Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ભાજપે તિજોરી તળીયા ઝાટક કરીઃ ર૬૧૭ લાખનો દેવાનો ડુંગરઃ ઘનશ્યામસિંહ

કાલે મળનાર કોર્પોરેશનના જનરલ બોર્ડમાં વોર્ડ નં. ૧૧ના કોંગી કોર્પોરેટર શાસકોના ગાભા કાઢશે : ૨૦૧૮-૧૯ના બજેટનું પોસ્ટમોર્ટમઃ રપ૦ કરોડનાં વેરા લક્ષ્યાંકમાં ૧૩૧ કરોડ રાજકોટવાસીઓએ સામે ચાલીને ભરી દીધાઃ તંત્ર બેદરકારી છોડે તો પ૦૦ કરોડની વેરા આવક થાયઃ ઓનલાઇન-ફરીયાદ નિકાલ, ડોર ટુ ડોર ગારબેજ કલેકશન, વોંકળા સફાઇ, ટ્રાફીક સર્કલ, ડિવાઇડરોની કામગીરીમાં બેદરકારી-ભ્રષ્ટાચારનાં આક્ષેપો

રાજકોટ, તા., ૧૯: આવતીકાલે તા.ર૦ ના રોજ સવારે ૧૧ વાગ્યે મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ મળનાર છે. જેમાં વર્ષ ર૦૧૭-૧૮નાં રિવાઇઝડ તથા વર્ષ ર૦૧૮-૧૯નાં નવા ૧૭.૬૯ અબજનાં બજેટને બહાલી આપવામાં આવનાર છે. ત્યારે વોર્ડ નં. ૧૧નાં કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ આ બજેટનો ઉંડો અભ્યાસ કરી અને ગત વર્ષમાં ભાજપ શાસકોએ ખોટ તાયફાઓ-ઉત્સવો પાછળ બેફામ ખર્ચાઓને કારણે પ્રજાની તિજોરી તળીયાઝાટક કરી નાંખી અને દેવાનો ડુંગર ખડકી દીધાનું તારણ કાઢયું છે અને મુદ્દે આવતીકાલનાં બોર્ડમાં કોંગ્રેસ-ભાજપ શાસનનાં ગાભા કાઢી નાખશે તેમ ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ઘનશ્યામસિંહ આ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવલ કે, ર૦૧૭-૧૮ના વર્ષમાં રૂ. રપ૦ કરોડનો ટાર્ગેટ રાખવામાં આવેલ જે પૈકી રૂ. ૧૯૦ કરોડની વસુલાત થયેલ છે જે પૈકી રૂ.૧૩૧.૩૧ કરોડ તો પ્રામાણીક કર દાતાઓએ એડવાન્સ ભરેલ છે તે જોતા ફકત ૪૮.૬૯ કરોડની રીકવરી થયેલ છે. કોર્પોરેશન તંત્ર આ બાબતે સંપુર્ણ નિષ્ફળ રહેલ છે. ખરેખર રાજકોટમાં આવેલ તમામ મિલ્કતનો વેરો લેવામાં આવે તો પ૦૦ કરોડ ઉપરાંત નાણાની આવક થાય.

કાર્પેટ એરીયા મુજબ સર્વે પુર્ણ કરેલ નથી. રાજયના અન્ય કોર્પોરેશનમાં અમલ થયેલ છે. રાજકોટમાં અમલ થયેલ નથી ફકત સર્વેના નામે ખર્ચ થયેલ છે.

જયારે વાહન વેરો માટે ઓટો-ડીલર તથા આરટીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. આ માટે કોર્પોરેશનને કોઇ ખર્ચ થતા ન હોવાથી આ વેરો વધારવા માટે કરેલ દરખાસ્ત અયોગ્ય છે. જો પાર્કીગમાં સીસીટીવી લગાવવામાં આવે તો તેમાં થતો ભ્રષ્ટાચાર અને મીલીભગત બહાર આવે  અને પાણી વેરો બમણો કરવા માટે દરખાસ્ત છે રહેણાંક માટે રૂ. ૮૪૦ના બદલે રૂ. ૧૬૮૦ અને બિનરહેણાંક માટે રૂ. ૧૬૮૦ના બદલે રૂ. ૩૩૬૦ ખરેખર ભુતીયા કનેકશન બંધ કરવામાં આવે અને મીટર પધ્ધતી અમલમાં મુકવાની જરૂર છે. આમ કરવામાં આવે તો પાણી વેરો વધારવાની કોઇ જરૂરત નથી.

ર૪ કલાક પાણી આપવાની બાંગો પોકારનાર તેજ પુરા ફોર્સથી ર૦ મીનીટ પાણી આપવામાં નિષ્ફળ ગયેલ છે. લાઇનો તુટે છે રેકોર્ડ બ્રેક ફુવારા થાય છે. આ રીતે વેડફાતા પાણીને રોકવામાં આવે તો વેરો વધારવાની જરૂરત નથી. પાણી વિતરણમાં ૩૦૦ કરોડની લોન મંજુર થયેલ છે. પ્રોજેકટ અમલમાં મુકેલ નથી જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં ઘોર બેદરકારી દર્શાય છે.

આ પધ્ધતી સારી છે પણ મીલીભગત વાળા કોન્ટ્રાકટરો આ કામગીરી કરતા નથી તેવી જ રીતે આ બાબતે અમારી પાસે જરૂરી પુરાવા છે એક માસ પહેલા નોંધેલ ફરીયાદ નિકાલ થયાનું જણાવેલ છે. ખરેખર આજે પણ આ ઢગલા યથાવત છે.

