Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજકોટ કૃષ્ણમય : ધર્મસભામાં જયંતીભાઇ ભાડેશિયા મુખ્ય વકતા : સભા-યાત્રામાં ઉમટી પડવા સંતોની અપીલ

૨૪ કિ.મી. રૂટની યાત્રામાં ૧૩૨ ફલોટસ જોડાશે : ૩૯ સ્થળોએ સ્વાગત કેન્દ્રો : સ્વામિનારાયણ સંપ્રદાય અને અન્ય સંસ્થાઓના સંતો-મહંતોની અપીલ : ધર્માધ્યક્ષ તરીકે નરેન્દ્રબાપુ

રાજકોટ તા. ૧૮ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩પ વર્ષથી  અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ૩૬મી શોભાયાત્રાનું અભુતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આવતીકાલે તા. ૧૯ ને શુક્રવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે ૮–૦૦ કલાકે મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. ધર્મસભામાં ધર્માઘ્યક્ષ તરીકે આપાગીગા ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ બિરાજશે. મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયંતિભાઈ ભાડેસીયા મુખ્ય વકતા તરીકે રહેશે.
જેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં અનેકવિધ જવાબદારીઓ સુપેરે સંભાળી રહયાં છે. તેઓ મોરબીના નિવાસી છે અને એમ.એસ. જનરલ સર્જન છે. તેઓ ભૂતકાળમાં આર.એસ.એસ. ગુજરાત પ્રાંત સહકાર્યવાહ તથા પ્રાંત સંચાલકજીની જવાબદારી નિભાવી ચુકયા છે. તેઓને અન્ય જવાબદારી જોઈએ તો તેઓ સીમા જાગરણ ગુજરાતના અઘ્યક્ષ છે.
મહોત્સવ સમિતિના અઘ્યક્ષની જવાબદારી શ્રી ધર્મેશભાઈ પટેલ નિભાવશે. તેમજ રથયાત્રા સંયોજક તરીકે રાજદિપસિંહ જાડેજા જવાબદારી નિભાવશે તેમજ ગુજરાત સરકારના મંત્રી અરવિંદભાઈ રૈયાણી ખાસ ઉપસ્થિત રહેનાર છે તથા મેયરશ્રી પ્રદિપભાઈ ડવ ઉપસ્થિત રહેનાર છે તે ઉપરાંત અનેક સાધુ સંતો તથા રાજકીય સામાજીક આગેવાનો ખાસ ઉપસ્થિત રહી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે તથા શોભાયાત્રામાં જોડાઈ નગરવાસીઓનું અભિવાદન ઝીલશે અને આ પર્વની શુભેચ્છા પાઠવશે. આ તકે દરેક ધર્મ, સંપ્રદાય, પંથના સંતો, મહંતો, ગુરૂ વિગેરે ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે.
આ વખતની શોભાયાત્રામાં ધર્માઘ્યક્ષ પદે આપાગીગા ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ બિરાજમાન થશે. શ્રી નરેન્દ્રબાપુ અનેક ધાર્મિક કાર્યો, સેવાકીય પ્રવૃતિ, જ્ઞાતિ માટેના અનેક પ્રકલ્પો, સામાજીક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ જાણીતુ નામ છે અને પોતાના વ્યકિતગત કાર્યોથી અનેક લોકો સાથે નજીકથી સંકળાયેલા છે. તેમની સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓથી તમામ લોકો સુપેરે પરીચીત છે. અલગ–અલગ ક્ષેત્રોમાં વર્ષો સુધી જવાબદારીઓ વહન કરી છે.
શોભાયાત્રાના અઘ્યક્ષ તરીકે ધર્મેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. તેઓ અનેક સામાજીક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સમાજ જીવનમાં લોકો માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં એમનો ફાળો છે.
આ વખતની ૩૬મી શોભાયાત્રાની આછેરી ઝલક જોઈએ તો રાજકોટના મવડી ચોક ખાતેથી શરૂ થનારી આ શોભાયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ફરીને બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે સમાપન થશે.
યાત્રાની શરૂઆતમાં યુવાનો કેશરી સાફા અને એક સરખા યુનિફોર્મ સાથે આપણો રાષ્ટ્રઘ્વજ લઈને રથયાત્રામાં જોડાશે. ખોડલધામના મુખ્ય રથ સહિતના અનેક ફલોટસ, સ્વામીનારાયણ મંદિર – રાજકોટ, બી.એ.પી.એસ. – સરધારના ફલોટસ,
