Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કાલે ઇદે મીલાદઃ સતત બીજીવાર જુલૂસ મોકૂફઃ આજે પરોઢીયે સલામી

ઇસ્લામ ધર્મના અંતિમ પેગમ્બર મુહમ્મદ સાહેબની ૧૪પ૦મી જન્મ જયંતિઃ ૧ર દિ'થી થઇ રહેલી ઉજવણીઃ મુસ્લિમ વિસ્તારોમાં ઝળહળાટ મસ્જીદ-મદ્રેસા-મઝારોને શણગારઃ સર્વત્ર લ્હેરાતા ઝંડાઃ નિયાઝ-મીઠાઇ-ખાધ સામગ્રીનું વિતરણ

રાજકોટ તા. ૧૮ : ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બરહઝરત મુહમ્મદ સાહેબનો જન્મોત્સવ 'ઇદે મીલાદ'ના સ્વરૂપે કાલે મંગળવારે ઉજવવામાં આવનાર છે.

આ પૂર્વ આજે સોમવારે આખી રાત મસ્જીદો ખુલ્લી રહેશે અને વ્હેલી સવારે પૈગમ્બર સાહેબના જન્મોત્સ્વને વધાવવામાં આવશે. આ માટેની પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ 'ઈદે મીલાદ'ની ખાસ વિશેષતા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગામે ગામ જે તે વિસ્તારોમાં જુલૂસ યોજવામાં આવે છે.

આ વખતે રાજકોટ શહેરમાં ઉપરાંત જુનાગઢ, ધોરાજીમાં ઇદે-મીલાદ પ્રસંગે પૈગમ્બર સાહેબની પ્રસંશામાં  જુલુસ નિકળનાર નથી જો કે, પૈગમ્બર સાહેબની જન્મ જયંતિ ઉજવવા મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

પૈગમ્બર સાહેબની ૧૪પ૦મી જન્મ જયંતિ દર વર્ષે 'ઈદે મીલાદ'ના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે. અને એ દર વર્ષે ઇસ્લામી પંચાગના ત્રીજા મહિના રબીઉલ અવ્વલની ૧૨મી તારીખે ઉજવાય છે.

જો કે ગત ગુરૂવાર ર૭મી ઓકટોબરના ની સાંજે ચંદ્ર દર્શન થતા જ એ રાત્રિથી ઇદેમિલાદનો ઉત્સાહ ચોતરફ ફેલાઈ જવા પામ્યો છે. અને ગામે ગામ લતેલતે એ જ રાત્રિથી જ ૧૨ દિવસના સળંગ વાઅઝના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેની આજે રાત્રિના પૂર્ણાહુતિ થનાર છે.

ખાસ કરીને ઇસ્લામ ધર્મની આ સૌથી મોટી ઇંદ હોઈ જેને ઇદે મિલાદ કહેવામા આવે છે. અને તેમા પૈગમ્બર સાહેબના ગુણગાન ગાવાના હોઇ આ દિવસે સર્વત્ર દેશ-વિદેશમાં જૂલૂસ કાઢવામાં આવે છે અને તેમા મુસ્લિમ સમાજ મોટી માત્રામાં જોડાય છે .

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં  આજે રાત્રિના મોડી રાત સુધી મસ્જીદોમા મીલાદ-વાઅઝ, દરૂદ ખ્વાનીના કાર્યક્રમો થશે અને પૈગમ્બર સાહેબના જન્મ સમયે પ.ર૯ વાગ્યે વ્હેલી સવારે  દરેક મસ્જીદોનાં સલામી અર્પિત કરાશે.

ઇદેમીલાદના દિવસ વિશ્વભરમાં વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવી પૈગમ્બર સાહેબના જન્મોત્સવને વધાવવામા આવશે. દરેક મસ્જીદોમાં પરોઢિયે ૪.૪૫ વાગ્યાથી મીલાદ શરીફ પઢવામા આવશે. અને ફજરની નમાઝ પઢાયા પછી દરેક મસ્જીદોમાં ૭  વાગ્યે મીઠાઇ નિયાઝ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ઇદેમીલાદએ મુસ્લિમ સમાજનો સૌથી પ્યારો તહેવાર હોય લતે લતે મકાનો ઉપર રોશની-શણગાર કરવામા આવ્યો છે. મસ્જીદ-મદ્રેસા- દરગાહોને શણગારવામાં આવ્યા છે અને ચોતરફ ઝંડા લહેરાવવામાં આવ્યા છે.

