Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

કલર કોડ મુજબ ૨૫૩ ગણપતિને વિસર્જનની મંજુરીઃ પાંચ સ્થળે ૧૬૫૨ પોલીસનો બંદોબસ્ત

૭૬ ગણપતિનું વિસર્જન આયોજન સ્થળે જ થશેઃ પોલીસે વિસર્જન માટે પાસ આપ્યા : લાલ પાસ હોય તેને આજીડેમ, કેસરી પાસવાળા જખરાપીર પાસે, લીલા પાસવાળા વાગુદડ નદીએ, બ્લુ પાસાવાળાને હનુમાનધારા તથા પીળા પાસવાળાને પરાપીપળીયા જવાનું રહેશે : જેણે મંજુરી ન લીધી હોય તેઓ આજે જે તે પોલીસ સ્ટેશનમાંથી મંજુરી મેળવી શકશેઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા

રાજકોટ તા. ૧૮: ગણપતિ મહોત્સવનું આવતીકાલે સમાપન થવાની સાથે આયોજકો, ભાવીકો બાપ્પાની મુર્તિઓનું વિસર્જન કરવા જશે. કોરોના મહામારીને કારણે સરકારની માર્ગદર્શિકા મુજબ અને શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના પાલન સાથે ગણપતિ ઉત્સવના આયોજકો, ભાવિકો વિસર્જન કરી શકે તે માટે પોલીસે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. તે મુજબ અલગ અલગ પાંચ કલરના પાસ આપવામાં આવશે અને એ પાસના રંગ મુજબ નક્કી થયેલા સ્થળોએ વિસર્જન થઇ શકશે. પોલીસે ૨૫૩ ગણપતિના વિસર્જન માટે મંજૂરી આપી છે. અન્ય ૭૬ આયોજકોએ પોતે આયોજનના સ્થળે જ અથવા ઘરે જ વિસર્જન કરશે તેવું પોલીસને જણાવ્યું છે.

પોલીસ કમિશનરશ્રીના જાહેરનામા મુજબ વિસર્જન કરવા માટે માત્ર ૧૫ લોકો એક જ વાહનમાં જઇ શકશે, સરઘસ કાઢવાનું રહેશે નહિ. ઘરે સ્થાપન કરાયેલા ગણપતિજીનું વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે. ધાર્મિક-સામાજીક પ્રસંગોમાં બેન્ડવાજા વગાડવા માટે નિયમોને આધીન નજીકના પોલીસ સ્ટેશનમાંથી મંજુરી લેવાની રહશે. રાતે દસ પછી લાઉડ સ્પીકર વગાડી શકાશે નહિ. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવાયેલા કૃત્રિમ કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. શહેર પોલીસ દ્વારા ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરી રૂટને કલર કોડ અપાયા છે. આ કલરકોડ મુજબ જ વિસર્જન કરવાનું રહેશે. પોલીસ સ્ટેશનો દ્વારા ૨૫૩ ગણપતિના વિસર્જનની મંજુરી અપાઇ છે તેની માહિતી આ મુજબ છે.

રેડ કલરના પાસ જેને અપાયા છે તેવા ૧૦૮ આયોજકો આજીડેમ વિસ્તારમાં, કેસરી કલરના પાસવાળા ૬૨ આયોજકો જખરાપીર દરગાહ પાસેના વિસ્તારમાં, લીલા રંગના પાસવાળા ૩ આયોજકો ગણપતિને વાગુદડ નદી વિસ્તાર, બ્લુ રંગના પાસવાળા ૭૮ આયોજકો ગણપતિનું વિસર્જન ન્યારાના પાટીયે-હનુમાનધારા પાસેના વિસ્તારમાં અને પીળા રંગના પાસવાળા ૨ આયોજકો પરાપીપળીયા પાસેના વિસ્તારમાં વિસર્જન કરી શકશે. આ સિવાય ૭૮ આયોજકોએ ઘરમાં જ વિસર્જનની મંજુરી માંગી છે. જે લોકોએ મંજુરી લીધી ન હોય તેમણે આજે જ મંજુરી લઇ લેવી અને પાસ મેળવી લેવાનો રહેશે. વિસ્તાર મુજબના પોલીસ સ્ટેશન ખાતેથી મંજુરી અને પાસ આપવામાં આવશે. તેમ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદે વિસર્જનના નક્કી થયેલા પાંચ સ્થળો પર કુલ ૧૬૫૨નો બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં ૦૨ ડીસીપી, ૦૬ એસીપી, ૧૬ પીઆઇ, ૬૫ પીએસઆઇ, ૬૮૬ એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તથા ૫૪ એસઆરપી જવાનો, ૪૦૩ ટીઆરબી, ૧૭૦ હોમગાર્ડ અને ૨૫૦ જીઆરડી જવાનોનો સમાવેશ થાય છે.

ગણપતિ વિસર્જન વખતે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને કોવિડના નિયમોનું પાલન થાય તે માટે શહેર પોલીસ, મહાનગર પાલિકાના સ્ટાફને લોકો સહકાર આપે તેવો અનુરોધ પોલીસ કમિશનરશ્રીએ કર્યો છે.

(3:53 pm IST)