Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજકોટ ડેરીએ સતત પાંચમી વખત કિલો ફેટના ભાવ વધાર્યા, પ્રતિ લિટર રૂ।. 50થી 62 રૂપિયા કર્યા

અનાજ, કઠોળના ટેકાના ભાવ નક્કી કરીને સરકાર ખેડૂતોને રાહત આપે છે ત્યારે હવે દૂધ ઉત્પાદક સહકારી  સંઘોએ પશુપાલકો, માલધારીઓને દૂધમાં ટેકો આપી રહ્યા છે. રાજકોટ ડેરીએ આજે કિલો ફેટ ભાવમાં સતત પાંચમી વાર વધારો કરીને હવે કિલો ફેટના ભાવ રૂ।. 750 ચૂકવવા નિર્ણય લીધો છે. આ સાથે ડેરીએ એક વર્ષમાં કિલો ફેટે રૂ।. 70 નો ભાવ વધારો કર્યો છે.
અગાઉ કિલો ફેટ રૂ।. 680નો ભાવ પશુપાલકોને મળતો તે આજે વધીને રૂ।. 750 થયેલ છે તેમ રાજકોટ ડેરીના એમ.ડી.વિનોદ વ્યાસે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે જિલ્લામાં 50,000 થી વધુ પશુપાલકો (દૂધ ઉત્પાદકો) રાજકોટ ડેરીને દૂધ પૂરૂં પાડે છે, દૂધ વેચાણ ભાવમાં 80  ટકા જેટલી રકમ પશુપાલકોને મળે છે. એક કિલો (લિટરથી થોડુ વધારે) દૂધમાં 6 ફેટ હોય પશુપાલકને લિટર  દીઠ રૂ।. 45 મળશે. જ્યારે ગાયના દૂધમાં ફેટ ઉપરાંત તે ગાયનું દૂધ હોય તે કારણે વધુ ભાવ ચૂકવાય છે.
દુધના ભાવ ગુજરાતમાં એક વર્ષમાં લીટરે રૂા. 6નો વધારો થયો છે. બે દિવસ પહેલા અમુલ ડેરીએ ફરી ભાવ વધારતા તાજા દૂધ રૂા. 48થી વધી 50 ગોલ્ડના 60થી વધીને 62 અને ગાયના દુધના 50 થી વધીને 52 પ્રતિ લીટર થયા છે.
બીજી તરફ, ફેટના ભાવ વધારવાના કારણે ખાદ્યતેલોમાં જેમ ભાવમાં વધઘટ થાય છે, એટલે કે જથ્થો વધે તો ભાવ ઘટે તેમ દૂધમાં થવાની શક્યતા નથી. જેમ કે હાલ રાજકોટમાં દૂધની આવક ચોમાસા, લમ્પી રોગચાળો વગેરેના કારણે ઘટીને દૈનિક 2.93 લાખ લિટર થઈ છે, જે શિયાળામાં મહત્તમ દૈનિક 5.80 લાખ લિટર હોય છે. હવે ફરી શિયાળામાં દૂધ ઉત્પાદન વધે, આવક વધે તો પણ ભાવ ઘટવાની શક્યતા નથી, કારણ કે એકવાર પશુપાલકોને ફેટ દીઠ ભાવ નક્કી થયા તેમાં વધારો કરાય છે, ઘટાડો નહીં. સહકારી સંઘો કરતા બમણું દૂધ ખાનગી ડેરીઓ દ્વારા વેચાતું હોય છે, અને સહકારી સંઘો ખરીદીના જે ભાવ ચૂકવે તે મૂજબ ખાનગી ડેરીઓએ પણ ખરીદ ભાવ અને તેના પગલે ગ્રાહકોને વેચાણ ભાવ વધારતા રહ્યા છે.

 

(11:36 am IST)