Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

આ વખતે મગફળીમાં રાજકોટ જીલ્લામાં મજૂરોને રૂ. ૪ ઓછી મજૂરી મળશેઃ કુલ રર કેન્દ્રો ઉપર ખરીદી થશે

ગયા વખતે ૧૯ હતી આ વખતે ૧પઃ ભેજ માપવા દરેક કેન્દ્રો ઉપર ૪ ગેડર મુકાયા : કેન્દ્રો ઉપર ગોડાઉન મેનેજર સહિત ૭નો સ્ટાફઃ પ લાખ બારદાન છેઃ કલકતાથી વધુ ૪પ લાખ બારદાન આવશે : ગુજરાત વેર હાઉસીંગના ગોડાઉનમાં મગફળી રહેશેઃ ત્યાં સીસી ટીવી કેમેરા સિકયુરીટી સ્ટાફ વેર હાઉસીંગ મૂકશે

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી પુજા બાવળાએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાલે મગફળી ખરીદી રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે, ૯પ હજાર ઉપર નોંધણી થઇ છે, અને ૯૩ હજાર ઉપર આંક વટાવી જશે, જે ગયા વખતે ૮ર હજારની નોંધણી થઇ હતી.

તેમણે મગફળી ખરીદી અંગે ઉમેર્યું હતુંકે તે બાબતે તમામ તૈયારીઓ પુરી કરી લેવાઇ છે, જીલ્લામાં કુલ રર કેન્દ્રો ઉપર ખરીદી થશે, તમામ સ્થળે ગોડાઉન મેનેજર સહિત ૬ થી ૭ નો સ્ટાફ રહેશે, સીસી ટીવી કેમેરા પોલીસ બંદોબસ્ત રહેશે.

ખેડૂતોને બોલાવવા અંગે  તેમણે જણાવેલ કે, પ્રારંભમાં ૩ થી ૪ દિવસ દરેક કેન્દ્રો ઉપર દરરોજ રપ આસપાસ ખેડૂતોને બોલાવાશે, બાદમાં દરરોજ૧૦૦ થી ૧પ૦ ખેડૂતોને બોલાવાશે.

તેમણે જણાવેલ કે દરેક કેન્દ્રો ઉપર પ્રાંત મામલતદારનું ખાસ મોનીટરીંગ રહેશે તે ઉપરાંત ગુજરાત સરકારે મગફળીમાં રહેલ ભેજ, માટી-અન્ય કચરોનું પ્રમાણ નકકી કરવા ખાસ ગ્રેડીંગ કંપનીને કોન્ટ્રાકટ આપ્યો છે, આ ગ્રેડરોની ટીમ કાલથી રાજકોટ આવી જશે, દરેક કેન્દ્ર ઉપર ૪-૪ ગ્રેડરોની ટીમ રહેશે.

ડીએસઓએ જણાવેલ કે, ખરીદાયેલ મગફળી ગુજરાત વેર હાઉસીંગ બોર્ડના ગોડાઉનમાં રખાશે, ગોડાઉનોની સિકયોરીટી - સીસી ટીવી કેમેરાની જવાબદારી વેર હાઉસીંગની રહેશે, જે અંગે પુરવઠા નિગમ કાર્યવાહી કરી રહયું છે.

મગફળી ખરીદીમાં મજૂરી-બારદાન અંગે તેમણે જણાવેલ કે મજૂરી - બારદાનનો ખર્ચ સરકાર ભોગવશે, મજૂરી દરેક જીલ્લાવાઇઝ સેન્ટ્રલ -ગાંધીનગરથી નકકી થઇ છે, આપણે ત્યાં રૂ. ૧પ આસપાસ એક ગુણીની મજૂરી રહેશે. 

અત્રે એ નોંધનીય છે કે ગયા વખતે મજૂરીનો દર ગૂણી દીઠ રૂ. ૧૯ હતો, આ વખતે ૧પ ફાઇનલ થઇ રહ્યો છે, ટૂંકમાં મજૂરોને ૪ રૂ. ઓછી મજૂરી મળશે.

રાજકોટ શહેર - જીલ્લામાં અંદાજે  ૪પ  થી પ૦ લાખ બારદાનની જરૂરીયાત રહેશે હાલ પ લાખ જેટલા નવા બારદાન ઉપલબ્ધ છે, અને બાકીના બારદાન કોલકતાથી દરેક કેન્દ્રો ઉપર આવવાના શરૂ થયા છે, ર૧ મીથી કુલ રર કેન્દ્રો ઉપર સવારે ૧૦ વાગ્યાથી મગફળીની ખરીદી શરૂ થશે.

(2:48 pm IST)