Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, સૂચન, અભિપ્રાય, સહયોગ હેઠળ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથાનો શનિવારથી જાજરમાન પ્રારંભઃ ભવ્‍ય પોથીયાત્રા નિકળશે

બપોરે ૩.૩૦ વાગ્‍યે શ્રી પંચનાથ મહાદેવ મંદિરેથી શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન સુધી સેંકડો વાહનો અને હજ્‍જારો જ્ઞાતિજનો સાથે પોથીયાત્રાનું રંગેચંગે આયોજનઃ ઐતિહાસિક પોથીયાત્રામાં સહભાગી થવા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂની જ્ઞાતિજનોને જાહેર અપીલ : નવેનવ દિવસોના દરેક ઉત્‍સવ ધામધૂમથી ઉજવાશે : દરરોજ રાત્રે શ્રી રામકથાના વિરામ બાદ પ્રસાદ લઇને વિવિધ ક્ષેત્રોના નિષ્‍ણાંતો-કલાકારો દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન : શ્રી રામકથાના આખરી આયોજન-વર્ક ડીસ્‍ટ્રીબ્‍યુશન સંદર્ભે યોજાયેલ ગઇકાલની મિટીંગમાં સેંકડો બહેનો ઉમટી પડયાઃ વોકીટોકી તથા પ્રસાદઘરનો તમામ સામાન આવી ગયો : દાતાઓ પણ સતત વરસીને રાજકોટ લોહાણા મહાજનની ટીમનો ઉત્‍સાહ બમણો કરી રહ્યા છે : સમગ્ર રાજકોટમાં ‘શ્રી રામ જય રામ જય જય રામ'નો નાદ અવિરતપણે ગૂંજી રહ્યો છેઃ ઉત્‍સાહના ઘોડાપૂર : શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કૂલ ખાતેનું શ્રી રામકથા કાર્યાલય મોડી રાત સુધી સતત ધમધમે છેરાજકોટ તા. ૧૯ :  સમગ્ર વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન અને અંદાજે અઢી લાખ રઘુવંશીઓની માતૃસંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ર૧ મે, શનિવારથી તા. ર૯ મે, રવિવાર સુધી શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન, રાજકોટ ખાતે સાંજે ૪.૩૦ થી રાત્રે ૮.૩૦ દરમ્‍યાન શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં મુખ્‍ય વકતા તરીકે આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે ખૂબ મોટી નામના ધરાવનાર પૂજય શ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયા વ્‍યાસાસને બીરાજશે અને પોતાની અમૃતવાણી થકી ભાવિકોને શ્રી રામકથાનું રસપાન કરાવશે. શ્રી રામકથા  ના મુખ્‍ય યજમાન તરીકે વિશ્વ લોહાણા મહાપરિષદ અને રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ, દાનવીર અને દીર્ઘદૃષ્‍ટા સ્‍વ. શ્રી જયંતિલાલ ગોવિંદજી કુંડલીયા, સ્‍વ. જસવંતીબેન કુંડલીયા તથા સ્‍વ. મીનાબેન કુંડલીયાના પરિવારજનો પવિત્ર વાતાવરણમાં પુણ્‍યનું ભાથુ બાંધશે.
કોર્પોરેટ ટચ સાથે યોજાતી જાજરમાન શ્રી રામકથાના આયોજનને આખરી ઓપસમા નિરીક્ષણ કરવા અર્થે અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન, રાજકોટની મુલાકાત લીધી હતી અને જરૂરી, ઉપયોગી તથા સચોટ સૂચનો- અભિપ્રાયો-માર્ગદર્શન આપ્‍યા હતાં. શ્રી કિરીટભાઇ ગણાત્રાની શ્રી રામનગરી ખાતેની મુલાકાત દરમ્‍યાન રાજકોટ લોહાણા મહાજનના બંધારણીય સલાહકાર, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા તથા રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી નવીનભાઇ ઠકકર પણ સાથે રહ્યા હતાં.
રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી રામકથાનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન થઇ રહ્યું છે ત્‍યારે શનિવાર તા. ર૧ મે, ર૦રર ના રોજ બપોરે ૩.૩૦ વાગ્‍યે શ્રી પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતેથી  જાજરમાન અને ભવ્‍ય પોથીયાત્રાનો પ્રારંભ થશે. શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન સુધીની વિશાળ અને અલૌકીક પોથીયાત્રામાં હજારો લોકો અને સેંકડો વાહનો રંગેચંગે જોડાશે. બેન્‍ડવાજા અને ડી.જે.ની ધમધમતી સુરાવલી સાથે નાચતા - ગાતા હજારો જ્ઞાતિજનો પવિત્ર પોથી સાથે શ્રી રામનગરી પહોંચશે. આ ઐતિહાસિક પોથીયાત્રામાં સહભાગી થવા રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ તમામ જ્ઞાતિજનોને જાહેર આમંત્રણ આપ્‍યું છે. શ્રી રામકથાના લીધે સમગ્ર રાજકોટ શહેર રામમય બની ગયું છે અને સર્વત્ર શ્રી રામ જય રામ જય જય રામનો નાદ ગૂંજી રહ્યો છે.