છેલ્લા ૧ર દિ'થી મુસ્લિમ સમાજમાં ઇદે મીલાદનો ઉત્સવ ચાલી રહ્યો છે.

આ ઉપરાંત દરેક મસ્જીદોમાં પૈગમ્બર સાહેબના પવિત્ર બાલ-મુબારક પવિત્ર દર્શન કરાવવામાં આવે છે અને પૈગમ્બર સાહેબના જન્મોત્સવ સમયે પરોઢીયે દરેક મસ્જીદોમાં મીલાદ શરીફ પઢી પ.ર૯ વાગ્યે સલામી અર્પિત કરવામાં આવે છે. અને તે પછી ફજરની નમાઝ થયા બાદ એકમેકને ઇદે મીલાદની મુબારક બાદ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

આ ઉપરાંત દર વર્ષે પૈગમ્બર સાહેબની  પ્રસંશામાં દરરોજ રાત્રીના ૧૨ દિવસ સુધીના વાઅઝના કાર્યક્રમો પણ યોજાય છે અને દરરોજ રાત્રીના મસ્જીદોમાં દરૂદ શરીફ પઠનના કાર્યક્રમો યોજાય છે.

ઇદે મીલાદના અવસરે મુસ્લિમ સમાજમાં અનેરો હર્ષ જોવા મળતો હોય છે તેમાં પણ ખાસ કરીને મુસ્લિમ પરિવારો પોતાના મકાનોને ઝળહળતા કરતા હોય છે તેમ આજે પણ રંગબેરંગી રોશની કરવામાં આવી હોય મુસ્લિમ વિસ્તારો દરરોજ રાત્રીના ઝળહળી રહ્યા છે. છેલ્લા ૧ર દિ'થી મુસ્લિમ સમાજમાં ઇદે મીલાદનો ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આવતીકાલે ઇદે મીલાદનું પર્વ હોઇ મુસ્લિમ સમાજમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તી  રહયો છે.

 નોંધનીય છે કે, વૈશ્વિક મહામારીના કપરા કાળમાં ઈસ્લામ ધર્મમાં પવિત્ર મનાતી મહત્વની રાત્રી શબ મેઅરાજ, શબે બરાત તે પછી પવિત્ર રમઝાન માસ, રમઝાનની ઇદુલ ફિત્ર, તે પછી ઇદુલ અદહા અને હજજનો મહીનો ઉપરાંત તાજીયાનું પર્વ આશૂરાહ અર્થાત મહોર્રમ માસ અને છેલ્લે ઉર્ષ રઝા સહિત ઉર્ષનો મહત્વનો સફર માસના તમામ પ્રસંગો ઘરે બેઠા અને સાદાઇથી જ ગત વર્ષ ૨૦૨૦માં અને હાલમાં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યા છે. ત્યારે આ સૌથી મોટો તહેવાર ઇદે મીલાદ પણ સતત બીજા વર્ષે સાદાઇથી ઉજવાઇ જશે.

જો કે છેલ્લા ૭ જેટલા મહત્વના પર્વોના કયાંય આયોજનો નહીં કરીને સાદાઇથી ઉજવવામાં આવતા મુસ્લિમ સમાજ દ્વારા આપોઆપ સોશ્યલ ડીસ્ટેન્સનું પાલન થઇ જતા ગાઇડ લાઇન્સના અમલની સાથે સાથે ખુદ પૈગમ્બર સાહેબના સાદગી, ભાઇચારાના પવિત્ર સંદેશનો પણ આપોઆપ અમલ થઇ જશે. ખાસ કરીને આ ઇદમાં જુલૂસનું મહત્વ અને આકર્ષણ હોય છે. પરંતુ તે આયોજન મોકૂફ રખાયું હોય ઈતિહાસમાં ઇદે મીલાદનું ભવ્ય જુલૂસ આવતીકાલે નહીં યોજાય તે એક નોંધનીય ઘટના બની રહેશે.

(11:45 am IST)