ગાયત્રી પરિવારના લાઈવ યજ્ઞ સાથેના ૩ ફલોટસ, બોલબાલા ટ્રસ્ટના અલગ–અલગ ફલોટ, રાધે–શ્યામ ગૌશાળાના ૧૧ ફલોટસ, રાજકોટ મહાજન પાંજરાપોળ, શ્રીજી ગૌશાળા, વેજીટેરીયન સોસાયટી સહિતની અનેક ગૌશાળાના ફલોટ શોભાયાત્રામાં જોડાશે. ર૪ કિ.મી. જેટલા લાંબા રથયાત્રાના અનેક સમાજ, જ્ઞાતિ દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત ઉમળતાભેર કરવામાં આવશે. અનેક મંડળો, સંસ્થા, ગ્રુપ દ્વારા શરબત, પાણી, ફરાળ, પ્રસાદી, ફળાહાર, છાશ સહિતનું વિતરણ કરવામાં આવશે. શોભાયાત્રાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે હજારોની સંખ્યામાં રીક્ષામાં ઝંડીઓ લગાવવામાં આવી છે. ચોકે–ચોકે ઘ્વજારોહણ અને લત્ત્।ે–લત્ત્।ે સુશોભનને આખરી ઓપ અપાઈ ચુકયો છે. અનેક સંસ્થા, મંડળ, ગ્રુપ, યુવા સંગઠનો દ્વારા ફલોટ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. શોભાયાત્રાના પ્રચાર અર્થે સમિતિ દ્વારા સ્ટીકર, બેગ, પેન, કીચન, પર્સ, ધજા, પતાકા, બેનર સહિતનું અનેક સાહિત્ય મોટી સંખ્યામાં છાપવામાં આવ્યુ હતું. શોભાયાત્રા પ્રસંગે અનેક સંતો–મહંતો, સાધુઓ, સામાજીક, રાજકીય, સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા આગેવાનો, મોભીઓ, શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાશે. સમગ્ર શોભાયાત્રા સુંદર રીતે પાર પાડવા માટે સમગ્ર રાજકોટનો પોલીસ સ્ટાફ, ટ્રાફીક પોલીસ વિભાગ, બજરંગદળ અને દુર્ગાવાહીનીના કાર્યકર્તા ભાઈઓ–બહેનો પોતાની સેવા આપશે અને શોભાયાત્રાને વ્યવસ્થા અને સુરક્ષાનું કવચ પુરૂ પાડશે.   
સાધુ - સંતો દ્વારા સમગ્ર હિન્દુ સમાજને અપીલ
કાલે જન્માષ્ટમીના દિવસે મવડી ચોકડી ખાતે સવારે ૮–૦૦ કલાકે આયોજીત ધર્મસભા અને ત્યારબાદ શરૂ થનાર ધર્મયાત્રામાં સમાજના તમામ લોકોને નાત–જાતના ભેદભાવ વગર આવવા માટે સંતો, મહંતો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. વધુમાં સંતોએ જણાવ્યું છે કે, વિ.હિ.પ. હિન્દુઓના તમામ લોકોને સાથે લઈને હિન્દુત્વનો જુવાળ ઉભો કરવાનું ભગીરથ કાર્ય કરી રહયું છે ત્યારે તમામ ધર્મગુરૂઓ, સાધુ, સંતો, મહંતો, જ્ઞાતિના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓની ફરજ છે કે સમગ્ર હિન્દુ સમાજને મજબુત બનાવવા માટે વિ.હિ.પ. જેવી સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈને હમ સબ હિન્દુ એક હે ની ભાવના સાથે ચાલતી સંસ્થાને સંપૂર્ણ સહયોગ કરે તથા હિન્દુઓના તમામ ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિના લોકોને આહવાન કર્યુ હતું કે તમામે આજના આ પાવન દિવસે તા.૧૯ ઓગષ્ટ શુક્રવારના રોજ જન્માષ્ટમીના દિવસે યોજનાર ધર્મસભા તથા ધર્મયાત્રામાં જોડાવવું જ જોઈએ તેવું શ્રી નરેન્દ્રબાપુ (મહંતશ્રી આપાગીગાનો ઓટલો), સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી (આર્ષ વિદ્યા મંદિર–મુંજકા), ગુરૂવર્યશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી (ગોંડલ રોડ, ગુરૂકુળ), કોઠારી સ્વામી બ્રહ્મતિર્થજી (બીએપીએસ મંદિર), શ્રી અપૂર્વમુનિ સ્વામી (બીએપીએસ મંદિર), કોઠારી સ્વામીશ્રી રાધારમણ (સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ), શ્રી ત્યાગવલ્લભ સ્વામી (યોગીધામ), શ્રી ત્યાગી મનમોહનદાસજી (શ્રી કૈલાસધામ આશ્રમ, જગન્નાથ મંદિર) દ્વારા સર્વે શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાવવા આહવાન કરવામાં આવેલ હોવાનું જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મહામંત્રી નિતેશ કથીરિયા જણાવે છે.

