Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સપરિવાર દિવાળી-નૂતનવર્ષની ઉજવણી બાલાશ્રમમાં કરીઃ બાળકી 'અંબા' પર સ્નેહ વરસાવ્યો

અંબા એકીટસે મનોજ અગ્રવાલ સામે જોઇ રહીઃ બાળકોને ભોજન કરાવ્યું અને મિઠાઇ તથા ગિફટનું વિતરણ કર્યુ

રાજકોટઃ દિવાળી-નૂતનવર્ષની ઉજવણી શહેરીજનોએ ઉત્સાહ પુર્વક કરી હતી. ત્યારે શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સપરિવાર સાથે દિવાળી-નવા વર્ષની કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ખાતે અનાથ દિકરા-દિકરીઓ સાથે કરી હતી. એક વર્ષથી માંડી અઢાર વર્ષ સુધીના આશરો લઇ રહેલા અનાથ દિકરા-દિકરીઓની રૂબરૂ મુલાકાત લઇ મિઠાઇ તથા ગિફટ આપી ઉજવણી કરી હતી. તમામ બાળકોને નવા વર્ષના દિવસે બપોરનું ભોજન કરાવવાનું સોૈભાગ્ય પણ પોલીસ પરિવારને સાંપડ્યું હતું. ઠેબચડા ગામેથી મળી આવેલી તરછોડાયેલી દિકરી કે જેને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે 'અંબા' નામ આપ્યું છે એ દિકરી અંબાને પણ હાલ કાઠીયાવાડ બાલાશ્રમમાં રાખવામાં આવી હોઇ તેની પણ અગ્રવાલ દંપતિએ મુલાકાત લઇ તેને તેડીને વ્હાલ વરસાવ્યું હતું. અંબા જાણે પોલીસ કમિશનરશ્રીને ઓળખી ગઇ હોઇ તેમ એકી નજરે તેમની સામે જોયા કરતી હતી. તસ્વીરોમાં અંબા, તેમના પર વ્હાલ વરસાતાં શ્રી અગ્રવાલ દંપતિ તથા નીચેની તસ્વીરમાં બાળકોને મિઠાઇ-ગિફટનું વિતરણ થયું તે જોઇ શકાય છે. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.એમ. ધાખડા સહિતનો સ્ટાફ પણ સાથે રહ્યો હતો.

(3:12 pm IST)