Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

શાળા - કોલેજો અંગે પ્રશ્નોનો મારો : સતત ૪૫ મિનિટ તંત્ર જવાબ માટે દોડતુ રહ્યું

મનપાના જનરલ બોર્ડમાં શિક્ષાધામોના વેરા વસુલાત, બાકી વેરા અંગે ભાજપ - કોંગ્રેસ - આપ દ્વારા અધિકારીઓની લેફટ રાઇટ : શહેરમાં કુલ ૪૯૧ બિલ્‍ડીંગોમાં ૮૯૮ શાળાઓ કાર્યરત : ૮૬ પાસે રમત-ગમતના મેદાન : ૩૯૮ પાસે ટીપી પ્‍લાન મંજુર : કુલ ૨૦ કરોડથી વધુનો વેરો બાકી : કેટલી શાળાઓ દ્વારા વ્‍યવસાય વેરો ભરવામાં આવે છે ? મનીષ રાડિયાના પ્રશ્નના ઉત્તરમાં અધિકારીઓનું ગેંગેફેંફે : શાળા - કોલેજોના બાકી વેરાની વોર્ડ વાઇઝ માહિતી માંગતા દેવાંગ માંકડ

સામાન્‍ય સભાઃ આજે સવારે મહાનગર પાલિકાની સામાન્‍ય સભામાં મંચ પર મેયર પ્રદિપ ડવ, મ્‍યુ. કમિશ્‍નર અમિત અરોરા, સેક્રેટરી હરીશ રૂપારેલીયા, પી એ ટુ મેયર કનુભાઇ હિંડોચા, તથા પી એ ટુ ચેરમેન છબીલ રાણપરા તથા ડે. મ્‍યુનિ. કમિશ્‍નર સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહેલ. બીજી તસ્‍વીરમાં સભાગૃહમાં ઉપસ્‍થિત તમામ સભ્‍યો નજરે પડે છે. ત્‍યારબાદની તસ્‍વીરોમાં ચર્ચામાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, વશરામભાઇ સાગઠિયા, કોમલબેન ભારાઇ, સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલ, દેવાંગ માંકડ, જયમીન ઠાકર, શાસક નેતા વિનુ ધવા, મનીષ રાડીયા, જયોત્‍સનાબેન ટીલાળા, દુર્ગાબા જાડેજા, નેહલ શુકલ, ભાવેશ દેથરીયા, દિલીપ લુણાગરીયા, અશ્વિન પાંભર, પરેશ પીપળીયા, નીતીન રામાણી તથા વર્ષાબેન રાણપરા વગેરે સભ્‍યોએ ભાગ લીધો હતો. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૯ : આજે મનપાના મળેલ જનરલ બોર્ડમાં ત્રિપાંખીઓ જંગ યોજાયો હતો. જેમાં સત્તાધારી પાર્ટી ભાજપ, વિરોધ પક્ષ કોંગ્રેસ અને પક્ષ પલ્‍ટો કરી આપમાં ગયેલ કોર્પોરેટરો વચ્‍ચે ભારે ગરમા-ગરમીમાં પ્રશ્નોત્તરી અને ચર્ચા યોજાઇ હતી.
આજના જનરલ બોર્ડમાં સૌથી પહેલો પ્રશ્ન વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર કોમલબેન ભારાઇ દ્વારા પૂછવામાં આવ્‍યો હતો. જેમાં શહેરમાં કેટલી ખાનગીશાળાઓ - કોલેજમાં વેરા વસુલાત, કેટલી સંસ્‍થા પાસે ટી.પી.ના પ્‍લાન છે. આ અંગે તેમના પ્રશ્નના જવાબમાં કમિશનર અમિત અરોરાએ જણાવ્‍યું હતું કે, શહેરમાં કુલ ૪૯૧ શૈક્ષણિક બિલ્‍ડીંગોમાં ૮૯૮ શાળાઓ ધમધમે છે. જ્‍યારે ૮૬ પાસે રમત-ગમતના મેદાનો છે. ઉપરાંત ૩૯૮ શાળાઓ પાસે ટીપી પ્‍લાનની મંજુરી છે.
કમિશનરે વેરા વસુલાત અંગે વિસ્‍તૃત વોર્ડ વાઇઝ માહિતી આપી હતી. માહિતી મુજબ વોર્ડ નં. ૧માં ૪૦ શાળાઓના ૩૩ લાખ, વોર્ડ નં. ૨માં ૩૩ શાળાઓના ૨૧ લાખ, વોર્ડ નં. ૩માં ૨૮ શાળાઓના ૯૧ લાખ, વોર્ડ નં. ૪માં ૨૭ શાળાઓના ૪૩ લાખ, વોર્ડ નં. ૫માં ૫૭ શાળાઓના ૨૪ લાખ, વોર્ડ નં. ૬માં ૨૫ શાળાઓના ૧૩ લાખ, વોર્ડ નં. ૭માં ૧૦૨ શાળાઓના ૧.૩૫ કરોડ, વોર્ડ નં. ૮માં ૭૪ શાળાઓના ૬૪ લાખ, વોર્ડ નં. ૧૦માં ૧૧૬ શાળાઓના ૯૯ લાખ, વોર્ડ નં. ૧૧માં ૮૯ શાળાઓના ૩.૪૪ કરોડ, વોર્ડ નં. ૧૨માં ૪૩ શાળાઓના ૧.૧૨ કરોડ, વોર્ડ નં. ૧૩માં ૪૩ શાળાઓના ૨૯ લાખ, વોર્ડ નં. ૧૪માં ૧૭ શાળાઓના ૭૯ લાખ, વોર્ડ નં. ૧૫માં ૬ શાળાઓના ૧૦ લાખ, વોર્ડ નં. ૧૬માં ૨૫ શાળાઓના ૯ લાખ, વોર્ડ નં. ૧૭માં ૩૬ શાળાઓના ૧૬ લાખ, વોર્ડ નં. ૧૮માં ૩૨ શાળાઓના ૧૪ લાખ સાથે કુલ રૂા. ૨૦.૧૭ કરોડ વેરાના લેણા બાકી હોવાનું જણાવેલ.
