Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

૨૦૦૪થી ભાડેથી રાખેલી દૂકાનના તાળા તોડી મયુર સિંધવે કબ્જો જમાવ્યોઃ ફરિયાદના ૬૦ દિ' પછી પણ કોઇ પગલા નહિ!

દૂકાનના રાતોરાત બોર્ડ ઉતરી ગયા, કલર બદલી ગયો, લાખોનો સામાન ચોરાઇ ગયો! : યાજ્ઞિક રોડ કુબેર કોમ્પલેક્ષમાં આઇડિયાની ફ્રેન્ચાઇઝી ધરાવતાંવણિક વૃધ્ધ હરેન્દ્રભાઇ કામદારની ન્યાય માટે અરજઃ દૂકાન માલિક પંકજ શાહે પોતાને દૂકાન વેંચી દીધાનું કહી મયુર સિંધવે પતાવી દેવાની ધમકી પણ દીધી

૨૦૦૪થી દૂકાનનો કબ્જો હરેન્દ્રભાઇ પાસે છે, એટલે તેઓ ભાડૂઆત છે. તેમાં કામ કરતાં તેમના પુત્ર અને અંદરનો સરસામાન તસ્વીરોમાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: નહેરૂનગર પાછળ નિરંજની સોસાયટી-૯માં રહેતાં વણિક વૃધ્ધ હરેન્દ્રભાઇ મનસુખલાલા કામદાર (ઉ.૬૯)એ ગત તા. ૨૩/૧૨ના રોજ એ-ડિવીઝન પોલીસ મથકમાં મયુર હીરાભાઇ સિંધવ (ભરવાડ) અને પંકજ નટવરલાલ શાહ વિરૂધ્ધ તેમની ભાડાની દૂકાનના તાળા તોડી કબ્જો જમાવી લઇ ધમકી આપવા સબબની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે સાઇઠ દિવસ બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી નહિ થયાનો આક્રોશ વ્યકત કરી વધુ એક રજૂઆત કરી છે.

હરેન્દ્રભાઇએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મેં ૨૦૦૪માં યાજ્ઞિક રોડ કુબેર કોમ્પલેક્ષમાં અપર લેવામાં આવેલી ત્રણ દૂકાનો પંકજભાઇ શાહ અને તેમના પત્નિ શ્રીમતિ ઇલાબેન શાહ પાસથી ભાડેથી રાખી છે. આ દૂકાનને લગતા તમામ ખર્ચ જેમ કે લાઇટ બીલ, ફોન બીલ, કોર્પોરેશનનો વેોર વગરે ૨૦૦૪થી ગયા મહિના સુધી અમે ભર્યો છે. અત્યાર સુધી બધુ બરાબર ચાલતુ હતું. પણ ૧૬/૧૧/૧૭ના રોજ મયુર સિંધવ અને તેના સાગ્રીતોએ અમારી દૂકાને આવી હાજર માણસો સાથે ગેરવર્તન શરૂ કરીદીધુ હતું. તેણી કર્મચારીએ મારા પુત્ર દેવેનને ફોન કરી દૂકાને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે આપણી દૂકાનમાં ગુંડા લોકો ઘુસી ગાળાગાળી કરી દૂકાન ખાલી કરવાની ધમકી આપી છે.

