Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

આજીડેમ ચોકડી ઓવરબ્રિજની દિવાલ તૂટતાં બે યુવાનના મોતથી ઘટનામાં અંતે બેદરકારી દાખવવા બદલ કોન્ટ્રાકટર-એન્જિનીયર સામે ફોજદારી દાખલ

મેજીસ્ટેરિયલ તપાસનો રિપોર્ટ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હીને મોકલાયા બાદ આદેશ થતાં રાજકોટના નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના પ્રોજેકટ ડાયરેકટર ફરિયાદી બન્યા

રાજકોટ : આજીડેમ ચોકડીના ઓવરબ્રિજની જમણી સાઇડની દિવાલનો આશરે ૧૫ મિટર જેટલો ભાગ ગત જુન મહિનામાં એકાએક તૂટી પડતાં બે યુવાન તેના વાહન સહિત દબાઇ જતાં મોત નિપજ્યા હતાં. આ ઘટનામાં સરકારે મેજીસ્ટેરિયલ તપાસના આદેશ કર્યા બાદ  તેનો પ્રાથમિક અહેવાલ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હીને મોકલી અપાયો હતો. તેના આદેશ અનુસંધાને  જે તે વખતના બ્રિજના કન્સેસનર (કોન્ટ્રાકટર), બાંધકામ વખતના તે વખતના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયર અને હાલના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનીયર વિરૂધ્ધ અંતે બેદરકારી પુર્વક નબળુ , હલ્કી ગુણવત્તાનું ક્ષતિવાળુ બાંધકામ કરતાં બ્રિજની દિવાલનો એક ભાગ તૂટી જતાં બે વ્યકિતના મોત નિપજ્યા અંગે અંતે ગુનો દાખલ થયો છે.

આજીડેમ પોલીસે આ બનાવમાં નાના મવા રોડ શાસ્ત્રીનગર ફલેટ નં. ૩૯માં રહેતાં અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્રોજેકટ ડાયરેકટર તરીકે ૫/૯/૨૦થી ફરજ બજાવતાં પંકજકુમાર રમેશપ્રસાદય રોય (ઉ.વ.૪૮)ની ફરિયાદ  પરથી રાજકોટની એલ્સામેક્ષ મેઇન્ટનન્સ સર્વિસ લિ. ધી આઇએલ, અમદાવાદની એમ.આઇ. સાઇ કન્સલ્ટીંગ એન્જિનીયર્સ પ્રા. લિ. તથા મુંબઇની એમએમ વાડીયા ટેકનો એન્જિનિયર સર્વિસ લિ. વરદ એસો. સામે આઇપીસી ૩૦૪, ૧૧૪ મુજબ આજીડેમ ચોકડી રાજકોટથી ગોંડલ ચોકડી રાજકોટ તરફ જતાં સર્વિસ રોડની દિવાલની ડિઝાઇન અસુરક્ષીત અને ખામીયુકત રીતે તૈયાર કરી દિવાલના બાંધકામમાં નબળી ગુણવત્તાના મટીરિયલ્સનો ઉપયોગ કરી યોગ્ય બાંધકામ ન કરતાં અને સમયાંતરે દિવાલનું સમારકામ ન કરતાં તેના કારણે ભવિષ્યમાંદિવાલ પડી જાય અને મોટી દૂર્ઘટના સર્જાય તેમજ તેનાથી માણસોના મોત નિપજે તેવી જાણકારી હોવા છતાં ઓવરબ્રિજની દિવાલનું નબળુ  હલકી ગુણવત્તાનું ક્ષતિવાળુ બાંધકામ અને ડિઝાઇન કરતાં દિવાલ પડી જવાથી બે વ્યકિતના મોત નિપજ્યાનો ગુનો દાખલ કર્યો છે. પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા સહિતની ટીમે તપાસ શરૂ કરી છે.

(12:50 pm IST)