આજના જનરલ બોર્ડમાં વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર કોમલબેન ભારાઇએ પૂછેલા પ્રશ્ન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ પેટા પ્રશ્નોનો મારો ચલાવ્‍યો હતો.
મનીષ રાડીયા
વોર્ડ નં. ૨ના કોર્પોરેટર મનીષભાઇ રાડીયાએ કેટલી શાળાઓના વ્‍યવસાય વેરા ભરવામાં આવતો હોવાનો પ્રશ્ન પૂછતા સબંધીત અધિકારીએ જણાવેલ કે, બે પ્રકારના શાળા માટે વ્‍યવસાય વેરા હોય અને વિસ્‍તૃત જવાબ લેખીતમાં આપવાનું કહેતા મનીષ રાડીયાના પ્રશ્નમાં ગુંચવાઇ ગયા હતા.
નેહલ શુકલ
ભાજપના વધુ એક વોર્ડ નં. ૯ના કોર્પોરેટર નેહલ શુકલએ પણ પેટા પ્રશ્નમાં ફાયર એનઓસીમાં કયો રૂલ લાગુ પડતો હોવા છતાં જવાબ માંગતા સબંધીત અધિકારીએ જીડીસીઆર મુજબ નિયમો લાગુ પડતા હોવાનું જણાવ્‍યું હતું.
દેવાંગ માંકડ
વોર્ડ નં. ૯ના કોર્પોરેટર દેવાંગ માંકડે પણ પેટા પ્રશ્ન પૂછયો હતો. જેમાં તેમણે વોર્ડ વાઇઝ કેટલી શાળાઓમાં કેટલો વેરો સ્‍વીકારાયો અને કેટલો બાકી છે તે અંગે માહિતી માંગતા કમિશનર અમિત અરોરાએ પ્રત્‍યુત્તરમાં વોર્ડ વાઇઝ વિસ્‍તૃત માહિતી આપી હતી.
ભાનુબેન સોરાણી
કોંગ્રેસના વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર અને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ શાળાઓમાં કયાં પ્રકારે જીડીસીઆર લાગુ પડતો હોવાનો પેટા પ્રશ્ન પૂછતા સંબંધીત વિભાગ દ્વારા વિસ્‍તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
પ્રથમ પ્રશ્નના પેટા પ્રશ્નો પૂર્ણ થયા બાદ બીજા ક્રમાંકનો મુખ્‍ય પ્રશ્ન વોર્ડ નં. ૮ના કોર્પોરેટર અશ્વીન પાંભરે પૂછયો હતો. જેમાં અશ્વિન પાંભરે મનપા હસ્‍તકના અર્બન હેલ્‍થ સેન્‍ટરનો છેલ્લા ૬ માસમાં કેટલા શહેરીજનોએ લાભ લીધો તે અંગે માહિતી માંગતા કમિશનર અમિત અરોરાએ તે અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી.
આમ, ઘણા સમય બાદ ટીકા-ટીપ્‍પણીઓ ઓછી અને ચર્ચાઓ વધુ ચાલી હતી. સતત ૪૫ મિનીટ સુધી નગરસેવકોએ શાળા - કોલેજો સંદર્ભે પ્રશ્નો પૂછી તંત્ર ઉપર તડાપીટ બોલાવી હતી.

પૂર્વ કોર્પોરેટર રૂપાબેન શીલુ અને હાસમભાઇ તાયાણીનું અવસાન થતા બોર્ડમાં શ્રધ્‍ધાંજલી પાઠવાઇ
રાજકોટ : તાજેતરમાં પૂર્વ કોર્પોરેટર અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્‍યક્ષ રૂપાબેન શીલુનું તા. ૩ મે અને પૂર્વ કોર્પોરેટર હાસમભાઇ તાયાણીનું તા. ૧ર મે અવસાન થતા આજે મળેલ મનપાના જનરલ બોર્ડમાં સૌ સભ્‍યોએ બે મીનીટનું મૌન રાખી શ્રધ્‍ધાંજલી પાઠવી શોક ઠરાવ કર્યો હતો.

 

(3:32 pm IST)