પ્રજા પાસેથી ઘર દીઠ રૂ. ૩૬૫ ની વાર્ષિક વસુલાત કરવામાં આવે છે. તો સુવિધા પણ નૈતિકતાથી આપવી જરૂરી છે.

ડીજીટલ પેમેન્ટ ભ્રષ્ટાચાર રોકવામાં મદદ કરે છે આ બાબત આવકાર્ય છે.

ઘનશ્યામસિંહે આક્ષેપ કર્યો છે કે નાણાકીય આયોજન ખોટી રીતે કરી આંક ઓછો બતાવી રીવાઇઝડ બજેટ રજુ કરવામાં આવે છે. ર૦૧૭-૧૮નો આંક ૬૧૬૯૮-૪૪ લાખ આંકવામાં આવેલ છે. જે કમર તોડ છે વધુમાં વર્ષ ર૦૧૮-૧૯માં રૂ. ૪૧૬૬.૩૭ લાખનો વધારો કરવામાં આવેલ છે. જે સ્વીકારવા યોગ્ય નથી.

કેમ કે મહેસુલી ખર્ચ ર૦૧૪-૧પમાં રૂ. ૩૬૯૧૪-૬૯ હતો જે ર૦૧૮-૧૯ માટે રૂ. ૬પ૮૬૪-૮૧ જે ડબલથી નજીક દર્શાવેલ છે. ખરેખર ૩ વર્ષના સમયમાં ડબલ થતા નથી તો ખર્ચ કેમ ડબલ થાય. એટલું જ નહી વર્ષ ર૦૧૬-૧૭માં રૂ. રપ૮૧૬-૬૦ લાખ દર્શાવેલ છે જે ર૦૧૮-૧૯માં તળીયાજાટક કરી ૩૯ર૩.૪૩ દર્શાવેલ છે જે કોર્પોરેશનના  અણઘણ વહીવટે દિવાળુ ફુંકયાનું પ્રસ્થાપીત કરે છે. તા.૧-૪-૧૭ના રોજ કુલ દેવું રૂ. ર૬પ૮.૭૬ લાખમાંથી ચાલુ વર્ષ ફકત રૂ. ૪૧.૩૮ લાખની ચુકવણી કરેલ છે અને દેવાના ડંુગર સમાન રૂ. ર૬૧૭.૩૮ લાખનું દેવું છે જે અણઘડ વહીવટનો નજારો છે.

ડસ્ટ ફ્રી રોડ, સ્માર્ટ રોડની જોગવાઇઓ છે. પરંતુ તેમાં ઉંચી કિંમતના વાહનો વસાવી અને ગરીબ સફાઇ કામદારોની રોજી-રોટી છિનવાય છે. કાલાવડ રોડ જેવા રાજકોટનો મુખ્ય રોડ પર જાળવવામાં નિષ્ફળ ગયેલ છે. જેના પુરાવા કે.કે.વી. ચોકથી વોકહાર્ટ હોસ્પીટલ સુધી આજે પણ છે.

ટ્રાફીક સમસ્યા દુર કરવા બાબતે કોર્પોરેશન અને પોલીસની મીલીભગત આંખે વળગે તેમ છે. રાજકોટની એક પણ ફુટપાથ નાગરીકોને ચાલવા માટે ઉપલબ્ધ નથી. આ ફુટપાથ પર કોર્પોરેશન તથા પોલીસની મીલી ભગતથી રેકડી-કેબીન તથા અન્ય વેપારી દ્વારા દબાણ કરવામાં આવેલ છે. જે દુર કરવામાં આવે તો ઓટોમેટીક ટ્રાફીક સમસ્યા દુર થાય છે. ખાસ કરીને ૧પ૦ ફુટ રીંગ રોડ પર બે-રોકટોક દબાણ થયેલ છે. જેથી ૧પ૦ ફુટ રોડ ૬૦ ફુટ વાહન માટે ૪૦ ફુટ બીઆરટીએસ રોડ માટે અને પ૦ ફુટ દબાણ માટે આપવામાં આવેલ છે.

વોંકળા / ગટરમાં  કચરા અને ગંદા પાણીના ગંજ છે જેના લીધે પ્રજાજનોનું આરોગ્ય જોખમાય છે. આ અંગેનો તાજો પુરાવો એસ્ટ્રોન પાસેનું રેલ્વે ફાટકથી જાગનાથ પાર્કીગ ઝોન સુધી તૈયાર કરવામાં આવેલ વોંકળા પરનો સાયકલ ટ્રેક અને વોકીંગ ટ્રેક છે. આ જગ્યાનો વોકળો આજે પણ ગંદા પાણીથી ખદબદે છે. આ જગ્યાએ ખાણી-પીણીવાળાના બેફામ દબાણ છે જે કોર્પોરેશનને દેખાતા નથી.

ફુટપાથ અને સર્કલો બનાવી તોડી નવા સર્કલો બનાવે છે તથા ફુટપાથી અને ડીવાઇડરો તોડી નવી ફુટપાથ અને ડીવાઇડરો બનાવવામાં આવેલ છ. આ નર્યો ભષ્ટ્રાચાર નગરજનોની આંખમાં ખુપે છે તેવો આક્ષેપ ઘનશ્યામસિંહે નિવેદનના અંતે કર્યો છે.

(4:44 pm IST)