Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જિલ્લા પુસ્‍તકાલયમાં ૧૩ વૃક્ષોનું નિકંદન વૃક્ષ છેદન નહી પણ પર્યાવરણ છેદન

મનપા નોટીસ ફટકારશેઃ મનપા દ્વારા આર એન્‍ડ બી વિભાગ હસ્‍તકના પુસ્‍તકાલયને માત્ર ‘૮ ડાળીઓ' કાપવા જ પરવાનગી અપાયેલઃ ગ્‍લોબલ વોર્મિંગની અસરને ઓછી કરવા અને આવનાર પેઢીને સુરક્ષીત રાખવા વૃક્ષો અત્‍યંત મહત્‍વના હોવાથી તંત્ર જાણે અજાણ

જિલ્લા પુસ્‍તકાલયે ૧૩ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્‍યું છે. આ વૃક્ષો અનેક વર્ષો જુના હતા, જે માત્ર હવે થડ બનીને રહી ગયા છે જે ઉપરોકત તસ્‍વીરમાં જોઇ શકાય છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૮ : વિશ્વભરમાં પ્રદુષણે અજગર ભરડો લીધો છે, ઠેર-ઠેર ગ્‍લોબલ વોર્મિંગની અસરના લીધે પ્રકૃતિ કોપ વરસાવે છે. ક્‍યાંક અત્‍યંત ગરમી તો ક્‍યાંક ઠંડી, ધોધમાર વરસાદ, પુર જેવી સ્‍થિતિઓ ઉદ્‌ભવતિ હોવાથી સૌ વાકેફ છે. યુનો દ્વારા પણ પર્યાવરણ બચાવવા ઝુંબેશના ભાગરૂપે વૃક્ષારોપણ સહિતના પગલા લેવાય રહ્યા છે. ત્‍યારે આર એન્‍ડ બી વિભાગ હેઠળ શહેરના યાજ્ઞિક રોડ પર ગેસ્‍ફોર્ડ સિનેમા પાસે આવેલ જિલ્લા લાયબ્રેરીના સત્તાધીશોએ હદ વટોળી છે. જિલ્લા પુસ્‍તકાલય દ્વારા મનપા તંત્ર પાસેથી નડતરરૂપ ઝાડ કાપવા મંજુરી માંગવામાં આવી હતી. જેથી મનપા તંત્ર દ્વારા સ્‍થળ તપાસ બાદ માત્ર ‘૮ ડાળીઓ' કાપવા પરવાનગી આપવામાં આવી હતી.  સરકારી તંત્ર હોવા છતાં જિલ્લા પુસ્‍તકાલયને ૮ ડાળીઓ જ કાપવાની મંજુરી હોવા છતાં આખેઆખા ૧૩ વૃક્ષો જ કાપી નખાતા પર્યાવરણ પ્રેમીઓ અને નગરજનોમાં ભારે અરેરાટી અને રોષની લાગણી ઉભી થઇ છે.

જિલ્લા લાયબ્રેરી દ્વારા લેવાયેલ આ વૃક્ષ છેદન નહી, પણ પર્યાવરણ છેદનનું પગલુ લોકો ગણાવી રહ્યા છે, ત્‍યારે મનપા દ્વારા આ કૃત્‍ય બદલ જિલ્લા લાયબ્રેરી જે વિભાગ હેઠળ આવે છે તે આર એન્‍ડ બી વિભાગને નોટીસ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પર્યાવરણની રક્ષા કરતા જુનવાણી વૃક્ષોને કાપવા બદલ તંત્ર દ્વારા કેવા પગલા લેવાશે તે અંગે શહેરીજનો મીટ માંડીને બેઠા છે.

(3:26 pm IST)