Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રાજકોટની એક માત્ર વિકટ સમસ્‍યા ‘ટ્રાફીક' !!

ભ્રષ્‍ટાચારના ભરડામાં સપડાયેલી પોલીસ નગરજનોની સમસ્‍યા અનુભવતી નથી અને અનુભવે તો નિરાકરણમાં રસ લેતી નથીઃ જનજાગૃતિ અભિયાન મંચનો જમીની વાસ્‍તવિક અહેવાલ : લાખ્‍ખો રાહદારીઓ અને વાહન ચાલકોને નક્કી સ્‍થાન ઉપર પહોંચવા અભિમન્‍યુના ૭ કોઠા ભેદવા જેવા પડકારોનો સામનો કરવો પડે છે : મતદારોની કૃપા દ્રષ્‍ટિથી ધારાસભ્‍ય અને મંત્રી બનેલા શ્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રી લાખાભાઈ સાગઠીયા, શ્રી વિજયભાઈ રૂપાણી, શ્રી ગોવિંદભાઈ પટેલ, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા અને શ્રી મોહનભાઈ કુંડારીયા પોતાના રસ્‍તાની અડચણો દુર કરાવડાવી સુખેથી સૂઇ જાય છે.... : રાજકોટ શહેરની જનતાએ ભૂતકાળમાં કદી ટ્રાફીક શાખાની આવી સુસ્‍ત, બિન જવાબદારી ભરેલી કામગીરી જોઇ નથીઃ ઉંચ્‍ચ અધિકારીશ્રીઓના ઉદાસીન વલણથી પ્રજામાં નિરાશા છવાઇ છે : ટ્રાફીક સમસ્‍યાને વધુ વિકટ કરવામાં રાજકોટ મહાનગરપાલિકાનુ દબાણ હટાવ વિભાગ પણ એટલું જ જવાબદાર છેઃ પોલીસ અને મ્‍યુનિસીપલ કોર્પોરેશન વચ્‍ચે સંકલનનો અભાવ : મોંઘવારીના વિકટ સમયે પ્રજા પાસેથી કરોડો રૂપીયાનો બેફામ દંડ વસુલ કરવામા ટ્રાફીક શાખા અતિ સક્રિય છે પણ પ્રજા માટે મૂળભુત ફરજ બજાવવામાં અતિ નબળી કેમ છે ?

 રાજકોટ, તા., ૧૯: રાજકોટ શહેરની એક માત્ર વિકટ સમસ્‍યા એટલે ટ્રાફીકનો પ્રશ્ન. આ પ્રશ્ન પ્રજાની ડોકમાં હાડકુ બનીને  સલવાયેલો છે. તંત્રવાહકોને વર્ષોથી ટ્રાફીકની  વિડંબણાઓમાંથી પ્રજાને જાણે મુકત જ કરવી નથી તેવું પિકચર સ્‍પષ્‍ટપણે ઉપસ્‍થિત થયું છે. રાજકોટની ૨૦ લાખનો આંકડો પાર કરવા જઇ રહેલી જનતા જાગે ત્‍યારથી સુવે ત્‍યાં સુધીમાં અસંખ્‍યવાર પોતાના નક્કી સ્‍થળોએ પહોંચવા અભિમન્‍યુના ૭ કોઠા ભેદવા પડે તેવી ટ્રાફીક સમસ્‍યાનો સામનો કરવો પડે છે. આ સમસ્‍યા જગજાહેર છે પરંતુ ચુંટાયેલા પ્રતિનિધિઓ કે તંત્રવાહકોને તે અનુભવાતી નથી અને જો અભુવાય છે તો તેનું નિરાકરણ કરવામાં બિલકુલ રસ નથી તે વાત ‘એકને એક બે' જેવી છે. ત્‍યારે જનજાગૃતી અભિયાન મંચે વધુ એક વખત  પોલીસ કમિશ્નરને સંબોધી આ સમસ્‍યા પ્રસ્‍તૃત કરી તેનું નિરાકરણ કરવા પ્રજાવતી માંગણી કરી છે. જનજાગૃતી અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડ અને તેની ટીમે કરેલા ફિઝીકલ સર્વેમાં ટ્રાફીક સમસ્‍યાનું બિહામણું વાસ્‍તવિક ચિત્ર ઉપસ્‍યું છે જે પોલીસ અધિકારીઓ સમક્ષ રજુ કર્યુ છે.

