Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

૨૨મીએ સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ લોન મેળો

સફાઇ કોન્ટ્રાકટ એજન્સીઓને સેફટીટેન્ક સફાઇ સહિતની કામગીરી માટે આધુનિક મશીનરી ખરીદવા સબસીડી અને ઓછા વ્યાજની લોન ફાળવાશે : મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્રદર્શન અને લોન મેળાનું આયોજન

રાજકોટ તા. ૨૦ : ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૧૯ નવેમ્બર-૨૦૨૦ થી સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ-૨૦૨૧ શરૂ કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજકોટ ખાતે National Safai Karmcharis Finance & Development Corporation (NSKFDC) દ્વારા Swachhta Udyami Yojana (SUY) અંતર્ગત એક લોન મેળાનું આયોજન તા. ૨૨-૦૧-૨૦૨૧ ના રોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે સવારે ૧૦ કલાકે કરવામાં આવેલ છે.

આ ચેલેન્જનો મુખ્ય ઉદેશ ડ્રેનેજ લાઈન અને સેપ્ટીક ટેન્કની સફાઈ સાથે સંકળાયેલ સફાઈ કામદારની અમુલ્ય જીંદગી બચાવવાનો છે અને મુખ્ય ધ્યેય ડ્રેનેજ લાઈન અને સેપ્ટીક ટેન્ક સફાઈ, મેન્યુઅલને બદલે સંપૂર્ણપણે મશીન દ્વારા કરાવવાનો રાખવામાં આવેલ છે. આ ચેલેન્જમા દેશના જુદા જૂદા રાજયોના મુખ્ય શહેરો ભાગ લઇ રહેલ છે. ગુજરાત રાજયમાંથી મહાનગરપાલિકાઓ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, ભાવનગર અને દાહોદ નગરપાલિકા મળી કુલ ૯(નવ) શહેર ભાગ લઇ રહેલ છે.

આ ચેલેન્જ અંતર્ગત ડ્રેનેજ સફાઈ તથા સેપ્ટીક ટેન્ક સફાઈ સાથે સંકળાયેલ સફાઈ કામદારો તથા એજન્સીઓને સફાઈ માટે મશીનરી - વાહન ખરીદવા લોન માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે. નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ અને ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSKFDC) ન્યુ દિલ્હી (ભારત સરકાર) ના સહયોગથી આ લોન મેળામાં સ્વચ્છતા ઉધ્યમી યોજના (SUY) સ્કીમ અંતર્ગત સફાઈ મશીનરી માટે, સબસીડી અને ઓછા વ્યાજે મહત્તમ ૧૦ વર્ષના સમયગાળા માટે લોન અંગે આ મેળામાં વિગતવાર જણાવવામાં આવશે.

આ મેળામાં સફાઈને લગત મશીનરી અને સેફટીને લગત સાધનો મેન્યુફેકચર કંપની દ્વારા પ્રદર્શિત થનાર છે. આ લોન મેળામાં રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત જામનગર, જુનાગઢ, ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને ડ્રેનેજ - સેપ્ટીક ટેન્કની સફાઈ સાથે સંકળાયેલ સફાઈ કામદારો અને એજન્સીઓ પણ હાજર રહેનાર છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજ - સેપ્ટીક ટેન્કની સફાઈ સાથે સંકળાયેલ સફાઈ કામદારો અને એજન્સીઓ વિગેરેને લાભ લેવા હાજર રહેવા આથી જણાવવામાં આવે છે.

(3:53 pm IST)