Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

જામનગરના ભૂમાફીયા જયેશ પટેલ પ્રકરણમાં એડવોકેટ વસંતભાઇ માનસાતા અને એડવોકેટ સુનીલ ચાંગાણી સહીત ૧૪ના નામ સાથે રાજકોટ કોર્ટમાં રીમાન્ડની તજવીજ

રાજકોટ, તા., ૧૭: જામનગરના ભૂમાફીયા જયેશ રાણપરીયા (પટેલ) પ્રકરણમાં આજે રાજકોટ કોર્ટમાં જયેશ પટેલના ૮ સાગ્રીતોને રજુ કરીને રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જેમાં જામનગરના એડવોકેટ અને  વકીલ મંડળના પુર્વ પ્રમુખ વસંતભાઇ માનસાતા સહીત ૧૪ સામે પોલીસે ફરીયાદ કરી છે.

મળતી વિગતો મુજબ વસંતભાઇ સામે આ અગાઉ ૫ જેટલા ગુન્હા પણ નોંધાઇ ચુકયા છે તે રદ કરવા માટે તેઓ હાઇકોર્ટ સુધી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આ લખાય છે ત્યારે બપોરે ૪.૧૫ વાગ્યે રાજકોટ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જેમાં રીમાન્ડ અંગેની જાહેરાત કરવામાં આવશે.

દરમિયાન જામનગરના મદદનીશ પોલીસ અધિક્ષક નિતેષ પાંડેએ રાજકોટ પ્રિન્સીપાલ એન્ડ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટશ્રી સ્પેશ્યલ સેસન્સ કોર્ટ સમક્ષ આ પ્રકરણમાં સંડોવાયેલા ૧૪ આરોપીઓના નામ રજુ કરીને રીમાન્ડ માટેની માંગણી કરી છે.

જેમાં જયસુખ ઉર્ફે જયેશ મુળજીભાઇ  રાણપરીયા (પટેલ) નિલેશભાઇ મનસુખભાઇ ટોલીયા, પ્રફુલભાઇ જયંતીભાઇ પોપટ, અતુલભાઇ વિઠલભાઇ ભંડેરી, પ્રવીણભાઇ પરસોતમભાઇ ચોવટીયા, અનિલભાઇ મનજીભાઇ પરમાર, મુકેશભાઇ વલ્લભભાઇ અભંગી (પટેલ), વશરામભાઇ ગોવિંદભાઇ  મિયાત્રા, જીગરભાઇ ઉર્ફે જીમ્મી પ્રવીણભાઇ આડતીયા, યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઇ વલ્લભભાઇ અભંગી (પટેલ), સુનીલભાઇ  ગોકળભાઇ ચાંગાણી, વસંતભાઇ લીલાધરભાઇ માનસાતા (એડવોકેટ) સહીત ૧૪ વ્યકિતઓ સામે કોર્ટમાં રજુઆત કરવામાં આવી છે.

આ પ્રકરણમાં જામનગરમાં કાયદાકીય, સીવીલ ફોજદારી તથા અખબારોમાં ખોટી નોટીસો પ્રસિધ્ધ કરવા અને જમીન બળજબરી પુર્વક પડાવવા માટે જેલમાંથી તાજેતરમાં છુટેલા યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાને કામ સોંપવામાં આવ્યું હતું.

જયારે પોલીસની ગુપ્ત માહીતી મેળવવા તથા કાનુની ફરીયાદથી ડરાવવા નિવૃત ઇન્સ્પેકટર અને આરોપી વશરામભાઇ મિયાત્રા સામે ગુન્હો દાખલ કરાયો છે. જયારે નાણાકીય ઉઘરાણી માટે કોર્ર્પોેરેટર અનિલ ભંડેરીનું નામ કોર્ટમાં રજુ કરાયું છે.

(10:25 am IST)