શહેરની પ્રજા એ શહેર ટ્રાફીક શાખાની વર્તમાન સમયે ચાલતી સુસ્‍ત, નબળી, બીન જવાબદારભરી કામગીરી ભુતકાળમા કદી જોવા મળેલ નથી, જેથી શહેરની પ્રજાને મજબુત શંકા જન્‍મેલ છે કે ટ્રાફીક શાખા ભ્રષ્‍ટાચારના ભરડામાં ફસાય હોવી જોઇએ ? અન્‍યથા ટ્રાફીક પોઇન્‍ટ ઉપરનો પોલીસ સ્‍ટાફ અને ટ્રાફીક બ્રિગેડનો સ્‍ટાફ સખ્‍ત ટ્રાફીક વચ્‍ચે ટોળે વળી માત્રને માત્ર સેલ ફોનમાં મશગુલ રહી શકે નહી ? અનેક પોઈન્‍ટનો સ્‍ટાફ દુર સ્‍કુટર, બાકડા ઉપર બેસી પ્રજા હેરાન-પરેશાન થતુ હોઈ ત્‍યારે મસ્‍તીથી બેસી મોબાઇલમાં મશગુલ રહી શકે નહી ? ટુકમાં ટ્રાફીક શાખાનો મોટા ભાગનો સ્‍ટાફ જનતાને પડતી મુશ્‍કેલીમા જરૂરી ફરજ બજાવવામાં રસ ધરાવતો નથી જેથી જનતા ખૂબજ હેરાન પરેશાન થાય છે, આ એક નકકર હકીકત છે.

અમોને મળેલ માહિતી મુજબ ટ્રાફીક બ્રાન્‍ચમાં અંદર-બહાર, ઉપર-નીચે ભ્રષ્‍ટાચાર ચાલે છે ? ખાસ જગ્‍યાએ ફરજ આપવી, ઈચ્‍છા મુજબ ફરજ બજાવવી ન બજાવવી, ફોન મળતા જ શહેર કે શહેર બહાર ભેગુ થવુ એવુ લાગે છે. આ શાખામાં સુપરવીઝન સ્‍ટાફ નથી ? અને હશે તો બધાજ ભ્રષ્‍ટાચારમાં મળેલ હશે ? એવી સ્‍પષ્‍ટ છાપ ઉભી થઈ છે, આ બાબત ગંભીર તપાસનો વિષય છે.

સિવીલ ડે્રસમાં તટસ્‍થ અધિકારીઓ પાસે સરપ્રાઈઝ વિઝીટથી તમામ પોઈન્‍ટ ઉપરની અને સમગ્ર ટ્રાફીક શાખાની કામગીરી અંગે અભ્‍યાસ અને તપાસ કરાવો તો અમારી રજુઆતની સંપૂર્ણ સત્‍ય વિગત જાણમાં આવી જશે. આ અમારી શહેરની પ્રજા વતી માગણી છે.

ઉપરોકત તમામ વિગતો અમારી ટીમે સ્‍થળ પર જે જોવા મળેલ છે તે અને શહેરની જાગૃત પ્રજાએ અમને માહિતી આપેલ છે. તેનો આ ટુંકસાર છે જે આપની જાણ માટે.

શહેરના વિવિધ મુખ્‍ય માર્ગ ઉપર બ્રીજ (પુલ) ના કામ ચાલુ હોવાથી આ માર્ગનો ટ્રાફીક નજીકના અન્‍ય માર્ગ તરફ ટ્રાન્‍સફર કરેલ છે પરંતુ આ માર્ગ ઉપર ટ્રાફીક શાખાના સ્‍ટાફની નબળી અને અનિયમિત કામગીરીને કારણે પ્રજા વધુ હેરાન પરેશાન થાય છે.

શહેરના ત્રાસદાયક ટ્રાફીક પ્રશ્‍ન અંગે વડી અદાલતના આદેશથી તથા રાન્નય સરકારની સુચનાથી શહેરમાં અનેક વખત આ સમસ્‍યા અંગે ઝુંબેશ ચલાવેલ છે, પરંતુ આ તમામ પ્રયાસ જવાબદાર તંત્રની નબળી ઇચ્‍છાશકિતને કારણે નિષ્‍ફળ રહે છે આ હકીકત છે. ટ્રાફીક સમસ્‍યામાં કાયમી ધોરણે રાહત થાય તેવું નકકર આયોજન થાય તેવું શહેરની પ્રજા ઇચ્‍છે છે.    

રાજકોટ શહેરનો ૧૩૧.ર૧ ચો.કી.મો.નો વિસ્‍તાર છે. જેમાં અંદાજે વીસ લાખની જન સંખ્‍યા વસવાટ કરે છે. આર.એમ.સી. શહેરની હદ વધારવા સક્રિય છે. પણ આર.એમ.સી. ને પોલીસ તંત્ર ટ્રાફીક સમસ્‍યા અંગે સાથે બેસીને આયોજન કરવામાં નબળું સાબિત થયેલ છે.

આર.એમ.સી. અને પોલીસ વચ્‍ચે ટ્રાફિક સમસ્‍યાના ગંભીર પ્રશ્‍ને સંકલનનો અભાવ છે. મિટીંગમાં સુચનો બાદ થયેલ હુકમોનું કાયમી ધોરણે બન્‍ને વિભાગ તરફથી પાલન કરવામાં આવતું નથી.

