Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

બસમાં મુસાફરોને ઘેની પીણું પીવડાવી બેભાન કરી દાગીના ચોરતો ગઠીયો સકંજામાં: અનેક ગુના ખુલશે

દસેક વર્ષ પહેલા એ-ડિવીઝન પોલીસે પકડ્યો ત્યારે ૧૫ જેટલા ગુના ખુલ્યા'તાઃ સજા પણ પડી'તી : જાગનાથના છાત્રને કેફી દ્રવ્યવાળુ કોલ્ડ્રીંકસ પાઇ રૂ. ૬૨ હજારના દાગીના ઉતારી લીધાનો ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૯: બસમાં મુસાફરો સાથે બેસી વાતચીત દરમિયાન દોસ્તી કેળવી લઇ વચ્ચેના કોઇપણ સ્ટેશન પર બસ હોલ્ટ થાય ત્યારે મુસાફરને ઘેની પદાર્થ ભેળવેલુ કોલ્ડ્રીંકસ પીવડાવી બાદમાં તેની પાસેના રોકડ, દાગીના ચોરી લેતો એક ગઠીયો દસેક વર્ષ પહેલા રાજકોટમાં ઝડપાયો હતો ત્યારે આવા પંદરેક ગુના કબુલ્યા હતાં. એ ગુનામાં તેને સજા પણ પડી હતી.  આ શખ્સ ફરીથી મેદાને આવ્યો છે. જાગનાથ પ્લોટમાં રહેતાં એક છાત્રને રાજકોટથી આણંદ સુધીની સફરમાં ભેટી ગયેલા આ શખ્સે રસ્તામાં કેફી કોલ્ડ્રીંકસ પાઇ દઇ બેભાન કરી રૂ. ૬૨ હજારના દાગીના ચોરી લીધા હતાં. આ શખ્સ શહેર પોલીસના સકંજામાં આવી જતાં પુછતાછ શરૂ થઇ છે. અનેક ગુનાના ભેદ ખુલવાની પોલીસને આશા છે.

આ પૈકીનો એક ગુનો કુવાડવા રોડ પોલીસ મથકમાં દાખલ થયો છે. જાગનાથ પ્લોટમાં સિમંધર એપાર્ટમેન્ટમાં રહેતાં અને મેટોડામાં ડીઝલ એન્જિન તથા ઓટો પાર્ટસનું કારખાનુ ધરાવતાં વિમલભાઇ નટુભાઇ શેઠ (ઉ.૫૦)એ કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ કરી છે. તેમનો પુત્ર અભિષેક (ઉ.૧૭) ૨૧મી ડિસેમ્બરે બસમાં મુસાફરી કરતો હતો ત્યારે કુવાડવા રોડ પર ન્યુ ઇન્ડિયા પેલેસ હોટેલ પાસે બસ હોલ્ટ થઇ હતી. આ વખતે સાથેના મુસાફરે તેને કોલ્ડ્રીંકસમાં કોઇ ઘેની પદાર્થ ભેળવીને પીવડાવી દીધુ હતું. બસમાં વાતચીત કરી તેણે મિત્રતા કેળવી હોઇ અભિષેક એ ગઠીયાના કાવત્રાથી અજાણ હતો. તે ભાનમાં આવ્યો ત્યારે તેણે પહેરેલી ૩૦ હજારની સોનાની વીંટી, પેન્ડન્ટ સહિતનો ૩૨ હજારનો ચેઇન ગાયબ હતાં. આણંદ પહોંચી ગૃહપતિને જાણ કર્યા બાદ પિતાને જાણ કરી હતી.

દરમિયાન ગઠીયો રાજકોટ પોલીસના હાથમાં આવી જતાં ઉપરોકત ગુના સહિત અનેક ગુનાનો ભેદ ઉકેલાવાની આશા  છે.

સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ એ જ શખ્સ છે જેણે અગાઉ એટલે કે દસેક વર્ષ પહેલા રાજકોટ એ-ડિવીઝન પોલીસ મથકના ચમનશા શાહમદાર સહિતની ટીમે આવા જ ગુનાઓમાં પકડ્યો હતો. તે વખતે લગભગ પંદર-સતર જેટલા ગુના ખુલ્યા હતાં. આ શખ્સ મુળ સુરતનો હતો અને જુદા-જુદા શહેરોમાં ફરતો રહેતો હતો. હાલમાં તે ગોંડલ રહેતો હોવાનું કહેવાય છે. એ ગુનામાં આ શખ્સને સજા પણ પડી હતી. તે પોતાની સામેના કેસમાં વકિલ રાખવાને બદલે જાતે જ કેસ લડતો હતો!

(4:24 pm IST)