Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કાલે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે નવા એરપોર્ટ પોલીસ સ્ટેશનનો શુભારંભઃ ફૂટબોલ ગ્રાઉન્ડ, આત્મનિર્ભર નારી સ્ટુડિયો, બાળ ક્રિડાંગણ અને મીની ફોરેસ્ટના લોકાર્પણ

રિક્રીએશન ગાર્ડન, ડ્રીલ નર્સરીનું લોકાર્પણઃ પોલીસ સ્ટેશન-કચેરીઓના સોલાર રૂફટોપ, રામનાથપરા કોમ્યુનિટી હોલ, નવી પોલીસ ચોકીઓના ખાતમુહુર્ત સહિત ભરચક્ક કાર્યક્રમો : ઓલ વુમન બાઇક રેલી પ્રસ્થાન, મહાકવચ એપ્લીકેશન અને અનલોક-૭ની બૂકલેટ તથા એકસીડેન્ટ એનાલિસીસ-ટ્રાફિક જાહેરનામની બૂકલેટના વિમોચન થશે : ૨૦૨૦માં રાજકોટમાં ગૂમ થયેલા ૨ કરોડ ૪૭ લાખના ૧૭૦૨ જેટલા મોબાઇલ ફોન સાયબર પોલીસે પરત મેળવ્યાઃ મુળ માલિકોને ફોન પરત આપવામાં આવશે : ફૂટબોલ ગ્રાઉન્ડના પણ લોકાર્પણ સાથે જ્યોતિ સીએનસીના સહકારથી યોજાયેલી ફૂટબોલ ટુનામેન્ટનો પ્રારંભ કરાવશે વિજયભાઇ રૂપાણીઃરાજ્યની ૨૪ ટીમો લઇ રહી છે ભાગ

આવતી કાલે જેનું લોકાર્પણ થવાનું અને ખાતમુહુર્ત થવાની છે તે પૈકીની અમુક સુવિધાઓની ઝલક અને માહિતી આપી રહેલા ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા તથા પીઆઇ વી. કે. ગઢવી (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૦: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતી કાલે રાજકોટ ખાતે અનેક સુવિધાઓના લોકાપર્ણ કરવાના છે. જેમાં શહેર પોલીસ પરિવાર તેમજ લોકોને સુવિધા આપતી અલગ-અલગ યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહુર્તના પણ ભરચક્ક કાર્યક્રમોનો સમાવેશ થાય છે.  હિરાસર ખાતે એરપોર્ટ પોલીસ સ્ટેશનનો શુભારંભ શ્રી રૂપાણી કરાવશે. આ ઉપરાંત આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલિમ કેન્દ્ર, નવુ ફૂટબોલ ગ્રાઉન્ડ, રિક્રિએશન ગાર્ડન, બાળ ક્રિડાંગણ, મીયાવાકી મિની ફોરેસ્ટના લોકાર્પણ થશે. ફૂટબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવા સાથે ફૂટબોલ ટુર્નામેન્ટ પણ તેઓ ખુલી મુકશે.  સાથોસાથ પોલીસ લાઇન, પોલીસ સ્ટેશન, કચેરીઓ ખાતેના સોલાર રૂફટોપ, પોલીસ ચોકીઓ, રામનાથપરા પોલીસ લાઇન કોમ્યુનિટી હોલના ખાતમુર્હુત થશે. તેમજ વુમન બાઇક રેલી, મહાકવચ એપ્લીકેશન અનાવરણ, બૂકલેટ વિમોચન અને ગૂમ થયેલા હજારો મોબાઇલ ફોન જે તે માલિકોને પરત આપવા સહિતના કાર્યક્રમો મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાના છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદના સતત પ્રયાસોથી પ્રાપ્ત થયેલી નવી સુવિધાઓ અંગે ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીએ હેડકવાર્ટર ખાતે વિગતો આપી હતી.

તેમણે જણાવ્યુંહ તું કે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેર પોલીસ પરિવારના વિકાસ તથા તેઓની સગવડતા માટે પોલીસ હેડકવાટર્સ ખાતે નવી સુવીધાઓ તેમજ રમત ગમતને પ્રોત્સાહન મળે તે માટે સ્પધાનુંઆયોજન કરવામા આવેલ છે તેમજ હાલના ગ્લોબલ વોર્મીગ સમયે પર્યાવરણની કાળજી રાખવા માટે મીયાવાકી પધ્ધતીથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામા આવેલ છે.

