Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

નાના મવા રોડ દિપવન પાર્કમાં ધવલભાઇ ગોહેલના ઘરમાં રૂ. ૧.૯૧ લાખની ચોરી

દરજી પરિવારજનો શનિવારે ઘરને તાળા લગાવી ભાવનગર લગ્નમાં ગયા ને ઘરે ચોર મહેમાન બન્યા

જ્યાં ચોરી થઇ તે મકાન અને વેર વિખેર ચિજવસ્તુઓ તથા ફોરેન્સિક નિષ્ણાંતને સાથે રાખી તપાસ કરી રહેલા પોલીસ અધિકારી જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૯: તસ્કરોએ વધુ એક મકાનમાં પગલા પાડ્યા છે. નાના મવા મેઇન રોડ પર ગાંધી સ્કૂલ પાછળ આવેલા દિપવન પાર્ક-૧માં રહેતાં ધવલભાઇ ધીરજલાલ ગોહેલ (ઉ.૩૬) નામના દરજી યુવાનના મકાનમાંથી તસ્કરો રૂ. ૧,૯૧,૫૦૦ની મત્તા ચોરી ગયા છે.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ. ટી. રબારી સહિતે પહોંચી ફરિયાદ નોંધી હતી. ધવલભાઇએ જણાવ્યા મુજબ પોતે પરિવારજનો સાથે ૧૭/૨ના રોજ સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરને તાળા લગાવી ભાવનગર લગ્ન પ્રસંગમાં ગયા હોઇ ઘર રેઢુ હતું. ગઇકાલે બપોરે તેને ઘરમાં ચોરી થયાની જાણ થતાં રાત્રે રાજકોટ પરત આવ્યા હતાં.

તસ્કરો મુખ્ય દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશી કબાટના દરવાજાના તાળા તોડી અંદરથી સોનાના દાગીના, રોકડા, લેપટોપ તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. ૧,૯૧,૦૦૦ની મત્તા ચોરી ગયાનું ધવલભાઇએ જણાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(4:23 pm IST)