Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

જર્મન શેફર્ડ, લેબ્રાડોર, પોમેરીયન જેવા શ્વાનો કેટવોક કરશે

૨૮મીએ ચૌધરીના મેદાનમાં ડોગ શો : ડોગ લવર્સ માટે અનેરો લ્હાવો : ૨૬ પ્રજાતિના શ્વાનો ભાગ લેશે : નાના બ્રીડના શ્વાનો ફેશન શો

રાજકોટ, તા. ૧૯ : સૌરાષ્ટ્ર - કચ્છ પેટ શોપ એસો. દ્વારા શહેરમાં ૨૮મીએ રવિવારે ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે ઓપન સૌરાષ્ટ્ર - કચ્છના વિશાળ ડોગ શોનું આયોજન કરવામાં આવેલ છે. ભાગ લેવા માંગતા શ્વાન માલિકોએ નજીકના પેટ શોપમાં તાત્કાલીક એન્ટ્રી નોંધાવી દે. છેલ્લી તા.૨૬મી છે.

આ ડોગ શોમાં ૨૬ થી વધુ પ્રજાતિના કુલ ૬૦૦ શ્વાનો સાથે ૫૦૦ ગ્રામથી લઈને ૧૨૦ કિલોના કદાવર શ્વાનો સૌરાષ્ટ્ર- કચ્છમાંથી રાજકોટ ભાગ લેવા આવવાના છે. શોમાં નાની બ્રીડના શ્વાનનો કેપ - ચશ્મા - ટોપી - ટાઈ - શૂટમાં ફેશન - શો કેટવોક યોજાશે. સાથોસાથ શ્વાનની વિવિધ કરતબ પણ નગરજનોને બતાવશે. નગરજનો તથા શ્વાન લવર્સ માટે શ્રેષ્ઠ આયોજનમાં વિશાળ રીંગ -વેઈટીંગ રીંગ - સ્ટેજ - લોખંડની બેરીગેટ - વિશાળ પેકીંગ સાથે શ્રેષ્ઠ વ્યવસ્થા રાખેલ છે. ડોગ શોમાં રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી ,ગોંડલ, ભાવનગર, જૂનાગઢ જેવા વિવિધ શહેરોમાંથી શ્વાનો રાજકોટ ભાગ લેવા આવી રહ્યા છે.

દરેક ભાગ લેનારને પ્રમાણપત્ર વિજેતાને ટ્રોફી, તથા રોકડ પુરસ્કાર પણ અપાશે. દરેક બ્રીડવાઈઝ પ્રથમ બે તથા બધી બ્રીડમાંથી ટોપ - ૧૦ બેલ્ટ ઈન શો પણ જાહેર કરવામાં આવે છે. તેમ અરૂણ દવેએ જણાવેલ છે.

આયોજનને સફળ બનાવવા શાકીર સૈયદ, ભુવનેશ પંડ્યા, અરૂણ દવે, સુનિલ ચૌહાણ, આશિષભાઈ સહિતના કમીટી મેમ્બરો સંભાળી રહ્યા છે. વિવિધ કમીટીની રચનાના કન્વીનરો સર્વશ્રી અલિભાઈ, મયુરભાઈ, સોહીલભાઈ, સંજયભાઈ, વત્સલભાઈ, કેડી શર્મા, કેવીન પટેલ, પ્રેમ કાપડી, વિમલભાઈ તથા રણજીતભાઈ ડોડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

છેલ્લા ૪૦ વર્ષથી ડોગ શોનંુ આયોજન સંભાળતા અરૂણ દવે ચેરમેન ડોગ લવર્સ કલબે જણાવેલ કે આ વર્ષનો ડોગ શો ગુજરાતનો સૌથી મોટો ને અનોખો છે. શ્વાનપ્રેમીઓ - નગરજનોમાં જનજાગૃતિ આવે તેમજ બાળકોમાં શ્વાનના ગુણો વફાદારી - પ્રેમ - હૂંફ - લાગણી જેવાનો વિકાસ થાય તેવો હેતુ છે.

ખાસ આકર્ષણના ભાગરૂપે અમુક શ્વાનની પ્રજાતિ ગુજરાતમાં પ્રથમવાર રાજકોટના આંગણે શ્વાન માલિકો પાસે છે તે પ્રથમવાર જોવા મળશે. લાખેણા શ્વાનો જોવા મળશે. નિષ્ણાંત વેટરનરી ડોકટર તથા ભારતના શ્રેષ્ઠ નિર્ણાયકો ડોગ શોમાં પોતાની સેવા આપશે. વિશેષ માહિતી માટે અરૂણ દવે - ૯૮૨૫૦ ૭૮૦૦૦, ભુવનેશ પંડ્યા - ૯૮૨૫૪ ૪૦૦૪૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:20 pm IST)