આત્મ નીર્ભર નારી સ્ટુડીયો અને તાલીમ કેન્દ્ર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી  દ્વારા લોકડાઉન બાદ દેશના અર્થતંત્રને વેગ આપવા માટે 'આત્મ નીર્ભર ભારત'નુ સુત્ર અપાયું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મહિલા સુરક્ષા તેમજ મહિલા આત્મ નીર્ભર બને તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ  પરિવારના બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી આત્મનિર્ભર નારી સ્ટુડીયો તથા તાલીમ કેન્દ્ર પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ લાખાણી હોલ ખાતે આધુનિક સુવિધાઓ સાથે કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં પોલીસ પરિવારના ૧૦ બહેનો દ્વારા સદરહુ સ્ટુડીયોનુ સંચાલન કરવામાં આવે છે. પોલીસ પરિવારોના તમામ બહેનોર્ન નિઃશુલ્ક બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવે છે. સ્ટુડિયોનું લોકાપર્ણ મુખ્યમંત્રીશ્રી કરશે.

રીક્રીએશન ગાર્ડન

પોલીસ પરિવારના સભ્યોના મનોરંજન હેતુથી પોલીસ હેડ કવાર્ટર ખાતે ગાર્ડન બનાવવામાં આવેલ છે. જેમાં વોકીંગ ટ્રેક, બેઠક વ્યવસ્થા સહિતની સુવીધાઓથી સજ્જ આ ગાર્ડનનો ૭૦૦ જેટલા પોલીસ પરિવારના મહિલા તથા બાળકો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકશે. તેનું પણ લોકાર્પણ કાલે થશે.

ચીલ્ડ્રન પ્લે એરીયા

પોલીસ પરિવારના બાળકોના મનોરંજનના હેતુથી ચીલ્ડ્રન પ્લે એરીયા (બાલ ક્રીડાંગણ) બનાવવામાં આવેલ છે જેમાં બાળકોને મનોરંજન મળી રહે અને મુકત વાતાવરણમાં રમી શકે તે હેતુથી  હીચકા, લસરપટ્ટી, ચકરડી, વોલ કલાઇબીંગ, રોપ કલાઇબીંગ સહીત તમામ સાધનો મુકવામાં આવેલ છે, તેનું પણ લોકાર્પણ થશે.

જે ઉપરોકત રીક્રીએશન ગાર્ડન તથા ચીલ્ડ્રન પ્લે અરેીયા હાલ જે જગ્યાપર છે તે જગ્યાપર અગાઉ મુદામાલના વાહનોના ગંજ ખડકાયેલ હતા અને ડમ્પયાર્ડ જેવો વિસ્તાર બની ગયેલ હતો, એ જગ્યાને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદના અથાક પ્રયાસથી બેસ્ટ બનાવવામા આવેલ છે.

મીયાવાકી મીની ફોરેસ્ટ

હાલમા સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મીગની પરિસ્થીતી  છે. પ્રદુષણ ફેલાતુ અટકાવવા શહેર પોલીસ હેડ કવાટર્સ ખાતે વિશ્વ વીખ્યાત જાપાની વનસ્પતિ શાસ્ત્રી એવા અકીરા મીયાવાકીની પધ્ધતીથી વૃક્ષારોપણ કરી મીની ફોરેસ્ટ બનાવવામાં આવનાર છે, જેની મુખ્યમંત્રી મુલાકાત લઇ વૃક્ષારોપણ કરી શુભારંભ કરાવશે. જેમા પોલીસ હેડ કવાટર્સ ખાતે ૬૦*૯૦ ફુટમા કુલ ૩૦૦ થી વધુ અલગ અલગ દેશી જાતના વૃક્ષોનું સદભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી વાવેતર કરવામા આવશે.

