Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

સગીર પુત્રીઓનો કબ્જો મળવા અંગે માતાએ કરેલ અરજી રદ કરતી કોર્ટ

રાજકોટ, તા. ૧૯ : સગીર પુત્રીઓનો સર્ચવોરંટના આધારે કબ્જો મળવા માતાએ કરેલ અરજીને અદાલતે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં પિયર ધરાવતા કાજલબેન ડો.ઓ.દિનેશભાઇ ભલગામા કે જેઓના લગ્ન આશરે ૧ર વર્ષ પહેલા જામનગર મુકામે પવનચક્કી વિસ્તારમાં રહેતા કલ્પેશભાઇ રમેશભાઇ કામડીયાની સાથે થયેલા અને તેઓના લગ્નજીવન દરમ્યાન બે પુત્રીઓ કે જેમાં મોટી પુત્રી નેહલ ૯ વર્ષ તથા નાની પુત્રી નેન્સી ૩ વર્ષની હોવા છતાં સદરહું કાજલબેનને તેઓના સાસરામાં તથા આડોશપાડોશમાં પોતાની એક ભુલ બહાર આવી જશે તેવા ભયથી પોતે જાતે જ પતિગૃહનો ત્યાગ કરી પોતાના પિતા દિનેશભાઇ ભલગામા કે જેઓ કુબલીયાપરા, રાજકોટ મુકામે રહે છે તેઓને ત્યાં આવી ગયેલા.

ત્યારબાદ તેઓએ પોતાના સાસુ ભગવતીબેન રમેશભાઇ તથા દિયર ઉદયભાઇ રમેશભાઇની સામે પોતાની બન્ને સગીર પુત્રીઓને ઉઠાવી જવાની ખોટી ફરીયાદ કરેલ અને ત્યારબાદ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં આ સગીર પુત્રીઓના કબ્જો મેળવવા અર્થે સર્ચ વોરંટની અરજી કરેલી અને તેથી તે કામે સાસુ તથા દિયર વતી રાજકોટના એડવોકેટ હિતેષ હળવદીયા, અભિષેક ગઢીયા તથા જીજ્ઞેષ પઢીયારે અદાલતમાં એપીયરન્સ દાખલ કરી કાજલબેનની આવી અરજીનો પ્રતિકાર કરેલ અને સગીરના પિતા વિગેરેના નિવેદનો નોંધી અને સી.આર.પી.સી.-૯૭ તથા તેનો વ્યાપ તથા કેસની હકીકત, સંજોગો વિગેરે સંબંધે ખુલાસો તથા રજુઆત કરતા રાજકોટના ૬ઠા અધિક ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી સુતરીયા મેડમે અરજદાર કાજલબેનની બન્ને સગીર પુત્રીઓનો કબ્જો મેળવવા અંગેની અરજી નામંજુર કરેલ અને સાસુ તથા દિયરની તરફેણમાં ચૂકાદો આપેલ છે.

આ કામમાં સાસુ ભગવતીબેન રમેશભાઇ તથા દિયર ઉદયભાઇ કામડીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી અભિષેક એસ. ગઢીયા, હિતેષ જે. હળવદીયા, નયન વેકરીયા તથા જીજ્ઞેષ પઢીયાર રોકાયેલા હતા.

(3:21 pm IST)