શહેરમાંથી સમગ્ર સૌરાષ્‍ટ્રના જુદા જુદા નાના મોટા શહેરોમાં જવા માટે આવવા માટે અંદાજીત ખાનગી ૪૦૦ થી વધુ મીની બસો, મોટી સાઇઝની જીપોના સ્‍ટેન્‍ડ શહેરના મુખ્‍ય રસ્‍તાઓ ઉપર જ છે અને આ તમામ વાહનો મુસાફરો લેવા ઉતારવા શહેરના તમામ મુખ્‍ય અને પેટા રસ્‍તાઓ ઉપર જ આ વાહનો ઉભા રહે છે. જેથી ટ્રાફિક સમસ્‍યા વધુ વિકટ બને છે. ભારે વાહનની પ્રવેશબંધી લકવાગ્રસ્‍ત છે. માત્ર દેખાડા પુરતી મહિને બે મહિને કામગીરી થતી હોય તેવુ લાગે છે.

ટ્રાફિક શાખાનો સ્‍ટાફ તેમની તમામ પ્રકારની કામગીરી ટ્રાફિક બ્રિગેડના સ્‍ટાફ ઉપર છોડી દેતા તેઓ અન્‍ય પ્રવૃતિમાં રોકાયેલા પ્રજા જોવે છે. સંઘન સુપરવિઝનના અભાવે ફરજ ઉપરનો સ્‍ટાફ ઘોર બેદરકારી દાખવે છે અને પ્રજા પરેશાન થાય છે. આ અંગે કમિશ્‍નરશ્રીએ કાયમી ધોરણ સંઘન સુપરવિઝનની વ્‍યવસ્‍થા ગોઠવાય તેવું પ્રજા ઇચ્‍છે છે.

શહેરના અનેક ચોકમાં ટ્રાફિક સિમ્‍બોલ (છત્ર) યભી કરવામાં આવેલ છે. પણ ફરજ પરનો એક ટકો પણ કર્મચારી આ છત્રી નીચે ઉભા રહી ફરજ બજાવતા નથી. દૂર ઉભા રહી ફરજ બજાવે છે. ઘણી વખત તો ટ્રાફિકને કારણે ફરજ ઉપરનો સ્‍ટાફ જોઇ પણ શકતો નથી. એક ચોકમાં બે-ત્રણ-ચારનો સ્‍ટાફ ફરજ બજાવે છે. પણ તેમના વચ્‍ચે પણ સંકનલ હોતું નથી. જેથી જુદા જુદા રોડની સાઇડ ખોલ બંધ કરે છે. આને કારણે પ્રજા હેરાન થાય છે. જો ચોકમાં હાથથી સાઇડ આપવાની પ્રથા બંધ રાખવાની હોઇ તો છત્રીઓ દૂર કરી દેવી જોઇએ, જેથી ચોક પહોળો થશે.

સીટી બસો ચાલુ કરતા શહેરના તમામ રીક્ષા ચાલકો ધંધા માટે રીક્ષા સ્‍ટેન્‍ડ ઉપર ઉભા રહેવાના બદલે શહેરના તમામ મુખ્‍ય માર્ગો અને ચોકમાં ઉભા રહે છે. જેથી ટ્રાફિક સમસ્‍યા વધુ ગંભીર બનેલ છે. આ ગંભીર બાબત ઉપર પોલીસ વિભાગ પણ અજાણ હોઇ તેમ કોઇ જ કાર્યવાહી કરતુ નથી આ અંગે સતત સખ્‍ત કાર્યવાહી કરવી જરૂરી છે.

જે પોઇન્‍ટ ઉપર ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે ત્‍યાં આધુનિક કેમેરા લગાવી તેનું કેમેરા કન્‍ટ્રોલ રૂમમાંથી સુપરવિઝન કરાવવાથી સ્‍ટાફ સજાગ રહેશે. આ અમારો અને પ્રજાનો અભિપ્રાય છે. નાની મોટી ઝુંબેશ ચલાવવાથી ટ્રાફિક સમસ્‍યામાં પ્રજાને રાહત મળેલ નથી અને મળશે પણ નહી.

ઉપરોકત રજુઆતને ગંભીરતાપૂર્વક લઈને સત્‍વરે નકકર કાર્યવાહી માટે વિનંતીસહ માગણી છે.

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ, રજુઆત સમિતિના ચેરમેન શ્રી મનુભાઇ મારૂ, કમિટી સભ્‍યશ્રી કિરીટી દેસાઇ, શ્રી રમેશ જોટાણી, શ્રી જયદેવ ઓઝા, શ્રી ગજુભા ઝાલા તથા એડવોકેટશ્રી ઇન્‍દ્રવિજયસિંહ રાઓલે આ અહેવાલ શહેર પોલીસ કમિશ્‍નરશ્રીને સુપ્રત કરી તેની નકલો પ્રજા હિતમાં સત્‍વરે યોગ્‍ય નિરાકરણ લાવવાની આશા સાથે શહેરના મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, બન્‍ને સંસદ સભ્‍યશ્રીઓ અને શહેરના ત્રણ ધારાસભ્‍યશ્રીઓને રવાના કરી છે.

 તખ્‍તસિંહ (તખુભા) રાઠોડ,

મો.  ૯૮ર૪ર  ૧૬૧૩૦

(2:45 pm IST)