Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

મવડી રીંગ રોડ શ્રી હરિ સોસાયટીમાં થયેલી ધમાલમાં હત્‍યાની કોશિષ અને હુમલાની સામ સામી ફરિયાદ

યોગીરાજસિંહ ઉર્ફ યોગી રાણાની ફરિયાદ પરથી દિનેશ ઉર્ફ મુછડી સહિતના વિરૂધ્‍ધ ૩૦૭ મુજબ અને દિનેશની ફરિયાદ પરથી સુખદેવસિંહ ઝાલા સહિતના વિરૂધ્‍ધ ૩૨૬ મુજબ તાલુકા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટઃ મવડી ૧૫૦ રીંગ રોડ શ્રી હરિ સોસાયટી શેરી નં. ૭ની સામે કપિલા હનુમાનજી મંદિર નજીક ગઇકાલે સાતમની બપોરે મેચની આઇડીના પૈસાની લેતીદેતી મામલે થયેલી ગાળાગાળીના સમાધાન માટે ભેગા થયેલા બે જૂથ વચ્‍ચે ધારીયા, ગુપ્‍તી, કોયતા, છરીથી મારામારી થતાં પાંચને ઇજા થઇ હતી. આ બનાવમાં તાલુકા પોલીસે હત્‍યાની કોશિષ અને હુમલાની સામ સામી ફરિયાદ દાખલ કરી છે.

પોલીસે મવડી રીંગ રોડ ન્‍યુ માયાણી-૧માં શક્‍તિ મકાનમાં રહેતાં યોગીરાજસિંહ ઉર્ફ યોગી રામદેવસિંહ રાણા (ઉ.૩૫)ની ફરિયાદ પરથી દિનેશ ઉર્ફ મુછડી ચાવડા, તેના મિત્રો ભરત વલ્લભ કુંભરવાડીયા, હાર્દિક હસમુખ પઢીયાર વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૭, ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો છે. યોગીરાજસિંહના મિત્ર સુખદેવસિંહ ઝાલાને દિનેશ ઉર્ફ મુછડી સાથે પૈસાની લેતીદેતી મામલે માથાકુટ હોઇ આ બાબતે મારામારી થતાં સુખદેવસિંહ અને તેમના ભાઇ જયપાલસિંહ પર દિનેશ ઉર્ફ મુછડી સહિતે છરી અથવા કોયતાથી હુમલો કરી પેટ, પગ, શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનો આરોપ મુકાયો છે.

સામા પક્ષે દિનેશ ઉર્ફ મુછડી રતિલાલ ચાવડા (ઉ.૪૨-રહે. શ્રી હરિ સોસાયટી-૭, ચામુંડા કૃપા)ની ફરિયાદ પરથી સુખદેવસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા, યોગીરાજસિંહ ઉર્ફ યોગી અને સાગર ઉર્ફ દડો તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૬, ૫૦૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધાયો છે. દિનેશે ફરિયાદમાં જણાવ્‍યું છે કે રૂપિયાની લેતીદેતી મામલે બોલચાલી થઇ હોઇ એ કારણે ગુપ્‍તીથી હુમલો કરાતાં પોતાને તથા ભરત અને હાર્દિકને ઇજા થઇ હતી. પીઆઇ એમ.આર. ગોંડલીયા સહિતની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:37 pm IST)