Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પદ્મકુંવરબા હોસ્પિટલ પાછળના જર્જરીત બિલ્ડીંગને તોડી ચાર માળનું નવુ ભવન બનાવો : ગોવિંદભાઇ પટેલ

આરોગ્ય મંત્રીને રજુઆત : બાયો મેડીકલ વેસ્ટ રૂમ, આંખના ઓપરેશન માટે ઓ.ટી. સહીતની સુવિધા ઉભી કરવા સુચન

રાજકોટ તા. ૧૮ : શહેરના ગુંદાવાડી પાસે આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલ પાછળ આવેલ જર્જરીત બિલ્ડીંગ દુર કરી નવી સવલત ઉભી કરવા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ સમક્ષ રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે શ્રેષ્ઠ સેવા માટે પદ્મકુંવરબા હોસ્પિટલ ખુબ જાણીતી છે. રાજય કક્ષા અને રાષ્ટ્ર કક્ષાના તેમજ કાયા કલ્પના પદ્મશ્રી એવોર્ડ આ હોસ્પિટલને મળી ચુકયા છે. ત્યારે તેના પાછળના ભાગના જર્જરીત મકાનને તોડી નવી સવલત ઉભી કરવાથી લોકોને વધુ સારી સુવિધા મળી શકે તેમ છે.

આ હોસ્પિટલમાં દર વર્ષે ત્રણથી સાડા ત્રણ હજાર જેટલા ડીલેવરીના સફળ કેસ તેમજ કિડનીની બિમારી માટેના ડાયાલીસીસ દર વર્ષે ૯ હજાર જેટલા તેમજ સફળ ઓપરેશન પ હજાર જેટલા અને ઓપીડી ર,૩૦,૦૦૦ વર્ષ દરમિયાન થાય છે.

આ હોસ્પિટલને આનંદીબેન પટેલના સમયમાં ચાર માળનું બિલ્ડીંગ બનાવી સુવિધામાં વધારો કરાયો હતો. હાલ એ પણ ઓછો પડી રહ્યો હોય જુના સ્ટાફ કવાટર્સનું ડીમોલીશન કરી અંદાજે દોઢ કરોડના ખર્ચે બનાવવા તેમજ જુના બિલ્ડીંગની લીફટ બદલવા રપ લાખનો ખર્ચ તેમજ મેડીસીન સ્ટોરથી બાયોમેડીકલ વેસ્ટરૂમ સુધી જુના બિલ્ડીંગને તોડી તે જગ્યાએ નવુ ચાર માળનું બિલ્ડીંગ કરવા, બાયોમેડીકલ વેસ્ટરૂમ, આંખના ઓપરેશન માટે ઓ.ટી., વોર્ડ લેબર રૂમ, બ્લડ બેંક સહીત ૬૦ બેડની સુવિધા ઉભી કરી શકાય તેમ હોવાનું અંતમાં ગોવિંદભાઇ પટેલે જણાવ્યુ છે.

(4:00 pm IST)