Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

વોર્ડ-૪ની સુચિત સોસાયટીઓ કાયદેસર કરાવશું: નવી માધ્યમિક શાળા બનાવાશેઃ પરેશ પીપળીયા

પેટા ચૂંટણીમાં વિજય થતા આ વોર્ડમાં ભાજપની તાકાત બમણીઃ કોર્પોરેટર અશ્વિન મોલીયા, કિશોર રાઠોડ સહિતના આગેવાનોએ મતદારોનો આભાર માની વોર્ડની વિકાસયાત્રા આગળ વધારવા ખાત્રી આપી

'અકિલા'નાં આંગણે ટીમ બીજેપીઃ વોર્ડ નં. ૪ ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયાનો ભવ્ય વિજય થયા બાદ તુર્ત જ તેઓ વોર્ડ નં. ૪ ની ટીમ બીજેપી 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવી હતી. તે વખતની પ્રથમ તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશિર્વાદ લઈ રહેલા કોર્પોરેટર અશ્વિન મોલીયા તથા પરેશ પીપળીયા દર્શાય છે. બાજુની તસ્વીરમાં ચૂંટણી જીત્યા બાદ વોર્ડ નં. ૪ ના વિકાસ કાર્યો અંગે માહિતી રજૂ કરી રહેલા પરેશભાઈ પીપળીયા, અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પ્રભારી અશોકભાઈ લુણાગરીયા, પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, મહામંત્રી કાનાભાઈ ડંડૈયા, સી.ટી. પટેલ, પૂર્વ પ્રમુખ દેવદાનભાઈ કુગશીયા વગેરે આગેવાનો દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૯ :. આજે વોર્ડ નં. ૪ ની પેટા ચૂંટણીનું પરિણામ સવારે ૧૧ વાગ્યે જાહેર થતા ભાજપનાં ઉમેદવાર પરેશ પીપળીયા વિજેતા જાહેર થતા તેઓ વોર્ડના ભાજપ આગેવાનો સાથે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને વોર્ડ નં. ૪ ના મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યકિત કરી આ વોર્ડમાં આવેલ સુચિત સોસાયટીઓને કાયદેસર કરાવી આપવા સહિતના પ્રજાના પ્રશ્નો ઉકેલવાની ખાત્રી ઉચ્ચારી હતી.

આ તકે વિજેતા બનેલા પરેશ પીપળીયાએ જણાવ્યું હતુ કે વોર્ડ નં. ૪ માં ત્રણ કોંગ્રેસના અને ૧ ભાજપના કોર્પોરેટરની પેનલ હતી આમ આ વોર્ડમાં કોંગ્રેસની બહુમતી હતી છતા રસ્તા, ગટર, લાઈટના પ્રશ્નો હતા પરંતુ ભાજપના કોર્પોરેટર અશ્વિન મોલિયાએ એકલા હાથે વોર્ડમાં નવા રસ્તા, ડ્રેનેજ, પાણીની લાઈનોની સમસ્યા દૂર કરાવી છે.

જ્યારે કોર્પોરેટર અશ્વિન મોલિયાએ જણાવ્યુ હતુ કે, 'હવે વોર્ડ નં. ૪ માં ભાજપના બે કોર્પોરેટર છે. આથી અમારી તાકાત બમણી થઈ છે. હવે આ વિસ્તારમાં સુચિત સોસાયટીઓને કાયદેસર કરવાની સમસ્યા ઉકેલવામાં આવશે તથા આ વિસ્તારમાં નવી માધ્યમિક શાળા શરૂ કરવા નવો કોમ્યુનીટી હોલ, નવા ટી.પી. રસ્તા બનાવવા સહિતની સુવિધાઓથી વોર્ડની વિકાસયાત્રા આગળ વધારાશે.

(4:53 pm IST)