ફૂટબોલ ગ્રાઉન્ડ

ગુજરાત સરકાર દ્વારા રમત ગમતને પ્રોત્સાહન મળે તેમજ ઉભરતા ખેલાડીઓને યોગ્ય તક સાથે તાલીમ-સુવીધાઓ મળી રહે તેમજ રાષ્ટ્રીય તથા આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે તેવા શુભ હેતુથી દર વર્ષે ખેલમહા કુંભનું આયોજન કરવામા આવે છે. શહેર પોલીસ અધિકારી/ જવાનો તથા પરિવારના બાળકોના ઉત્કર્ષ હેતુથી પોલીસ હેડ કવાર્ટર ખાતે ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે. જેમાં ડી.જી.પી. કપની પ્રેકટીસ, પોલો રાજકોટ ઓપન સ્ટેડીયમ, સ્કૂલ / કોલેજ લેવલે પુર્વ તૈયારી તથા બાળકોને ફૂટબોલ ગેમ્સમાં કારર્કીદીમાં લાભ થાય તે હેતુથી ફૂટબોલ કલબ ચલાવવામાં આવે છે. જેમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા નેશનલ ગેમ્સ કવોલીફાઇડ પોલીસ કર્મચારીઓ દ્વારા જ તાલીમ આપવામાં આવે છે.

આ ફૂટબોલ ગ્રાઉન્ડની મુખ્યમંત્રીશ્રી  મુલાકાત લઇ લોકાર્પણ કરશે. તેમજ  જ્યોતિ સીએનસી અને શહેર પોલીસ આયોજીત ફૂટબોલ ટુર્નામેન્ટનો પણ તેઓ પ્રારંભ કરાવશે. નોંધનીય છે કે પોલીસ હેડ કવાટર્સ ખાતે છેલ્લા બે વર્ષમા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ દ્વારા અંગત રસ લઇને બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, કબ્બડીનુ મેદાન, ટેબલ ટેનીસ, હેન્ડબોલ વિગેરે રમતોના મેદાનો બનાવવામા આવેલ છે તેમજ ક્રીકેટ ગ્રાઉન્ડની પણ યોગ્ય જાળવણી કરાવવામાં આવી છે.

ડ્રીલ નર્સરી

પોલીસ અધિકારી/ કર્મચારીઓના આઉટ ડોર તાલીમના હેતુથી તથા નવનિયુકત હોમગાર્ડ, જી.આર.ડી., ટી.આર.બી., એસ.પી.સી. વિગેરેને સારી તાલીમ આપી શકાય તે હેતુથી પી.જી.વી.સી.એલ ના સૌજન્યથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ડ્રીલ નર્સરી બનાવવામાં આવેલ છે. જેમાં પાયાની તાલીમ લઇ રહેલ ૧૧૫ લોકરક્ષકો તથા ૨૦૦ ટી.આર.બી. જવાનો તત્કાલ લાભ લઇ શકે છે. ઉપરાંત સેરેમોનીયલ તથા પી.ટી. પરેડમાં ડ્રીલનુ ધોરણ સુધારવા સારૂ પણ આ નર્સરીનો ઉપયોગ કરવામાં આવશે. જે ડ્રીલ નર્સરી ગુજરાતમા ફકત કરાઇ એકેડેમી તથા ગોધરા ખાતે હતી અને બાદ ગુજરાતમા ત્રીજા ક્રમે રાજકોટ ખાતે બનાવવામા આવેલ છે જે અગાઉની બન્ને નર્સરી કરતા પણ અત્યાધ્યુનીક રીતે બનાવવામા આવેલ છે. આ નર્સરીનુ પણ મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે.

 સોલાર રૂફટોપના ખાતમુહુર્ત

પ્રધાનમંત્રી શ્રી તથા  મુખ્યમંત્રી શ્રીના ગ્રીન એનર્જીના ઉદેશને સાકાર કરવા  રાજકોટ શહેર ખાતે પોલીસ હેડ કવાર્ટર તથા અન્ય સરકારી કચેરીઓના ધાબા પર સોલાર પેનલ દ્વારા ગો-ગ્રીનના હેતુથી રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધુ થાય તે હેતુથી સોલાર પેનલ ફીટ કરવામાં આવેલ, જેમાં રાજકોટ શહેર તથા અન્ય કચેરીઓમાં વીજવપરાશમાં વપરાતી વીજળી સોલાર પ્લાન્ટથી ઉત્પાદીત કરવામાં આવશે અને વાર્ષિક અંદાજીત ૭૦ લાખ રૂપીયાની બચત સરકારને કરવામાં આવશે. જેનો શુભારંભ મુખ્યમંત્રી કરાવશે.

