Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ઘા ઉપર મલમઃ ૫૦થી વધુ ઇ-મેમો ચડત થતા ડિટેઇન થયેલા વાહનો છોડી મુકવાનો નિર્ણય

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હજારો વાહન ચાલકોની મુશ્કેલી પળવારમાં દૂર કરીઃ વાહન ચાલકો હવે પછી ટ્રાફિકના નિયમો ન તોડે તે જોવા તાકીદ

રાજકોટ તા. ૧૯: શહેરમાં અનેક વાહન ચાલકોને એક સાથે દસ-બાર નહિ પરંતુ ૫૮થી માંડી ૧૫૦ સુધીના ચડત ઇ-મેમો એક સાથે ફટકારી આવા વાહન ચાલકોને તુરંત દંડ ભરવા અને દંડ ન ભરે તો વાહન ડિટેઇન કરવાનો નિર્ણય પોલીસે લીધો હતો. આદેશો થતાં જ જે તે પોલીસ મથકો હેઠળના વિસ્તારોમાં રહેતાં આવા વાહન ચાલકોને બોલાવી તેના વાહનો ડિટેઇન કરવાનું શરૂ થયું હતું. શહેરમાં આવા લગભગ ત્રણેક હજાર વાહન ચાલકોને એક સાથે ચડત ઇ-મેમો મળતાં દેકારો મચી ગયો હતો. વાહનની કિંમત પચાસ હજાર માંડ હોય તેને લાખ કે દોઢ લાખના ચડત ઇ-મેમો ફટકારાયા હતાં. ઘણાના વાહનો ડિટેઇન પણ કરી લેવાયા હતાં.

કોરોના કાળમાં એક તો લોકો અનેક જુદા જુદા કારણોથી પરેશાન હતાં ત્યાં ચડત ઇ-મેમો હોય તેના વાહનો ડિટેઇન કરવાનું શરૂ થતાં લોકો હાલાકીમાં મુકાઇ ગયા હતાં. ઘણા ખરા વાહન ચાલકો તો એવા પણ હતાં કે જેમને એકપણ ઇ-મેમો મળ્યા જ નહોતાં. વાહન ચાલકોની આ હાલાકી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સુધી પહોંચતા તેમણે પળનો પણ વિલંબ કર્યા વગર નવો આદેશ આપી ચડત ઇ-મેમોને કારણે જેના પણ વાહનો ડિટેઇન કર્યા હોઇ તેના વાહનો નિવેદન નોંધી આગળના એકાદ બે મેમોનો દંડ વસુલી વાહન છોડી મુકવા આદેશ કરતાં વાહન ચાલકોમાં હાશકારો થયો છે. ભરતભાઇ નામના નાગરિકે પોલીસ કમિશનરશ્રીના આ નિર્ણય બદલ આભાર  તેમનો આભાર વ્યકત કર્યો હતો. ભરતભાઇને એકપણ મેમો મળ્યો નહોતો અને તેના નામે એક સાથે ૫૮ ચડત ઇ-મેમો નીકળ્યા હતાં. તેમની રજૂઆતને સંતોષકારક સફળતા મળી હતી.

જો કે હવે પછી કોઇપણ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી થશે તેવી તાકીદ કરવામાં આવી છે. મેમો મળ્યા કે ન મળ્યા એ વાત સાઇડ પર રાખીએ અને બીજી તરફ જોઇએ તો જેને ચડત મેમો મળ્યા એ વાહનચાલકોએ ટ્રાફિકના નિયમો તો તોડ્યા જ હતાં. હાલ તુર્ત સમસ્યાનું સમાધાન થઇ ગયું છે.

(3:11 pm IST)