આથી મારા પુત્રએ તાકીદે દૂકાને પહોંચી ૧૦૦ નંબરમાં પોલીસને જાણ કરી હતી. પોલીસે મયુર સહિતનાને બહાર કાઢ્યા હતાં. પણ મયુરે પોલીસની હાજરીમાં  પણ દૂકાન ખાલી કરી નાંખજો, મેં ખરીદી લીધી છે તેમ કહી જોહુકમી કરી હતી. એ પછી એ-ડિવીઝનમાં અમે ફરિયાદ નોંધાવવા ગયા હતાં. તેના એક મહિના પછી એટલે કે ૧૬/૧૨/૧૭ના રોજ શનિવારે મારો પુત્ર દેવેન દુકાન બંધ કરી ઘરે આવ્યો હતો. રવિવારે રજા હતી. ૧૮મીએ સોમવારે દૂકાને જતાં અમારા આઇડિયાની ફ્રેન્ચાઇઝીના બોર્ડ ઉતરી ગયા હતાં, તાળા બદલી ગયા હતાં, કલર ફરી ગયો હતો. આજુબાજુમાં તપાસ કરતાં જાણવા મળેલ કે મયુર સિંધવ અને સાગ્રીતોએ તાળા તોડી અમારી દૂકાનમાં કબ્જો જમાવ્યો છે. અમારી દૂકાનમાંથી બધો સામાન પણ ગાયબ હતો. મયુર અને ત્રણેક શખ્સો ત્યાં ખુણામાં બેઠેલા જોવા મળતાં તેને પુછતાં તેણે હવે દૂકાન સામે જોતા નહિ, હવેથી આ દૂકાન મયુર સિંધવની છે. પંકજ શાહે આ દૂકાન મને વેંચી દીધી છે. હવે દૂકાન સામે જોતાં નહિ, નહિતર તમારું કામ તમામ કરતાં વાર નહિ લાગે. આના કારણે અમે ખુબ ડરી ગયા હતાં. અમે મયુરને સમજાવેલ કે અમે દૂકાન પંકજ શાહ પાસેથી ભાડેથી રાખી છે. પણ તે સમજ્યો નહોતો અને હવે માલિક ફરી ગયા છે તેમ કહી ગાળો દઇ ધમકી આપી હતી.

આ પછી અમે પોલીસ કાર્યવાહી અને કોર્ટ કાર્યવાહી કરી હતી. જેથી મયુરએ હાઇકોર્ટમાં જઇ પોલીસ કાર્યવાહી સામે મનાઇ હુકમ માંગેલ. પણ હાઇકોર્ટએ તેની અરજી નામંજુર કરી હતી અને પોલીસને કડક તપાસની સુચના આપી હતી. હાઇકોર્ટના આદેશ પછી પોલીસે પંચનામુ કરતાં અમારી દૂકાનનો કિંમતી સામાન જે ૨૦૦૪થી અંદર હતો તે હિસાબી સાહિત્ય, ૭ ટેબલ, ૩૦ ખુરશી, ૬ કોમ્પ્યુટર સિસ્ટમ, તિજોરી, ટીવી, સીસીટીવી કેમેરા, રેકોર્ડર, ચા બનાવવાનું મશીન, રોકડ, ચેકબૂક, પેઢીના રબ્બર સ્ટેમ્પ, ઓરજિનીલ રજી. સર્ટિફિકેટ, ધંધાને લગતો તમામ સામાન ગાયબ હતાં. આ સામાન મયુર સિંધવ અને તેના માણસો ચોરી ગયાની ખબર પડી હતી. એ-ડિવીઝન પોલીસે એફઆઇઆર નોંધી હતી. જેમાં દૂકાન માલિક પંકજ શાહનું પણ અમે આરોપી તરીકે નામ આપ્યું છે.

હરેન્દ્રભાઇએ અંતમાં જણાવ્યું છે કે અમે ફરિયાદ કરી તેને ૬૦ દિવસ વીતી ગયા છતાં અમારો સામાન અમને મળ્યો નથી. કોઇ પણ કારણોસર આરોપી સામે પગલા લેવાયા નથી. અમારી જગ્યાનો અમને કબ્જો મળ્યો નથી. મયુર હવે એમ કહે છે કે તે પોતે આ દૂકાનનો માલિક છે. પરંતુ અમને પુરાવા સાથે જાણવા મળેલ છે કે દૂકાના માલિક પંકજ શાહ અને તેના પત્નિ તથા ત્રિવેણી બિલ્ડકોન છે. શહેર પોલીસ આ બાબતે તાકીદે ન્યાય અપાવી તેવી મારી અરજ છે.

(4:41 pm IST)