્રેટરીની જગ્યા ઉપર જતિન ઠક્કર અને મૌનિષ જોષી વચ્ચે સ્પર્ધા છે.

કારોબારીની ૧૦ જગ્યા માટે ૧૯ ફોર્મ ભરાયા છે. જેમાં મહિલા અનામતની જગ્યા માટે હર્ષાબેન પંડયા અને મીનાક્ષીબેન ત્રિવેદી (સમરસ પેનલ) વચ્ચે સ્પર્ધા થનાર છે. અમિતાબેન સીપ્પીએ ઉમેદવારી પાછી ખેંચ્યાનું જાણવા મળે છે.

જયારે કારોબારીની ૯ જગ્યા માટે સમરસ પેનલના ઉમેદવાર તરીકે વિપુલ ડાંગર, રોહિત ઘીયા, સંજય જોષી, અજય પીપળીયા, આનંદ પરમાર, નંદકિશોર પાનોલા, વિપુલ રાણીંગા, એન્જલ સરધારા અને પિયુષ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. જયારે સ્વતંત્ર ઉમેદવારો તરીકે રાજેશ ચાવડા, વિમલ ડાંગર, વિવેક ધનેશા, ભુપેન્દ્રસિંહ જાડેજા, નિશાંત જોષી, કમલ કવૈયા, ગૌરાંગ માંકડ, નિરવ પંડયાનો સમાવેશ થાય છે.

દરમ્યાન સમરસ પેનલના કારોબારી સભ્યો અને પ્રમુખ-ઉપપ્રમુખના હોદેદારોને ચૂંટણી કાઢવા પેનલના ટેકેદારો બાર કાઉન્સીલ ના પુર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, હિતેષભાઇ દવે, પિયુષભાઇ શાહ, કમલેશ શાહ, બળવંતસિંહ રાઠોડ, કમલેશ ડોડીયા, વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:55 pm IST)