Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કાલાવડ રોડ ઉપરના ખુની હુમલા કેસના ત્રણ આરોપીની જામીન અરજી રદઃ અન્ય ત્રણ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧૯: અહીંના કાલાવાડ રોડ ઉપર શ્રીજી હોટલ પાસે લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરીને હત્યાની કોશિષ કરવાનાં ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીઓની જામીન અરજીને સેસન્સ અદાલતે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી ભાવ઼ેશભાઇના મિત્ર ચેતન ઉર્ફે આર. સી. સાથે આરોપીઓએ ઝઘડો કરીને લોખંડ તથા પાઇપનો ઘા મારીને ગંભીર ઇજા કરતાં ઇજા પામનારને હેમરેજ જેવી ગંભીર ઇજા થયેલ હતી.

આ બનાવમાં પોલીસે છ આરોપીની ધરપકડ કરતાં ત્રણ આરોપીઓ જેમાં મોટામવા રેમ્બો સીટીમાં રહેતા દિલીપ સોસા. કટારીયા શો-રૂમ પાછળ રહેતાં પ્રતાપ સોમા, અને આંબેડકરનગરમાં રહેતા કપીલ બલ્લેબલ્લેની જામીન અરજીને કોર્ટે રદ કરી હતી. જયારે અન્ય ત્રણ આરોપીઓ બ્રીજેશ અરજણ સોલંકી, વિપુલ ભાણો ચાવડા તથા ગીરીશ કાનજી ચુડાસમાની જામીન અરજીને કોર્ટે મંજુર કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજુઆત કરેલ કે, સમગ્ર બનાવ સીસી. ટીવી.માં કેદ થયેલ છે. જેમાં આરોપીઓ હુમલો કરતાં દર્શાય છે. આમ આરોપીઓ વિરૂધ્ધ પ્રથમ દર્શનીય ગુનો હોય જામીન અરજીને રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ કોર્ટે ત્રણ આરોપીની જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકારપક્ષે સરકારી વકીલ બિનલબેન રવેશીયા રોકાયા હતાં.

(3:06 pm IST)