Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ત્રિપલ તલ્લાક બીલઃ મુસ્લિમ મહિલાઓના સ્વાભિમાન અને સમાનતાના યુગનો પ્રારંભ

કોંગ્રેસ સહિતના વિપક્ષોએ રાજ્યસભામાં બીલ અટકાવ્યું: ભાજપ મહિલાઓના સન્માન - અધિકાર માટે કટિબધ્ધ

રાજકોટ : ત્રિપલ તલાકના કાયદા દ્વ્રારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારે દેશની મુસ્લિમ મહિલાઓનાં હિતમાં સૌથી મોટો ફૈસલો કર્યો છે.ત્રિપલ તલાક બીલ એ દેશની મુસ્લિમ મહિલાઓનાં સ્વાભિમાન,શશકિતકરણ અને સમાનતાના નવા યુગની શરૂઆત છે. ભાજપા સરકાર મહિલાઓનાં સન્માન અને તેમના અધિકારોની સુરક્ષા માટે કટિબદ્ઘ છે.ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે કે ધર્મ કે સંપ્રદાયના આધાર પર મુસ્લિમ માતાઓ કે બહેનો સાથે પણ કયારેય અન્યાય થવો જોઈએ નહિ. આ પ્રથા મુસ્લિમ મહિલાઓને બીજા સમુદાયની તુલનામાં અસમાન તથા નબળી બનાવે છે. ત્રિપલ તલાક બીલ મુસ્લિમ મહિલાઓને નવી આશા અને આત્મવિશ્વાસ સાથે આત્મગૌરવની પણ અનુભૂતિ કરાવશે.

૨૨મી ઓગષ્ટ ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રિપલ તલાકને ગેરબંધારણીય પ્રથા ગણાવી હતી મુસ્લિમ મહિલાઓ પર ત્વરિત ત્રિપલ તલાક એટલે તલાક-એ-બિદ્દત જેવી અત્યાચારી પ્રથા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કાયદો બનાવવાનું કહ્યું હતું.૨૮મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે ભાજપા સરકારના કેન્દ્રીય કાયદા મંત્રીશ્રી રવિશંકર પ્રસાદે ત્રિપલ તલાક બીલ લોકસભામાં રજુ કર્યું હતું અને વિપક્ષોની પાયાવિહીન દલીલો અને વિરોધ વચ્ચે આ બીલ લોકસભામાં પસાર કરી દેવામાં આવ્યું હતું.હાલ આ બીલ રાજયસભામાં અટવાયેલું છે.જયાં હાલ ભાજપાની બહુમતી નથી.આ વિધેયકને 'ધ મુસ્લિમ વીમેન પ્રોટેકશન ઓફ રાઈટ્સ ઇન મેરેજ એકટ' નામ આપવામાં આવ્યું છે.આ બીલ પ્રમાણે ત્રિપલ તલાક હવે બિન જામીનપાત્ર ગુનો ગણાશે.ત્રણ વખત તલાક બોલીને જો છુટ્ટા છેડા આપવામાં આવશે અને તેની ફરિયાદ પત્ની દ્વારા કરવામાં આવશે તો તેવી સ્થિતિમાં આ બીલમાં પતિ માટે ત્રણ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.

પાકિસ્તાન જેવા કટ્ટર મુસ્લિમ દેશે ૧૯૬૧માં જ ત્રિપલ તલાક પ્રથાને નાબુદ કરી દીધી છે.બાંગ્લાદેશે તો શરૂઆતથી જ આ પ્રથાને જાકારો આપી દીધો હતો.આ ઉપરાંત તુર્કી,ઈરાન,ટ્યુનીશીયા,અલ્જેરિયા,મલેશિયા જેવા અનેક મુસ્લિમ દેશોએ ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવી તેના પર પ્રતિબંધ મુકેલો છે.આશ્ચર્યની વાત એ છે કે ભારતમાં આઝાદીના ૭૦-૭૦ વર્ષો સુધી કોઈપણ સરકારોએ આ અન્યાયી પ્રથાની વિરુદ્ઘમાં કેમ કોઈ કાયદો ના બનાવ્યો ?

આઝાદી બાદ દેશમાં મોટેભાગે કોંગ્રેસનું શાસન રહ્યું છે. કોંગ્રેસે તેની મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિઓને કારણે દેશની પ્રગતિમાં હંમેશા અવરોધો ઉભા કર્યા છે.શાહબાનો કેસમાં કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે જૂકી ગયા હતાં. શાહબાનો મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી હતી. તેના પતિએ જયારે તેને તલાક આપ્યા ત્યારે શાહબાનોની ઉંમર ૬૨ વર્ષ હતી. પોતાના પાંચ બાળકો સાથે પતિથી અલગ થયેલી શાહબાનો પાસે આવકનું કોઈ સાધન ન હતું. જેથી તેણે ભરણ પોષણની માગ કરી હતી. અદાલતે શાહબાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ શાહબાનોના પતિએ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ શાહબાનોના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.પરંતુ રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ સંસદમાં બહુમતીના જોરે બદલાવી નાંખ્યો હતો અને આ કુરિવાજને સમર્થન આપ્યું હતું.ત્રિપલ તલાક પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લાઙ્ખ બોર્ડના વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે અદાલત સામે અનેક દલીલો રજુ કરી ત્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો હતો.સિબ્બલે ત્રણ તલાકને મુસ્લિમોની આસ્થાનો મુદ્દો જણાવીને તેની સરખામણી ભગવાન રામના અયોધ્યામાં જન્મ સાથે કરી હતી. કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ પોતાની બહુમતીના જોરે સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજયસભામાં આ બીલ પસાર થવા ના દઈને મુસ્લિમ મહિલાઓના સમાન અધિકાર, સુરક્ષા અને સ્વાભિમાન ને રૃંધવાનું પાપ કર્યું છે.કોંગ્રેસે મુસ્લિમોનો ફકત વોટબેંક તરીકે ઉપયોગ કર્યો પરંતુ મુસ્લીમોના ઉત્થાન તેમજ મુસ્લિમ મહિલાઓને તેના હક અપાવવા માટે કયારેય તત્પરતા બતાવી નથી તે આ ઘટના પરથી ફરી એકવાર સાબીત થઇ ગયું છે.

આમ,કોંગ્રેસના દેખાડવાના અને ચાવવાના હંમેશા જુદા રહ્યા છે. ત્રિપલ તલાક પ્રથાને લીધે દેશમાં વર્ષોથી મુસ્લિમ મહિલાઓને અન્યાય થતો આવ્યો છે ત્યારે ભાજપા દ્વારા આ કુપ્રથાને નાબુદ કરવા માટેનું ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આ નિર્ણયને દેશભરની મુસ્લિમ મહિલાઓએ હર્ષભેર આવકાર્યો છે.

પ્રશાંત વાળા

મો. ૯૯૨૪૨ ૦૯૧૯૧

(11:48 am IST)