કોમ્યુનીટી હોલનું ખાત મુહુર્ત

રામનાથ પરા પોલીસ લાઇન ખાતે આવેલ બ્રીટીશ કાલીન જુની જેલનુ રીનોવેશન કરી હેરીટેઝ ટુરીઝમ બનાવાશે. તેની બાજુમાં પોલીસ પરિવારના લાભાર્થે આશરે ૧ કરોડના ખર્ચે અત્યાધુનિક કોમ્યુનીટી હોલ બનાવવાનુ આયોજન છે. તેનું ખાતમુહુર્ત પણ શ્રી રૂપાણી કાલે કરશે. 

નવી પોલીસ ચોકી

શહેરમાં ચાર નવી એરપોર્ટ પોલીસ ચોકી, પંચાયત પોલીસ ચોકી, રેલનગર પોલીસ ચોકી, બજરંગવાડી પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે અને બે જુની ચોકી નાગરીક બેંક પોલીસ ચોકી, ગોંડલ રોડ પોલીસ ચોકીનું નવીનીકરણ કરવામાં આવનાર છે. જેનો અંદાજીત ખર્ચ ૨૫, લાખ છે. આ ચોકીઓનું પણ ખાતમુહુર્ત થશે.

નવા એરપોર્ટ પોલીસ સ્ટેશનનો પ્રારંભ

હીરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે રાજકોટ થી ૨૭ કી.મી.ના અંતરે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર કાર્યરત થવાનુ હોઇ જેથી આ એરપોર્ટ તથા આજુબાજુના વિસ્તારના કૂલ ૧૮ ગામડાઓને સમાવિષ્ટ કરી  નવુ એરપોર્ટ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામા આવનાર છે. એરપોર્ટની આજુબાજુના ગામોના વિકાસ સાથે તેની સુરક્ષા પણ જળવાઇ રહે તે માટે તેમજ એરપોર્ટ પર આવનાર પ્રવાસીઓની કોઇ પણ મુશ્કેલીમાં ત્વરીત પોલીસ સહાય મળી રહે તે માટે આ પોલીસ સ્ટેશન અત્યંત જરૂરી છે. મુખ્યમંત્રીશ્રી રૂપાણી આ નવા પોલીસ સ્ટેશનનો કાલે શુભારંભ કરાવશે.

ફુટબોલ ટુનાર્મેન્ટનો પ્રારંભઃ ઇન્ટરનેશનલ

કોચ તરૂણ રોયની હાજરી

રાજકોટ શહેર પોલીસ અને જ્યોતિ સી.એન.સી. તથા સુરક્ષા સેતુ અંતગત '૯મી ઓપન ગુજરાત રાજકોટ શહેર પોલીસ અને જયોતી સી.એન.સી. ચેલેન્જ કપ - ૨૦૨૧' ફુટબોલ ટુર્નામેન્ટનું  તા.૨૧/ થી ૨૮મી સુધી આયોજન કરવામા આવેલ છે. આ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ મહાનગરપાલીકા, રાજકોટ ડીસ્ટ્રીકટ ફૂટબોલ એસોશીએશન અને વાય.સી.સી. ના સહકારથી થયું છે. જેમાં ગુજરાતની ૨૪ નામાંકીત ટીમો ભાગ લેનાર છે. આ ટુર્નામેન્ટનુ ઓપનીંગ મુખ્યમંત્રીશ્રી દ્વારા પોલીસ હેડ કવાટર્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવશે.

 પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા તેમજ ભુતપુર્વ કેપ્ટન ઇન્ડીયન વુમન ફૂટબોલ ટીમ અને ભુતપુર્વ નેશનલ કોચ ટ્રીપલ નેશનાલીસ્ટ ચેમ્પીયન હાલમા સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના ઇન્ટરનેશનલ કોચ શ્રી તરૂણ રોય પણ આ હાજર રહેશે. કોરોના મહામારીના કારણે આ ટુર્નામેન્ટમાં દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે નહિ.  વીજેતા ટીમને પ્રોત્સાહન રૂપે રૂ.૫૧,૦૦૦ રોકડ ઇનામ તથા રનર્સઅપ ટીમને રૂ. ૩૫,૦૦૦ અપાશે.

