Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાજકોટ શહેરને નર્મદા કેનાલનું ૩૦૦ કયુસેક પાણી અપાશે

વતનની ભૂમિ માટે યોગ્ય સમયે નિર્ણય લેતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ: શહેરમાં વરસાદ ખેંચાતા પીવાની પાણી ઊભી થનારી સમસ્યા વચ્ચે સીએમ રૂપાણીએ રાજકોટ શહેર માં નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય લીધો છે. જેમાં રાજકોટ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમ માં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા વિજય રૂપાણીએ સૂચના આપી છે.

તદનુસાર રવિવાર સવારથી આ પાણી પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.સૌની યોજના અંતર્ગત રાજકોટ ના ન્યારી ડેમ માં આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમ માં પહોંચશે. ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેર ને આપવા નું શરૂ થવાથી પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણી ની સુવિધામાં વધારો થશે

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની સિઝનને મહિનો પસાર થઈ ગયો છે, પરંતુ મેઘરાજા હજુ સૌરાષ્ટ્ર સહિત રાજકોટ પંથકમાં મનમૂકીને વરસ્યા નથી. જો રાજ્યમાં હજુ જૂલાઈ સુધી મેઘરાજા ધમધોકાર ન વરસે તો રાજકોટમાં પાણીની તંગી સર્જાઈ શકે છે રાજકોટમાં 31 જૂલાઈ સુધી વરસાદ ન આવે તો પાણી વિતરણમાં મુશ્કેલીઓ ઉભી થશે.

આ સ્થિતિને જોતા રાજકોટના મેયર પ્રદિપ ડવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા માગ કરી છે. મેયર પ્રદિપ ડવે સૌની યોજના થકી નર્મદાનું પાણી મળે તેવી અપીલ કરી છે. મેયરે ચિંતા વ્યક્ત કરી કે હાલમાં જે પાણીનો સ્ટોક છે, તે ઓગસ્ટ મહિના સુધી ચાલી શકે તેમ છે.

રાજકોટ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા ઓછા વરસતા પાણીના સ્ત્રોત થોડા સુકાઈ ગયા છે. રાજકોટના મહત્વના ત્રણ ડેમમાં જો હાલના સ્ટોકની વાત કરીએ તો આજી-1 ડેમમાં 930 MCFT પાણીનો સંગ્રહ થઈ શકે. આજી-1 ડેમમાં હાલ 225 MCFT પાણી ઉપલબ્ધ છે.જેમાંથી દૈનિક ઉપાડ 125 MLD પાણીનો ઉપાડ કરવામાં આવે છે.

ન્યારી-1 ડેમની વાત કરીએ તો અહીં કુલ જળસંગ્રહ 1248 MCFTનો છે, જે પૈકી હાલમાં 329 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે દૈનિક ઉપાડ 60 MLD જેટલો છે. સૌથી મોટા ભાદર-1 ડેમની વાત કરીએ તો કુળ સંગ્રહ ક્ષમતા 6640 MCFT છે, જે પૈકી હાલ ડેમમાં 1390 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે. ભાદર-1 ડેમમાંથી 230 MLDનો દૈનિક ઉપાડ થઈ રહ્યો છે.

(2:33 pm IST)