જન્માષ્ટમી યાત્રા આંકડાકીય દ્રષ્ટિએ
.    ૧૧૪૦૦૦ નંગ પતાકા, ૪૬૦૦૦ સ્ટીકર, ૧૦૮૦૦ ઝંડી, ૩પ૦૦ થેલી, ૧પ૧ ઘ્વજાનું વિતરણ કરવામાં આવ્યું.
.    ૩ર૦૦ લોકો રથયાત્રામાં પ્રારંભથી અંત સુધી સાથે રહેશે.  
.    ૩ર૪ જેટલા વાહનો જોડાશે જેમાં ૭૮ મોટા વાહનો, ૬૩ નાના વાહનો, રર થ્રીવ્હીલાર, ૧૬૧ ટુ–વ્હીલાર સામેલ છે.  
.    ૧૪૬ ગ્રુપ, મંડળો દ્વારા નોંધણી કરાવવામાં આવી.
.    અનેક ગ્રુપ, મંડળો દ્વારા લતા સુશોભન હરીફાઈમાં ભાગ લેવામાં આવ્યો.
.    ૧૧૮ જેટલા સમિતિ ઈન્ચાર્જ તથા કાર્યકરોની ફૌજ કાર્યરત રહી.
.    ૧૩ર જેટલા ફલોટસ રથયાત્રામાં જોડાશે.
.    ૩૯ સ્થળો પર શરબત, પાણી, પ્રસાદી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે.
.    ૧પ જગ્યા પર ઘ્વાજોરોહણ કાર્યક્રમો કરવામાં આવ્યા.
.    ૪ર જગ્યાએ અલગ–અલગ સમાજ, જ્ઞાતિ, ગ્રુપ, મંડળ, સંસ્થા દ્વારા થશે શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત.
.    ર૪ કિ.મી. નો સમગ્ર રથયાત્રાનો રૂટ રહેશે.  
.    ર૬ જેટલી અલગ–અલગ વ્યવસ્થાની સમિતિઓ બનાવવામાં આવી.
.    ર.પ કિ.મી. રથયાત્રાની કુલ લંબાઈ થશે.
.    ૩૭પ જેટલા બજરંગદળ અને દુર્ગાવાહીનીના કાર્યકરતા ભાઈઓ–બહેનો રથયાત્રાને સુરક્ષા કવચ પુરૂ પાડશે.

 

(3:42 pm IST)