Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

નવાગામમાં આઠ વાહનોમાં તોડફોડ કરનાર સદામ, શબ્બીર, ગોકુળની ધરપકડ

બી. ડીવીઝન પોલીસે ત્રણેયને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચ્યાઃ ચેતન અને તૈફીકના નામ ખુલ્યા

રાજકોટ તા. ૧૯ :.. કુવાડવા રોડ નવાગામ આવાસ યોજના કવાર્ટરમાં પાંચ દિવસ પહેલા બેકાર સહિત આઠ જેટલા વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવનાર ત્રણ શખ્સોને બી. ડીવીઝન પોલીસે પકડી લીધા હતાં. જયારે બે શખ્સોના નામ ખુલતા તેની શોધખોળ આદરી છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામે આવેલા નવાગામના આવાસ યોજનાના કવાર્ટરમાં ગત તા. ૧૪ ની મોડી રાત્રે કવાર્ટરમાં એક રીક્ષામાં ૧પ જેટલા શખ્સો ઘસી આવ્યા હતા અને આ શખ્સોએ ધોકા, તલવાર જેવા હથિયારો સાથે કવાર્ટરમાં ઘસી આવી રહેવાસીઓને ગાળો આપી હતી અને કવાર્ટર પાસે પાક કરેલા વાહનોમાં બેકાર, એક રીક્ષા અને પાંચ જેટલા બાઇકમાં ધોકા ફટકારી તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. આ બનાવ અંગે રહેવાસીઓએ બી. ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે લુખ્ખા શખ્સો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી તપાસ આદરી હતી. દરમ્યાન બી. ડીવીઝન પોલીસ મથકના પી. આઇ. આર. એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફનાં પીએસઆઇ એચ. જી. ગોહીલ, એએસઆઇ, એમ. ડી. ગોસ્વામી, હેડ કોન્સ. વિરમભાઇ ધગલ, મહેશભાઇ મંઢ, દેવેન્દ્રસિંહ, અજીતભાઇ લોખીલ તથા મહેશભાઇ ચાવડા સહિતની અલગ - અલગ ટીમો બનાવી હતી. અને બનાવની આજુ બાજુ વિસ્તારમાં તેમજ પોલીસ કંટ્રોલ રૂમના સીસી ટીવી કેમેરાના ફુટેજના આધારે પણ તપાસ શરૂ કરી હતી. દરમ્યાન કોન્સ્ટેબલ નિશાંતભાઇ, મહેશભાઇ મંઢ અને અજીતભાઇ લોખીલને મળેલી બાતમીના આધારે ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી મનહર પ્લોટ શેરી નં. ૧ માં રહેતો સદામ કયુમભાઇ દેસાણી (ઉ.ર૧), કાલાવડ રોડ આવાસ કવાર્ટર નં. ૧૧૦૪ નો શબ્બીર હુસેનભાઇ સુમરા (ઉ.રપ) અને મનહર પ્લોટ શેરી નં. ૧ નો ગોકુલ શંકરભાઇ વાઘેલા (ઉ.ર૦) ને પકડી લીધા હતાં. પોલીસે ત્રણેયની પુછપરછ કરતા સદામના પિતા ઉપર કેઇએ છરી વડે હુમલો કર્યો હતો. તે શખ્સને ગોતવા માટે આવ્યા હતાં. પરંતુ તે ત્યાં ન મળતા તે બાબતનો ખાર રાખી તોડફોડ કર્યાનું જણાવ્યું હતું. આ પ્રકરણમાં વધુ બે શખ્સો ચેતન અને તૌફીકના નામ ખુલતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

(4:40 pm IST)