શ્રી રામકથા દરમિયાન નવે નવ દિવસના તમામ ઉત્‍સવો પોથીયાત્રા, કથા પ્રારંભ, શ્રી રામ જન્‍મોત્‍સવ, સીતા-રામ વિવાહ, વન ગમન, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શ્રી હનુમાન પ્રાગટય, સુંદરકાંડ - રામેશ્વર પૂજન, શ્રી રામ રાજ્‍યાભિષેક - કથા વિરામ વિગેરે ખૂબ ધામધૂમપૂર્વક યોજવામાં આવશે અને દરરોજ કથા વિરામ બાદ પ્રસાદ લઇને વિવિધ ક્ષેત્રના નિષ્‍ણાંતો - કલાકારો દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ભદ્રાયુભાઇ વચ્‍છરાજાની, શૈલેષ ઉત્‍પલ, નિધીબેન ધોળકીયા, જવલંતભાઇ છાયા, પ્રહર વોરા, રાધા મહેતા, બિમલભાઇ શાહ, મિલિન્‍દ ગઢવી, અશોકભાઇ ભાયાણી વિગેરે નિષ્‍ણાંતો કલાકારોનો સમાવેશ થાય છે. શ્રીનાથજીની ઝાંખી, શ્રી રામધૂન, ભજન - દુહા, મોટીવેશનલ ટોક, સંગીત વિગેરે કાર્યક્રમનું આગવું આયોજન કરવામાં આવ્‍યું છે.
દરમિયાન શ્રી રામકથાના વર્ક ડીસ્‍ટ્રીબ્‍યુશન - આયોજન સંદર્ભે ગઇકાલે યોજાયેલ બહેનો માટેની મીટીંગ ખૂબ ઉત્‍સાહપૂર્વક સેંકડો બહેનો ઉમટી પડયા હતા અને શ્રી રામકથામાં સેવા આપવાનો મોકો મળતા ખૂબ ધન્‍યતા અનુભવી હતી. નવેનવ દિવસના તમામ પ્રસંગો  સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનમાં બહેનોનો ફાળો પણ ઘણો નોંધપાત્ર રહેવા પામ્‍યો છે.
સાથે-સાથે રાજકોટના આંગણે શ્રીરામકથાનો પાવન પ્રસંગ આવ્‍યો છે ત્‍યારે દાતાઓ પણ સતત ખોબલે-ખોબલે વરસી રહ્યા છે જેને કારણે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમનો ઉત્‍સાહ પણ બમણો થઇ રહ્યો છે. શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન ખાતે શ્રીરામકથા કાર્યાલય મોડી રાત સુધી સતત ધમધમી રહ્યુ છે અને પ્રમુખ સહિતના હોદેદારો-અગ્રણીઓ-સ્‍વયંસેવકો સતત કામ કરી રહ્યા છે.
શ્રી રામકથાના આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પુજારા-પુજારા ટેલિકોમ, મંત્રીઓ, રીટાબેન કોટક અને ડો.હિમાશુભાઇ ઠક્કર,ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો.પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, શ્‍યામલભાઇ સોનપાલ, મનિષભાઇ ખખ્‍ખર, તુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારીયા, દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, રીટાબેન કુંડલીયા,જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો.આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા, અલ્‍પાબેન બચ્‍છા, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ, સહિતના વિવિધ લોહાણા અગ્રણીઓ-જ્ઞાતિજનો હિતેશભાઇ પારેખ દક્ષિણિ, સિધ્‍ધાર્થભાઇ પોબારૂ, દિૅશીત પોબારૂ, અનિલભાઇ વણઝારા, તમામ મહિલા મંડળો, જલારામ સેવા સમિતિ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રઘુવંશી પરિવારજનો વાણિયાવાડી જલારામ જયંતિ સમિતિ, લોહાણા કર્મચારી મંડળ અને યુવક મંડળના સભ્‍યો, દાણાપીઠ-માર્કેટીંગ યાર્ડનું  સંગઠન, રઘુવંશી ડોકટર્સ સંગઠન, ગાંધીગ્રામ વિસ્‍તારો લોહાણા સંગઠન, કેટરીંગ એસોસીએશનના સભ્‍યો, શ્રીરામ કથા સંદર્ભે રચાયેલી વિવિધ કમિટિઓ, રઘુવંશી એકતા મિશનના કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
 

 

(2:48 pm IST)