Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

આઝાદી કા અમૃત મહોત્સવ : પીજીવીસીએલ દ્વારા રાજકોટના ૪૬ સહિત સૌરાષ્ટ્રના ૬૧૯ વીજ ગ્રાહકોનું ઘરે જઇ સન્માન

સતત એક વર્ષ સુધી બીલ મળ્યાના ૫ દિવસમાં ભરપાઇ કરનાર ગ્રાહકોનું બહુમાન : લીંબડી - કુંકાવાવમાં ઊર્જા મંત્રીની હાજરીમાં ટ્રોફી અપાઇ : રાજકોટમાં ગોવિંદભાઇ પટેલે બહુમાન કર્યુ

રાજકોટ તા. ૧૯ : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીજબીલ ભરવામાં નિયમિતતા દાખવનાર ૬૧૯ વીજગ્રાહકોના ઘેર જઈ ટ્રોફી એનાયત કરી તેમનું સન્માન કરાયું હતું. પીજીવીસીએલ પોતાના ગ્રાહકોની ઉત્ત્।મ સેવા, ત્વરિત સેવા અને શ્રેષ્ઠ સેવા ઉપરાંત ગ્રાહકોની વીજ બીલ ભરવાની નિયમિતતા અને સાતત્યતાની પણ નોંધ રાખે છે. હાલમાં વર્ષા ૨૦૨૧-૨૨ દરમ્યાન પીજીવીસીએલ હેઠળ આવતા તમામ ગ્રાહકોમાંથી જે ગ્રાહકે સતત પોતાનું વીજબીલ મળ્યાના પ (પાંચ) દિવસ માં બીલ ચુકવ્યું હોય તેવા ગ્રાહકોને સન્માનિત કરાયા. આવા સંનિષ્ઠ અને નિયમિત ચુકવણું કરતા ગ્રાહકોને ટ્રોફી આપી તેમના ઘરે જઈ ને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અભિગમથી ગ્રાહકોનો ઉત્સાહ અને વીજબીલ ચુકવવાની નિયમિતતામાં નોંધનીય સુધારો થશે.
આજે કનુભાઈ દેસાઈ  કેબીનેટ મંત્રીશ્રી નાણાં, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ ની ઉપસ્થિતિમાં લીંબડી ખાતે વર્ષ દરમ્યાન સતત નિયમિત વીજબીલ ભરનાર વીજગ્રાહકોનું  રૃબરૃ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીયુવીએનએલના  મેનેજીંગ ડાયરેકટર શ્રી જય પ્રકાશ શિવહરે, પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટર શ્રી વરૃણકુમાર બરનવાલ તેમજ અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત મુકેશભાઈ પટેલ  રા.ક. મંત્રીશ્રી કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ ની ઉપસ્થિતિમાં નાની કુકાવાવ (અમરેલી) ખાતે વર્ષ દરમ્યાન સતત નિયમિત વીજબીલ ભરનાર ખેતીવાડીના વીજગ્રાહકોનું રૃબરૃ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીજીવીસીએલના જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર શ્રીમતી પ્રીતિ શર્મા મેડમ તેમજ અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેર વર્તુળ કચેરી નાં સિટી ડિવિઝન - ૧ હેઠળ આવતા પ્રહલાદ પ્લોટ, મિલપરા, આજી - ૧, આજી - ૨, આજી ઇન્ડસ્ટ્રીયલ, સોરઠીયાવાડી, કોઠારિયા રોડ સબ ડિવિઝન નાં કુલ ૪૬ વીજ ગ્રાહકો કે જેમના દ્વારા આખા વર્ષ દરમ્યાન સતત વીજ બિલ મળ્યાના ૫ (પાંચ) દિવસમાં વીજબિલ ભરપાઈ કર્યા હોય તેમના ઘેર જઈ તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વીજ ગ્રાહકોને ટ્રોફી આપી બિરદાવાયા હતા. આ કાર્યક્રમ સિટી ડિવિઝન ઓફિસ, જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ, કનક રોડ,  મ્યુનસિપલ કોર્પોરેશન પાસે, સવારે ૮.૩૦ વાગ્યે યોજાયો હતો.

 

(12:13 pm IST)