ઓલ વુમન બાઇક રેલી

ટ્રાફિક સલામતી માસના ઉજવણી ભાગરૂપે લોકોમાં ટ્રાફિક અંગેની જાગૃતી આવે તે માટે ઓલ વુમન બાઇક રેલીનું ફલેગ ઓફ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે.

મહાકવચ એપ્લીકેશનનું અનાવરણ

રાજકોટ શહેર પોલીસ દ્રારા GUVNL (ગુજરાત ઉર્જા વિજ નિગમ લી.)ના સહયોગથી મહાકવચ એપ્લીકેશન બનાવવામાં આવેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ શહેર પોલીસ દ્રારા કરવામા આવતી કામગીરી રીપોર્ટનું ઓટોમેટીક અને રીયલ ટાઇમ એલર્ટ જનરેટ દ્રારા પોલીસ કમિશ્નરશ્રીથી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સુધીના કામગીરીનું મુલ્યાંકન કરી શકશે. આ એપ્લીકેશનનું અનાવરણ તથા  પોલીસ વ્હીકલનુ GPS ટ્રેકીંગ તથા પેટ્રોલીંગ કામગીરી, નાઇટ રાઉન્ડ દરમ્યાન પેટ્રોલીંગ તથા અન્ય કામગીરી, MCR/ HS/ બુટલેગર/ ટપોરીઓના ફોટો એટેન્ડ્ન્સ દ્રારા વોચ કામગીરી, નજીકના ભવિષ્ય મા રાજકોટ શહેર પોલીસ દ્રારા ઉપયોગ કરવામા આવતી તમામ એપ્લીકેશનની (RTP, ટેકપોલીસ,ઇ-ગુજકોપ વગેરે) મુલ્યાંકન કામગીરી મહાકવચ એપ્લીકેશન એપ્લીકેશન દ્રારા ઓટોજનરેટ કરવામાં આવશે.

અનલોક-૭ની કામગીરીની બૂકલેટનું વિમોચન

સરકારની કોવીડ-૧૯ ની ગાઇડ લાઇન મુજબ શહેરના પ્રજાજનોમાં કોરોના મહામારીનું સંક્રમણ લોકોમાં ફેલાતું અટકે તે માટે શહેર પોલીસ દ્વારા જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે. જે કામગીરીથી પ્રજાજનો વાકેફ થાય તે માટે શહેર પોલીસ દ્વારા અનલોક-૭ ની કામગીરીની બૂકલેટ બહાર પાડવામાં આવનાર છે. જેનુ મુખ્યમંત્રી દ્વારા વિમોચન કરવામા આવનાર છે.

એકસીડેન્ટ એનાલીસીસ-૨૦૨૦ અને ટ્રાફીક જાહેરનામા બૂકલેટનું વિમોચન

શહેર પોલીસ દ્વારા અકસ્માતો અટકાવવા માટે જે જગ્યાએ વધુ અકસ્માતો થતા હોય તે જગ્યાઓને હોટસ્પોટ ગણી કરવામાં આવેલ કાર્યવાહી અને પ્રજાજનોના હીતમાં બહાર પાડવામાં આવેલ જુદાજુદા ટ્રાફિક અંગેના જાહેરનામાઓથી પ્રજાજનો વાફેફ થાય તે હેતુથી બૂકલેટ બહાર પાડવામાં આવનાર છે, તેનું પણ મુખ્યમંત્રી વિમોચન કરશે.

ગૂમ થયેલા મોબાઇલ ફોન માલીકોને પરત અપાશે

રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્રારા ૨૦૨૦ માં ગુમ થયેલ ા કુલ ૧૭૦૨ જેટલા મોબાઇલ ફોન કે જેની કિંમત રૂ. ૨,૪૭,૩૦,૧૧૦ (બે કરોડ સુડતાલીસ લાખ ત્રીસ હજાર એકસો દસ) છે તે  મુળ માલીકને પરત સોંપવામાં આવેલ છે. જે પૈકી ૬ મોબાઇલ ફોન  મુખ્યમંત્રીશ્રીના હસ્તે જે તે માલીકને પરત સોંપવામાં આવશે.

(3:51 pm IST)